Text Size

ધ્યાન - છટકબારી કે સંમોહન ?

ધ્યાનની પ્રવૃત્તિ જીવનની વાસ્તવિકતાઓથી છૂટવાની છટકબારી છે ? જીવનની યથાર્થતા પ્રત્યે આંખમીંચામણા કરીને એનાથી દૂર-સુદૂર જવાની પ્રક્રિયા છે ? ધ્યાનની સાધના સ્વાત્મસંમોહન Self Hypnotism છે ? ઘણા શિક્ષિત સુવિચારશીલ, સુસંસ્કારી માનવોનું માનવું છે કે એ એક પ્રકારનું  સ્વાત્મસંમોહન છે. એ વિશે આપનો શો અભિપ્રાય છે તે જણાવશો ? એક સત્સંગી જીજ્ઞાસુ સાધકે એવા પ્રશ્નો પૂછ્યા છે.

એ પ્રશ્નોના સંક્ષેપમાં સારગર્ભિત રીતે ઉત્તરો આપું :
કેટલાક લોકો એવું સમજતા કે ધ્યાન જ નહિ પરંતુ જ્ઞાન, વિજ્ઞાન, ભક્તિ, યોગ, તત્વજ્ઞાન, અધ્યાત્મ એક જાતની છટકબારી છે. એમનો આધાર જીવનની વાસ્તવિકતાઓથી છૂટવા કે છટકવા માટે લેવામાં આવે છે. સંસારમાં લોકો એક અથવા બીજી જાતની છટકબારીઓનો આધાર લેતા દેખાય છે. કેટલાક અશાંતિમાંથી કામચલાઉ સમયને માટે છૂટવા દારૂ-શરાબનો આશ્રય લે છે, કેટલાક નાચગાનનો. કોઈ વળી સિનેમા-નાટકનો. એનાં કુત્રિમ દ્રશ્યો યથાર્થતાનું વિસ્મરણ કરાવીને એમને એટલા અલ્પ વખતને માટે આહ્ લાદ અથવા આરામ આપે છે. કોઈ વધારે પડતા કંટાળે છે. તે કંટાળા, દુઃખ, અશાંતિ કે ક્લેશમાંથી છૂટવાની કોઈ બારી નથી રહેતી ત્યારે મકાન પરથી પડતું મૂકીને, જલાશયમાં ઝંપલાવીને, ઘાસતેલ છાંટીને, ગળે ફાંસો ખાઈને અથવા એવી જ બીજી રીતે આપઘાત કરે છે. કેટલાક મૃત્યુને છટકબારી માને છે.

ધ્યાનની સાધના જીવનમાંથી છટકવાની, જીવનને નીરસ બનાવવાની કે જીવનના તિરસ્કાર અથવા સંબંધવિચ્છેદની સાધના નથી. એ સાધના જીવનને ઉત્તરોત્તર વધારે ને વધારે શાંત કરવાની, રસમય બનાવવાની, આનંદથી આપ્લાવિત કરવાની પ્રક્રિયા છે. એ જીવનમાં નવો રસ પેદા કરે છે, અવનવી દ્રષ્ટિ અર્પે છે, તટસ્થતા કે અલિપ્તતા બક્ષે છે. એ સાધનાથી સંપન્ન સાધકાવસ્થામાં રહેલો કે સિદ્ધાવસ્થા પર પહોંચેલો સાધક આદર્શ માનવ રહે છે, ને રહેવાની કોશિશ કરે છે. એ અધ્યાપક હોય તો વધારે સારો આદર્શ અધ્યાપક બને છે. વેપારી, ગૃહસ્થી, ત્યાગી, અમલદાર હોય તો વધારે ને વધારે આદર્શ બને છે. પોતાના કાર્યક્ષેત્રને વફાદાર રહે છે, નિષ્ઠાપૂર્વક ન્યાય આપે છે, અને જીવનને અધિકાધિક આનંદમય, શાંતિસંપન્ન કરે છે.

