Thursday, February 09, 2012
   
Text Size

પ્રશસ્તિ

સો સો સહસ્ત્ર શશી થાય ભેગા માધુરી એની થાય,
મધઝરતા મુખ આગળ એ માધુરી ઝાંખી થાય.

સો સો વસંતો મળે એકસાથે શોભા અનેરી કરે,
શોભાનો સિંધુ તમારો તેનું બિંદુ છતાં ન ધરે.

આગથકી અળગો થયો ક્યાંથી આગસમો અંગાર ?
બ્રહ્માંડ આખું અણુશું તમારા તેજતણો ભંગાર.

સૂર્ય તમે, કિરણો સઘળાયે સર્જનનાં આ રૂપ;
એક જ ત્રાજવે કેમ તોળાયે સેવક સાથે ભૂપ ?

લોચન લોલ ઉઘાડીને ફેંકી એક તમે દ્રષ્ટિ,
સૃષ્ટિ ભરાઈ ગઈ રસરૂપે પામી કૃપાવૃષ્ટિ.

કોટિકોટિ કુસુમો મળે ભેગાં દિવ્ય સુવાસ બને;
એય સુવાસ છે સ્વલ્પ તમારી દિવ્ય સુવાસ કને.

ચંદનને અગરૂના કોઈ ભેગા કરે ભંડાર,
તોય તમારી સુવાસની પાસે દીસે ખરે કંગાળ.

તેમ કરોડ કરે કમળો કદી એકસાથે શણગાર,
કોમળતા મળે તોય તમારી ના તેમનામાં તલભાર.

એવું તમારું સ્વરૂપ અનેરું કાળ ના તેને ખાય,
વ્યાધિ ને વાર્ધક્યથી પર, એને શેષ મહેશ ને ગાય.

વેદ વિચારી શકે નહીં એને, કેમ કરી કવિ ગાય?
લાખ ઉપાય કરે પણ શેં કરી સાગર ગાગરે માય?

ગાગરમાંય સમાયે સાગર ચાહો તમે કદિ જો,
રજમાંથી રણ થાય કૃપા જો વરસે તમારી તો.

એવાં તમે મને પ્રેમ કરો છો, હૈયું તેથી હરખાય;
અંતર ઉત્સવ ઉજવે, વ્હાલે વાણી તમોને ગાય.

પ્રેમ પરસ્પર વાધે સદાયે આપણો આ જગમાં,
હોય તમારા વિના ન કશુંયે મારી રગેરગમાં.

તનમનઅંતર આપણાં આવે વધુ ને વધુ સદા પાસ,
બદ્ધ થઈ ભલે જીવન જાયે શાશ્વત પ્રેમને પાશ.

નૂતનવર્ષ શરૂ થાય ત્યારે આજ કરું છું આશ,
'પાગલ' પ્રાણ તમારો કરી દો, પૂર્ણ કરો અભિલાષ.

આશીર્વાદ દઈ દો કે આકર્ષણ મટે નહીં,
તમારા પ્રેમની પૂજા કદીકાળ ઘટે નહીં.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 18 guests online

View site in