Text Size

ઉઠી શમવે તે સંત, ના ઉઠે તે ભગવંત

સંતપુરૂષોને માટે કહેવાય છે કે ઊઠી શમવે તે સંત.

સામાન્ય માનવો પોતાની વિષયપરવશતા કે નબળા મનોબળને લીધે મનમાં પેદા થનારી બૂરી વૃત્તિઓ, ઊર્મિઓ, કામનાઓ અને વાસનાઓના પ્રભાવમાં પડીને એમના પ્રવાહમાં તણાઈ જાય છે. એમનો સફળતાપૂર્વક પ્રતિકાર કરી શકતા નથી. પરંતુ સંતપુરૂષોની વાત જુદી છે. એમના મનમાં કોઈકવાર કામ-ક્રોધ-લોભના, અહંતા-મમતા અથવા આસક્તિના ભાવો જાગે છે અથવા અમંગલ વિચારો, ભાવો કે કામનાઓ અથવા વાસનાઓ પેદા થાય છે તો એમની અસારતા, અનિત્યતા અને દુઃખમયતાને વિચારીને એમના પ્રતિકૂળ પ્રવાહમાં તણાવાને બદલે એ ચેતી જાય છે, સાવધ થાય છે, અને વિકૃત વિચારો, ભાવો, વિકારો, કામનાઓ કે લાલસાઓને સદ્ બુદ્ધિની સહાયથી શાંત કરી દે છે. મનમાં પેદા થનાર દુર્ભાવોને, વાસના કે વિકારોનાં વિષચક્રો કે તુમુલ તાંડવોને મન સુધી જ સીમિત રાખે છે. ઈન્દ્રિયોને તથા તનને એમની અસર નીચે નથી આવવા દેતા. એમની સંયમસાધના એવી અસાધારણ હોય છે કે એથી એ ગફલતમાં નથી પડતા અને વિષયાસક્ત થઈને પથભ્રાંત નથી બનતા.

એવી અવસ્થાવાળા પુરૂષોને સંતકોટિના કહી શકાય. સંત શબ્દ કોઈ વર્ગવિશેષ કે જાતિવિશેષને માટે નથી વાપરવાનો. એને પંથ, મત કે સાંપ્રદાયિકતાનો પરિચાયક નથી ગણવાનો. સંત શબ્દ જીવનની સાત્વિકતા, ઉદાત્તતા અથવા સાધનાત્મક વિકાસનો, અંતરંગ આત્મિક અવસ્થાનો સૂચક છે. એનો ઉપયોગ કે પ્રયોગ એ સંદર્ભમાં જ કરવાનો છે. એ સંદર્ભમાં જ આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ અવસ્થા પણ કાંઈ જેવી તેવી, સર્વસામાન્ય કે નાનીસૂની નથી. એવી અવસ્થાએ આરૂઢ થયેલા આત્માઓ પણ અત્યંત ઓછા, એકદમ વિરલ જોવા મળે છે.