ધ્યાનની સાધના દરમિયાન મનને જે સ્વસ્થતા, શાંતિ, સ્થિરતા, પ્રસન્નતા, મધુરતા, ઉશ્કેરાટ-રહિતતાનો અનુભવ થાય છે તે ધ્યાનની સાધના સિવાય પણ ચાલુ રહે છે. એ જીવનને, જીવનની સમસ્યાઓને વધારે સારી રીતે તટસ્થતાપૂર્વક સમજી શકે છે. એટલે ધ્યાન જીવન પ્રત્યે, જીવનની વાસ્તવિકતા પ્રત્યે આંખમીંચામણાં કરવાની વૃત્તિ, પ્રવૃત્તિ, પ્રક્રિયા કે સાધના નથી. જીવનની વાસ્તવિકતાને વધારે સારી રીતે સમજવાની શક્તિથી સંપન્ન થવાની સાધના છે. એ જીવનને નવો રસ, અવનવો આનંદ, અનોખો અભિગમ અર્પે છે. જીવનને જીવવા જેવું, ચાહવા જેવું, માણવા જેવું બનાવે છે. એ જીવન પ્રત્યે, અને શાશ્વત, અમર, જ્યોતિર્મય, જીવન પ્રત્યે અધિકાધિક પ્રમાણમાં અભિમુખ બનવાની પ્રક્રિયા છે.

હવે સ્વાત્મસંમોહનના બીજા મુદ્દા વિશે. ધ્યાનને જે પોતાની જાતનું સંમોહન સમજે છે તેમની સમજણ અધૂરી છે. સંમોહન તો માનવને લાગેલું જ છે. એનો શિકાર બનીને જ એ સંસારના અનિત્ય પદાર્થોને નિત્ય માને છે, જે સત્ય નથી તેને સત્ય સમજે છે, અને આત્માને બદલે અનાત્મ પદાર્થોની મમતા તથા આસક્તિ કરે છે. અહંતા, રાગદ્વેષ, ભય, ભેદભાવના પાશમાં પડે છે. પ્રકૃતિની એ પરવશતા તથા સંમોહનશીલતાને લીધે એ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને ઓળખી શકતો નથી. ધ્યાનની સાધના પ્રકૃતિની એ પરવશતા કે સંમોહનશીલતાને દૂર કરવાની સાધના છે. એ સ્વાત્મસંમોહનની સાધના નથી પરંતુ આત્મસંમોહનમાંથી મુક્તિ મેળવવાની, મનને નિર્વિકાર, નિર્મળ તથા શાંત કરવાની, ને સ્વના સંશોધનની, આત્માના અન્વેષણની પ્રાણવાન પ્રવૃત્તિ છે. એ દ્વારા પોતાની જાતને સંમોહિત કરવામાં નથી આવતી પરંતુ નમ્ર, નિર્મળ, નિર્વિકાર, શાત કરવામાં આવે છે. એ જીવનનું, વિચારોનું, ભાવોનું, વ્યવહારનું અથવા અનુભૂતિનું આમૂલ પરિવર્તન છે, સાત્વિક સંશુદ્ધિકરણ છે. ઉદાત્તીકરણ છે. એની સિદ્ધિ થતાં માનવ જગતમાં રહેલા જગદીશ્વરને જોવાની શક્તિથી સંપન્ન બને છે. એ સંસારમાં શ્વાસ લે છે તો પણ એને સંસારનો કોઈ પણ પદાર્થ, વિષય કે રસ પ્રભાવિત કે સંમોહિત નથી કરી શકતો. એ ભાન નથી ભૂલતો. એનો આધાર લઈને માનવ પોતાના મૂળભૂત સ્વરૂપની પાસે પહોંચે છે. એને અનુભવીને એમાં સ્થિતિ કરે છે, એની સાથે એકરૂપ બને છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi