if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
રાષ્ટ્રીય એકતાનાં પરિબળોને પરિપુષ્ટ કરવાનું કાર્ય અત્યંત આવશ્યક અને આશીર્વાદરૂપ છે એમાં શંકા નથી. લાંબા વખતના સ્વાતંત્ર્યસંગ્રામ પછી દેશના નેતાઓનું અને એ નેતાઓના શિરમુકુટસમા મહાત્મા ગાંધીજીના જીવનનું સ્વાતંત્ર્યનું સ્વપ્ન ઓછાવત્તા પ્રમાણમાં સિદ્ધ થયું ત્યારે દેશને-અલબત્ત શેષ રહેલ દેશને-અખંડ, અવિભાજ્ય અથવા એક રાખવાની પ્રક્રિયા પ્રત્યે સ્વાભાવિક રીતે જ ધ્યાન ગયું. સરદાર પટેલે એ પ્રક્રિયા એમની દીર્ઘદ્રષ્ટિ તથા અસાધારણ કુનેહથી પાર પાડી. એ સૌને પરિણામે દેશની આગળ એકત્વના મંગલમય મંત્રનું ગુંજન થયું. એ મધુર ગૌરવાન્વિત ગુંજન હજુ શાંત થયું ના થયું ત્યાં તો વિભાજનના નવાં પરિબળો કામ કરવા માંડ્યાં. એમનો સ્વાંગ નવો છતાં પ્રાણ પુરાતન હતો. દેશમાં એકતાને બદલે અનેકતાના ખ્યાલો પ્રચલિત થવા લાગ્યા. એ અવસ્થામાં રાષ્ટ્રના હિતચિંતકોને રાષ્ટ્રીય એકતાની ચિંતા થઈ આવે એ સ્વાભાવિક છે. એનું જ પરિણામ છે કે દેશમાં ભેદભાવયુક્ત માનસની સાથેસાથે, અભેદનિષ્ઠ, એકત્રિત કરવા માગનારા, સંગઠનપ્રિય પરિબળોનું આજે ઠેરઠેર દર્શન થાય છે અને એ પરિબળો પોતાની રીતે કાર્ય કરી રહ્યાં છે. ગાંધી શતાબ્દીના સુઅવસર પર એ કીમતી લોકોપકારક કાર્ય પ્રત્યે જેટલું પણ ધ્યાન ખેંચવામાં આવે એટલું ઓછું છે. અને એ કાર્ય પ્રત્યે જેટલો પણ રસ કેળવવામાં આવે એટલો ઉપયોગી છે. ગાંધીજી આજીવન દેશને એક કરવા, એક રાખવા, અને સુદ્રઢ બનાવવા મથ્યા હતા. એવા મહાપુરૂષના શતાબ્દી સમયે એમના એ પ્રિય જીવનકાર્યમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવામાં આવે એ આવશ્યક છે.

રાષ્ટ્રીય એકતામાં ધર્મ અને સંસ્કૃતિની સમજ ખૂબ જ મહત્વનો, મહામૂલ્યવાન ભાગ ભજવે છે. ભારતીય સંસ્કૃતિના પ્રાતઃસ્મરણીય મહાપુરુષોએ संगच्छद्वं सं वो मनांसि जानताम् । સૌ સાથે મળીને આગળ વધો, વિકાસ કરો, સૌ સાથે મળીને એક સ્વરે બોલવાની ટેવ પાડો, અને સર્વેના મન એક પ્રકારની ભાવનાથી ભરપૂર બનો, એકમેકનાં સુખદુઃખનો અનુભવ કરો, એવો આદેશ આપીને એકતાનો સંદેશ જ પૂરો પાડ્યો છે. ધર્મ અને તત્વજ્ઞાને એકલપેટા, સ્વાર્થી થવાની શિક્ષા આપવાને બદલે સૌના હિતમાં પોતાનું હિત સમજવાની, બીજાના સેવાકાર્યમાં પોતાની સમગ્ર શક્તિ અને સંપત્તિ સાથે પ્રેમપૂર્વક લાગી જવાની ને બીજાને માટે ફના થવાની પ્રેરણા પહોંચાડી છે. ઉપનિષદના શાંતિપાઠમાં એના પ્રતિધ્વનિ પડે છે. ॐ सहनाववतु सहनौभुनक्तु જેવા પ્રતિધ્વનિ ભેદમાં નહિ પરંતુ અભેદમાં, સ્વાર્થમાં નહિ પરંતુ નિઃસ્વાર્થ વૃત્તિમાં, વેરમાં નહિ પરંતુ પ્રેમમાં, વિભાજનમાં નહિ પરંતુ એકીકરણમાં પ્રવેશવાનો પ્રકાશ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ-સાહિત્યમાં એવા અનેક અસાધારણ મંત્રો છે. પરંતુ મંત્રો જ્યાં સુધી મંત્રો જ રહે, ગ્રંથો પૂરતા જ સીમિત બને, પારાયણ કે રટણનો વિષય બને, ને જીવનમાં અમલી બનીને નવજીવનનો સંચાર ના કરે ત્યાં સુધી જરૂરી લાભ ભાગ્યે જ થઈ શકે. પ્રજાની દ્રષ્ટિ આગળ એ મંગલમય મંત્રોને લાવવાની ને એને અનુપ્રાણિત કરવાની આવશ્યકતા છે. પ્રજા એમાંથી પ્રેરણાની પ્રાપ્તિ કરે તો રાષ્ટ્રીય એકતામાં અગત્યનો ફાળો મળી શકે. એ મંત્રોને વધારે ને વધારે પ્રચલિત કરવાની જરૂર છે. એ કાર્યમાં સંતો, ધર્માચાર્યો, પંડિતો ને વિદ્વાનો કીમતી સહયોગ આપી શકે. એકતા ઉપરથી નથી આવતી, કોઈના પર લાદી નથી શકાતી, ભય, પ્રલોભન કે દબાણથી નથી જળવાતી. એને માટે સમજપૂર્વકની સદ્ ભાવનાની આવશ્યકતા હોય છે. શાસ્ત્રાધ્યયન અથવા સંસ્કૃતિના મંગલમય મંત્રોનો પ્રસાર એ આવશ્યકતાની પૂર્તિ કરવાનું મહત્વનું કામ કરી શકે.

