Text Size

છૂટો દોર કે દબાણ ?

કેટલાક વિચારકો કે વિદ્વાનો વૃત્તિઓને છૂટો દોર આપવામાં માને છે. મનમાં જે પણ વૃત્તિ ઊઠી, જે સંકલ્પ, વિચાર, ભાવ ઉદ્ ભવ્યા, તેમને દબાવી કે રોકી દેવાને બદલે તેમને બહાર નીકળવા દેવા, એમનો આચારમાં અનુવાદ કરવો, અથવા એ અનુસાર વર્તવું, એવી વિચારસરણીમાં એ વિશ્વાસ રાખે છે અને અવસર આવ્યે એને અનુસરે છે. એ કહે છે કે ભાવો કે વિચારોને રોકવાથી કે દબાવવાથી શારીરિક અને માનસિક રીતે મોટું નુકશાન થાય છે. એમના કથનને આદર્શ માનીને અનુસરનારો વર્ગ પણ સ્વાભાવિક રીતે જ વધતો જાય છે. કારણ કે એ વિચારસરણી છે જ એવી ચિત્તાકર્ષક અને ચેપી. એમાં પરંપરાગત વિચારપદ્ધતિ કરતાં વિપરીત એવી બીજી વિચારસરણીનો પડઘો પડે છે. વૃત્તિઓ, વિચારો ને ભાવોનો સંયમ સાધવાનો સદુપદેશ તો જૂના જમાનાથી ચાલ્યો આવે છે પરંતુ એમને છૂટો દોર આપવાની વાત અનોખી અથવા ઊલટી છે. એટલે તરત જ ધ્યાન ખેંચે છે. અવનવી, વિપરીત, વિરોધી અથવા ઊલટી વસ્તુનો એવો સ્વભાવ હોય છે.

સ્વામી વિવેકાનંદને પરદેશના પ્રવચન-પ્રવાસ-દરમિયાન એક મહાનુભાવનો મેળાપ થયો. તે એમને પોતાના પંથમાં લઈ જવાની આકાંક્ષા રાખતા. સ્વામી વિવેકાનંદે એમને એમના પંથની કોઈ વિશેષતા દર્શાવવા જણાવ્યું તો એમણે કહ્યું કે અમારા પંથમાં પ્રવેશનારને ગમે તેટલી વાર લગ્ન કરવાની છૂટ મળે છે. સ્વામી વિવેકાનંદે જણાવ્યું કે મારા જીવનમાં તો એ આકર્ષણ હવે નથી રહ્યું પરંતુ આકર્ષણની એ વાત અસાધારણ છે, ને ભારતમાં તમારા પંથના પ્રચાર માટે જશો તો તમને થોડાઘણા અનુયાયીઓ મળી રહેશે. એ દેશમાં બધા જ પંથો કામ કરે છે.

છતાં પણ કોઈ પણ વિચારસરણીનો તટસ્થ રીતે જીવનોપયોગી વિચાર કરવાનું આવશ્યક હોય છે. એવી રીતે વૃત્તિઓને કે વિચારોને છૂટો દોર આપવાની વિચારધારાને પણ વિચારી લઈએ. જે પુરૂષો એવું કહે છે કે માને-મનાવે છે કે મનમાં જે પણ વિચાર, ભાવ, ઊર્મિ ઊઠે એને દબાવવાને બદલે એનો તરત જ અમલ કરવો અથવા એ અનુસાર કરવા માંડવું, એ પુરૂષોનાં કથન, મંતવ્ય કે અભિપ્રાયને પણ માની ના શકાય અથવા આદર્શ ના ગણાય. સમજુ માનવ કોઈ પણ પ્રકારના વિચાર વગર જેમ ફાવે તેમ આંખ મીંચીને કામ કેવી રીતે કરી શકે ? એવી રીતે તો કેટલીકવાર પશુ પણ વર્તતાં નથી દેખાતાં.