મીઠાઈ ખાવાની મરજી થઈ કે તરત જ એની અમંગલતાને, હાનિકારકતાને, અનાવશ્યકતાને વિચારીને એમાંથી મનને પાછું વાળી લીધું. કામ-ક્રોધ-લોભની વૃત્તિઓ મનમાં ઉદ્ ભવી પરંતુ તે પરોક્ષ રીતે કામ કરતી મટીને અપરોક્ષ રીતે ક્રિયાન્વિત બને તે પહેલાં જ તેને સદસદ્ બુદ્ધિની મદદથી મનમાં જ શમાવી દીધી, શાંત કરી. અહંકાર, રાગ, દ્વેષ, અસૂયા, દેહવાસના, લોકવાસના, શાસ્ત્રોના વાદવિવાદની વાસના, સિદ્ધિઓની કામના પેદા થઈ ખરી. હજુ સુધી મન એટલું નિર્મળાવસ્થાએ પહોંચ્યું નથી કે તે પેદા જ ના થાય. પરંતુ તે મનને ખળભળાવે, હચમચાવે, બેચેન બનાવે, અને પરિપૂર્ણપણે પ્રભાવિત કે પરવશ બનાવીને જીવનમાં પોતાનું વર્ચસ્વ જમાવે તે પહેલાં જ વિવેકવતી વૃત્તિનો, આત્મનિરીક્ષણનો, પ્રાર્થનાનો,  ભૂતકાલિન અનુભૂતિનો, વ્રત તથા નિયમના પરિપાલનનો, આત્મિક અનુશાસનનો, મહાપુરૂષના  શુભાશીર્વાદનો, ગમે તેનો આધાર લઈને તેને તત્કાળ કે પછી એટલી બધી શક્તિ ના હોય તો શનૈ: શનૈ: ક્રમેક્રમે શાંત કરી દીધી. જેથી એણે વિનાશકતામાંથી મુક્તિ મેળવી. એવી શક્તિ, ભૂમિકા, અવસ્થા પણ ઓછી આશીર્વાદરૂપ નથી. એની અગત્ય પણ ઘણી મોટી છે.

માનવ ભૂલ કરે છે, દોષોનો શિકાર બને છે, પરંતુ ભૂલોને ઓળખીને, દોષોને દોષ તરીકે સમજીને, એમનો ભોગ ના બને અને એમનાથી ધીમેધીમે પણ દૂર રહે ને મુક્તિ મેળવી શકે તો એવી ભૂમિકા પણ આવકારદાયક અથવા અભિનંદનીય છે. એવું થઈ શકે તો પણ માનવ કેટલાંય કુકર્મો કે કિલ્મિષમાંથી છૂટી શકે. પોતાના મનનો, ભાવોનો, વિચારોનો શાસક થઈ શકે. બાદશાહ બની શકે. મનના વિચારો ને વિકારો મન સુધી સીમિત નથી રાખી શકાતા, એમને જ્ઞાત અથવા અજ્ઞાત રીતે પણ તનમાં કે સ્થૂળ પાર્થિવ ભૂમિકા પર આવતા અથવા અનુવાદિત થતા અટકાવી શકાતા નથી એટલે જ કુકર્મો થતાં રહે છે. જે ઉત્તમ મનાય છે એ આચરાતું નથી. જેને અનુત્તમ, અશુભ, અધમ ગણવામાં આવે છે એનાથી સદાનો સુખદ સંબંધવિચ્છેદ નથી કરાતો.
*
આત્માના અંતરંગ અભ્યુત્થાનની એક અન્ય અવસ્થા વિશેષ પણ છે એ અવસ્થાને 'ના ઊઠે તે ભગવંત’ એવા નામનિર્દેશ સાથે ઓળખવામાં આવી છે. આરંભની અવસ્થાવાળા સાધકો પોતાના વિચારો, વિકારો, ઊર્મિઓ, વૃત્તિઓ અને પશુભાવનાના પ્રભાવમાં પડીને, તેમના પ્રવાહમાં પરવશ બનીને, વહેવા માંડે છે. એ અવસ્થાથી આગળ વધેલા સાધકો-સંત કોટિના સાધકો વિચારો, ભાવો, વિકારો પર કાબૂ કરી શકે છે. વિચારો કે વિકારોને વશ નથી થતા. એના કરતાં પણ આત્મિક અભ્યુત્થાનની આગળની અવસ્થાવિશેષ પર પહોંચેલા મહાપુરૂષોની અંદર દુર્વિચારો, દુર્ભાવો, દુર્વાસનાઓ ઊઠતાં જ નથી. એમનું મન બૂરાઈ, અશુભ અથવા અમંગલ તરફ જતું જ નથી. બૂરા વિચારો, ભાવો, સંસ્કારો, વિકારોને ઊઠ્યા પછી સદ્ બુદ્ધિનો સમાશ્રય લઈને શાંત કરવામાં આવે એ એક વાત છે, અને એ મનમાં કોઈએ કારણે પેદા જ ના થાય એ બીજી વાત છે. એ અવસ્થામાં માનવનું સૂક્ષ્મ મન અથવા અંતઃસ્તલ પણ નિષ્પાપ, નિર્દોષ, નિર્મળ બની જાય છે. ગમે તેવા વિકૃત વાતાવરણમાં પણ એ સંપૂર્ણ સ્વસ્થ અને શાંત રહે છે. એની અંતરંગ શાંતિ, સ્વસ્થતા, સ્થિતપ્રજ્ઞતાનો ભંગ નથી થતો. એવા લોકોત્તર મહાપુરૂષો બ્રહ્મ જેવા નિર્દોષ હોય છે, એવું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે. નિર્દોષં હિ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતા. એવા પવિત્રતા તથા પ્રભુમયતાની પરાકાષ્ઠાએ પહોંચેલા પુરૂષ વિશેષોને ભગવંત સ્વરૂપે ઓળખવામાં ને આદરપાત્ર માનવામાં કશી હરકત નથી.

જીવનવિકાસના એ ત્રિવિધ ક્રમમાંથી માનવે ક્રમશ: આગળ વધવાનું છે. આગળ વધવાનો આરંભ જ્યાં છે, જે પણ અવસ્થામાં હોઈએ ત્યાંથી કરી દેવાની આવશ્યકતા છે. જીવનનો પ્રત્યેક દિવસ, આપણે ફાળે આવેલી પ્રત્યેક પળ, પરમ મૂલ્યવાન, પ્રાણવાન અને અનંત અકલ્પનીય શક્યતાઓથી ભરેલી છે એનું સતત રીતે સ્મરણ કરીને એના સદુપયોગમાં લાગી જઈએ તો ધારેલા લક્ષ્યાંક પર પહોંચી જઈએ. ઉપનિષદે ઉત્સાહપ્રદાયક પ્રેરકવાણીમાં જણાવ્યું છે કે ચાલો, ચાલો, પ્રગતિના પાવન પથ પર પુરૂષાર્થી થઈને ચાલો. જે ચાલે છે તે મધુ મેળવે છે. તેનું ભાગ્ય પણ ચાલે છે, આગળ વધે છે, પલટાય છે, અનુકૂળ અથવા આશીર્વાદરૂપ બને છે. ચરૈવેતિ ચરૈવેતિ ચરન્વૈ મધુ વંદતિ. ચરાતિ ચરતો ભગ:

વિકારોથી વીંટળાયેલો, વાસનાઓથી ઘેરાયેલો, કામાસક્ત, મોહગ્રસ્ત માનવ કદી એવી અવસ્થા પર પહોંચી શકશે જ્યારે એને વિકારો થાય જ નહીં, વાસનાઓ સતાવે જ નહીં, કામાસક્તિ ઘેરે જ નહીં ? અવશ્ય પહોંચી શકશે. એનું જીવન જ આદર્શ માનવ બનીને પ્રભુસ્વરૂપ થવા, ભગવંત બનવા માટે છે. એને માટે કશું જ અશક્ય નથી. માત્ર એણે અનવરત પુરૂષાર્થ કરવો જોઈએ. આજ સુધી અસંખ્ય આત્માઓએ સંશુદ્ધિના ને સંસિદ્ધિના એ સુમેરૂ શિખરને સર કર્યું છે અને આજે કે ભવિષ્યમાં પણ સર કરી શકાશે. આવશ્યકતા છે કરણી કરવાની. કહેવામાં આવ્યું જ છે કે નર જો કરણી કરે તો નારાયણ થઈ શકે. નર કરણી કરે તો નર કા નારાયણ હોય.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Constant dripping hollows out a stone.
- Lucretius