બીજું મહત્વનું કાર્ય રાજપુરૂષોએ કરવાનું છે. એમણે પોતાના જીવનને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય હિતની ભાવનાના પ્રતીકરૂપ બનાવતાં શીખવાનું છે. અધિકાર, પ્રતિષ્ઠા તથા સત્તાને માટે અંદર અંદર લડવાને બદલે એમણે નિષ્કામ સેવાના ને રાષ્ટ્રપ્રેમના પ્રતીક બનવું રહેશે. ત્યારે જ તે પ્રજાને માટે એક પ્રેરક બની શકશે. સાહિત્યકારો, વર્તમાનપત્રોના સંચાલકો, કેળવણીકારો ને કેળવણીની સંસ્થાઓની જવાબદારી પણ એ દિશામાં મોટી છે. રાષ્ટ્રીય ગૌરવ, સ્નેહ ને સેવાવૃત્તિના પાઠો શીખવીને યુવાન પેઢીમાં એ ઘણું ઉપયોગી સેવાકાર્ય કરી શકે. ધનિકોએ પણ એમાં મદદરૂપ થવા આગળ આવવાનું છે. સમાજનાં સઘળાં ક્ષેત્રોમાં એ ભાવનાના પુનિત પ્રવાહને વહેતો કરવાનો છે. એવી રીતે બધે મોરચે કાર્ય થાય તો વાતાવરણ સંવાદી બને. વિભાજનવાદી, અલગતામાં માનનારી વૃત્તિઓનું વિસર્જન થાય, એમનો સંયુક્ત વિરોધ સ્વાભાવિક બની જાય, અને દેશ પ્રગતિ તથા પ્રશાંતિના પથ પર નિરંતર પ્રયાણ કરતો રહે. ગાંધી શતાબ્દી દરમિયાન અને એ પછી એવી પ્રવૃત્તિ કરવાનો ખ્યાલ રાખીએ અને એ માટેનો સમુચિત સામુદાયિક કાર્યક્રમ બનાવીએ તો ઘણો લાભ થાય. આજે ચારે તરફ જે અંધકાર દેખાય છે એ ગાઢ અંધકારના ઓળાઓ અદ્રશ્ય થાય ને સૌની શક્તિ રચનાત્મક કાર્યમાં વપરાતી થાય. ભંજનાત્મક નહીં પરંતુ મંડનાત્મક, બાધક નહીં પરંતુ સાધક વૃત્તિઓ વધતી જાય અને વિજયી થાય. એના વિના આપણને સાંપડેલી સ્વતંત્રતા સર્વોપયોગી નહિ બને, સફળ કે સાર્થક નહિ ઠરે, ને સ્વાર્થ, સંકુચિતતા, શોષણ, કુસંપ કે ક્લેશથી મુક્ત નહિ કરે. ઈશ્વર આપણને એ માટેની સદ્ ભાવના તથા સદ્ બુદ્ધિથી સંપન્ન બનાવો અને રાષ્ટ્રનું ઉત્તરોત્તર અભ્યુત્થાન કરો એવું ઈચ્છીશું.

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.