અમે એક દિવસ કૂતરાને રોટલો નાખ્યો. અમને એમ કે કૂતરો એ રોટલો તરત જ ખાઈ જશે પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે કૂતરાએ એ રોટલાને ના ખાધો. અમે બીજો રોટલો નાખ્યો તો એણે એ પણ ના ખાધો. એનો ઉપયોગ પાછળથી ભેગા મળેલા કાગડાઓએ પણ ના કર્યો. કારણ કે એ વાસી હતો. અમને થયું કે કૂતરો અને કાગડા પણ આટલો વિવેક કરી શકે છે તો પછી માનવ તો વિવેક કરે જ. એ વધારે શિક્ષિત, સંસ્કૃત મનાય છે. જોઈને પગલું ભરવું, વિચારીને બોલવું ને વર્તવું, માનવને માટે આવશ્યક, આવકારદાયક, અભિનંદનીય, આશીર્વાદરૂપ છે. માટે જ શાસ્ત્રે જણાવ્યું છે કે જોઈને—દ્રષ્ટિથી પવિત્ર કરીને—પગલું ભરવું જોઈએ.

દ્રષ્ટિપૂતં ન્યસેત્ પાદમ્. જોયા વિના, ચારેકોર દ્રષ્ટિપાત કર્યા વિના ચાલવામાં આવે તો કોઈવાર લપસી પડાય, ખાડામાં પડાય, વાગી જાય, ભળતા જ માર્ગે ચઢી જવાય કે કોઈની સાથે ભટકાઈ પડાય. કોઈને હાનિ કરાય. મનમાં ઉદ્ ભવતા નાનામોટા બધા જ ભાવો કે વિચારોનો અમલ કેવી રીતે થાય ? એ પ્રમાણે વર્તવાનું કેવી રીતે કહેવાય ? કોઈને કોઈના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો વિચાર આવે તો તેણે એ વિચારને અનુલક્ષીને તરત જ ચોરી કરવી ? ખૂન કરવાનો વિચાર આવે અથવા વ્યભિચારના વિચારવાળાએ એ પ્રમાણે વર્તવા માંડવું ? સ્થિર બુદ્ધિના સમજુ કહેવાતા માનવ પાસે એવી અપેક્ષા ના રાખી શકાય. બધા જ વિચારો, બધી જ વૃત્તિઓ અને ઊર્મિઓને અનુસરવામાં આવે તો આપણી આજુબાજુના સમાજમાં અવ્યવસ્થા થઈ જાય. આતંક અને અશાંતિ વધી જાય.

વૃત્તિઓને દબાવવાની કે એમને છૂટો દોર આપવાની બંને પ્રકારની વૃત્તિ કે પ્રવૃત્તિ વ્યક્તિ તથા સમષ્ટિને માટે હાનિકારક છે. એક ઉત્તર ધ્રુવ છે તો બીજો દક્ષિણ ધ્રુવ. બંનેની ભલામણ ના કરી શકાય. ઉત્તમ વસ્તુ તો વૃત્તિ, વિચાર, ઊર્મિને તટસ્થ રીતે વિચારીને, એની સારસરિતાને સમજીને, આવશ્યકતા અનુસાર અપનાવવાની કે અમલ કરવાની છે. વૃત્તિ કે વિચારોને દબાવવાની કે છુટો દોર આપવાની ભલામણ કરવાને બદલે આપણે એમને તપાસવાનું, ચકાસવાનું, અને એમનો વિવેકપૂર્વનો વિનિયોગ કરવાનું વલણ પસંદ કરીશું, વધારે યોગ્ય, તંદુરસ્ત અથવા આદર્શ માનીશું. એવું વલણ જ માનવને ભોગ તથા યોગ ઉભયનો સમ્યક આનંદ આપશે અને શાંતિ પ્રદાન કરશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

I know God will not give me anything I can't handle. I just wish He wouldn't trust me so much.
- Mother Teresa