Text Size

પ્રોપર્ટી ટેક્સ

મકાનમાલિકોને સંપત્તિ વેરો-પ્રોપર્ટી ટેક્સ આપવો જ પડે છે. માનવ પોતાના મકાનમાં રહેતો હોય કે બીજાના મકાનમાં ભાડૂત તરીકે વસતો હોય તો પણ ટેક્સથી સર્વથા મુક્ત નથી હોતો. એક અથવા બીજા પ્રકારનો ટેક્સ એણે આપવો જ પડે છે. પંચમહાભૂતના પ્રાકૃતિક મકાનમાં વસનારા આત્માનું પણ એવું જ છે. એણે સંપત્તિ ને વિપત્તિ, હર્ષ ને શોક, લાભ ને હાનિ, ઉન્નતિ અને અવનતિ, વ્યાધી-વાર્ધક્ય-મરણ અને આધિ-વ્યાધિ-ઉપાધીના સ્વરૂપમાં જુદી જુદી જાતના ટેક્સ આપવા જ પડે છે. પ્રકૃતિ એની પાસેથી વેરાને વસૂલ કરે છે. પંચમહાભૂતના મકાનમાં રહેનાર કોઈ પણ શરીરધારી એ ટેક્સથી મુક્ત નથી. વિદ્વાન-અવિદ્વાન, યોગી-ભોગી, તપસ્વી-અતપસ્વી, અમીર-ગરીબ, આબાલ-વૃદ્ધ અને અવતારી પુરૂષો પણ એ ટેક્સમાંથી મુક્તિ મેળવી શકતા નથી. શરીર ધારણ કરે એટલે પ્રોપર્ટી ટેક્સ લાગે જ.

ભગવાન રામને રાજ્યાભિષેક કરવાનો હોવા છતાં એકાએક વનમાં જવું પડ્યું. ત્યાં સીતાનું હરણ થયું. એને શોધવા માટે કેટલાંય કષ્ટો વેઠીને વનમાં વ્યાકુળતાપૂર્વક વિહરવું પડ્યું. એ ઘટનાચક્રની પરાકાષ્ઠા રૂપે રાવણ સાથે સંગ્રામે ચઢવું પડ્યું. સીતાની અગ્નિપરીક્ષા-પુનઃ રાજ્યાભિષેક, સીતાનો ત્યાગ ને પૃથ્વીપ્રવેશ : એ બધી ઘટનાઓ પ્રોપર્ટી ટેક્સની પરિચાયક હતી. ભગવાન કૃષ્ણે શરીર ધારણ કર્યું તો એમના સંબંધમાં પણ એવું જ થયું. એ જ વિધાન અન્ય મહાપુરૂષોના સંબંધમાં લાગુ પાડી શકાય. સાધારણ માનવને તો પ્રોપર્ટી ટેક્સ ભરવો જ પડે એમાં આશ્ચર્ય શું છે ?

ભગવાન શંકરાચાર્યને પણ ઉત્તરાવસ્થામાં વ્યાધિગ્રસ્ત બનવું પડેલું એમ કહેવાય છે. મહાત્મા ગાંધીજી છેવટે ગોળીનો ભોગ બનેલા. ભગવાન રમણ મહર્ષિને ઑપરેશનની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડેલું. રામકૃષ્ણ પરમહંસ દેવને ગળાનો વ્યાધિ થયેલો. ટેક્સ તો એની રીતે એમને પણ આપવો પડેલો.

પરંતુ પ્રોપર્ટી ટેક્સ આપવાની પદ્ધતિમાં ફેર હોય છે. સામાન્ય રીતે એવું દેખાય છે કે કોઈક રડીને ટેક્સ ભરે છે ને કોઈ હસીને. કોઈક પ્રસન્ન બનીને તો કોઈક ખિન્ન થઈને. કોઈ ટેક્સને છુપાવવાનો પ્રયત્ન કરે છે તો કોઈક તેને છુપાવ્યા વગર જ ભરપાઈ કરે છે. મહાપુરૂષો જે પ્રોપર્ટી ટેક્સ આપે છે તે શાંતિપૂર્વક, સમજ સહિત, પ્રસન્નતા સાથે આપે છે. દુઃખ, કષ્ટ, વ્યાધિ કે પ્રતિકૂળતાની પ્રતિકૂળ પળોમાં પણ વ્યર્થ વિવાદમાં નથી પડતા, બબડાટ નથી કરતા, બીજાને અકારણ દોષ નથી દેતા, જીવનને અભિશાપરૂપ નથી સમજતા, ને સંપત્તિ, સાનુકૂળતા, સમૃદ્ધિની સુખદ ક્ષણોમાં છકી નથી જતા કે પથભ્રાંત અથવા વિપથગામી નથી બનતા. એ સદાય સ્વસ્થ, શાંત, સ્થિરબુદ્ધિ, સાક્ષી જેવા રહેતા હોય છે. ન્યાય, નીતિ, માનવતાનાં મૂલ્યોનો સંબંધવિચ્છેદ નથી કરતા. નિત્યનિરંતર હર પળે ને હર સ્થળે પરમાત્માપરાયણ રહી શકે છે. વ્યોમને વીંટી વળનારાં વાદળાં જેમ વ્યોમને કશું જ નથી કરી શકતાં, વ્યોમ એમનાથી સર્વથા અલિપ્ત રહે છે, તેમ એમના અંતરાત્મા બહારની ભૌતિક અથવા આધિભૌતિક પરિસ્થિતિથી અલિપ્ત અથવા મુક્ત રહે છે. એ પરિસ્થિતિનો પ્રભાવ એમના ઉપર અલ્પાંશે પણ નથી પડતો. પ્રોપર્ટી પોતાની છે એવું એ માનતા જ નથી.

પ્રોપર્ટી ટેક્સને ભરપાઈ કરવાની એ કળામાં આપણે પણ કુશળ થઈએ તો કેવું સારું ! જીવનના બધા જ બોજાઓ ઓછા થાય ને જીવન હળવું ફોરમવંતા ફૂલ જેવું બની જાય.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #2 Ghanshyam Patel 2010-01-20 08:09
Really good website. keep go forward. everybody Jay Swaminarayan.
0 #1 Alpesh Patel 2010-01-17 12:08
This website is very good. I am happy in site.

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi