Wednesday, September 08, 2010
   
Text Size

કોણ કોનું છે ?

લોહાણા બોર્ડીંગ, વડેદરા.
તા. ૬ ડીસે. ૧૯૪૦

નારાયણ,

તારો પત્ર ઘણા વખતથી નથી. પણ હું કાંઈ તેનું કારણ પૂછું તેવો નથી. આજે હું તને કંઈક નવીન ને જે મારા જીવનમાં એક વળી જુદી દિશા ખોલવાની છે તે બાબત લખવા માંગું છું. તું તે પ્રેમથી સાંભળજે. એનાથી તને આશ્ચર્ય તો નહિ જ થાય કેમકે તું મને જાણે છે તથા જગતની સામાન્ય સપાટી કરતાં તું ઊંચો છે. મારા તને વંદન હો !

ગયા માસની તા. ૨૫ મીને સોમવારે મેં અરવિંદને એક પત્ર લખ્યો હતો. તેમાં મારો ટુંકો વિકાસ જણાવ્યો હતો તથા લખ્યું હતું કે મારે ત્યાં જવું છે ને તે પણ આત્મસાક્ષાત્કાર માટે જવું છે. બનતી વહેલી તકે આત્મસાક્ષાત્કાર થાય એવી મારી ઈચ્છા છે. એ પત્રનો ઉત્તર નથી તને અમુક ભાઈના કહેવા પરથી તથા કંઈક અંશે મારા માનવા પરથી પણ એમ લાગે છે કે અરવિંદ પત્ર ના પણ લખે. કેમકે એને આપણી ઓછી પડી હોય છે !  એ તો આજેય લખે, ને છ માસ કે વરસેય લખે. એટલે જો આપણને ખરી આતુરતા હોય તો તો આપણે પોતે જ ત્યાં જવું એ સારું છે. આપણી યોગ્યતા પ્રમાણે આપણે તેમની કૃપાને પાત્ર થઈશું જ.

એટલે મેં પોંડીચેરી જવાનો વિચાર કર્યો છે - કોલેજના અભ્યાસમાં મને રસ નથી. હજી કંઈ વાંચ્યું નથી. ને મારી કેળવણી છેક હાઈસ્કૂલના સમયથી જ કેવી રહી છે એ તું સારી પેઠે જાણે છે. અંગ્રેજી ભાષાનો સારો અભ્યાસ જોઈએ, તે તો આપણી મેળે પણ થઈ શકે ને સાથે સાથે આપણને જેમાં અનેરો રસ છે એ આધ્યાત્મિકતા પણ આચરાય. બે વર્ષમાં આપણાથી કેટલી બધી પ્રગતિ થાય ? જી. ટી. બોર્ડીંગમાં હોત તો પણ હજી બે વર્ષ તો ગાળવાનાં જ હતાં. વળી આ વર્ષે પાસ થાઉં તો પણ આગળ અભ્યાસ કેવી રીતે કરવો એ પ્રશ્ન ઉભો જ રહે. કેમકે આપણે ધનવાન નથી. એના કરતાં બે કે ત્રણ વર્ષ આ દિશામાં શું ખોટાં ? એટલામાં તો કેટલોય વિકાસ થઈ શકે. ત્યાં તો આપણી આજુબાજુનું વાતાવરણ જ એવું હોય કે આપણે એ દિશામાં સહેલાઈથી ને જલદી આગળ વધીએ. તને શું લાગે છે ?

હવે માતાની વાત રહી. અત્યારે તો તે સુખી છે. ને અત્યારે હું અભ્યાસ કરું તોય કાંઈ કમાઉં તેમ નથી. હમણાં બે વરસમાં પૈસાનો ભંડાર ભરી કાઢવાનો નથી. વળી ઈશ્વર આપણાં કરતાં વધારે  ડાહ્યો છે. એનો જ આ સંકેત છે એમ હું માનું છું. ખરી રીતે તો એ જ સર્વની સંભાળ લે છે. એક માતાને માટે આપણે કાં રોવું ? જગતમાં હજારો માતાઓ છે જે ભૂખે ને દુ:ખે ટળવળે છે, દુઃખાય છે; એમનાં આંસુ શું આપણને નહિ સ્પર્શે ? ને જગત શું છે ? કોણ કોનું છે ? આ માયા જ છે. આપણે એમ માનીએ છીએ કે આપણાથી અમુક વ્યક્તિ પોષાય છે પણ તે ભ્રમ જ છે કેમકે ઈશ્વરની જ એ લીલા છે. એ બધું ઈશ્વર જ કરે છે.

છતાં હું કાંઈ ત્યાગી કે સંન્યાસી બની જવાની ઈચ્છા નથી રાખતો. મને બહારના દેખાવની ચીડ છે. હું ગૃહસ્થાશ્રમને વખોડતો કે અવગણતો નથી. મને તેને માટે માન છે. પણ જીવનના બે વર્ષો, જ્યારે અવાજ આવ્યો છે ત્યારે ચૂકયા વિના ઉન્નત દિશાએ દોરી જવાં એવી મારી ઈચ્છા છે.

જે આપણી દિશા અને આપણો વિકાસ જાણતા નથી તેને આ બધું તરંગો જેવું જ લાગવાનું. અહીં પણ એવું છે. પણ મને તેની દરકાર નથી. મારી માતા મારી સાથે છે. એના વિના આપણને દોરનારું કોણ છે ? એણે જ આપણી અત્યાર સુધીની સંભાળ રાખી છે. તું આ સમજી શકશે પણ બીજાને-ખાસ કરીને ઓછા વિચારવાળાને આ વાત ના કરે એમ ઈચ્છું છું. દરેકના મગજ જુદાં હોય છે.

તને ખબર છે કે રામકૃષ્ણે વિવેકાનંદના શિર પર પહેલી જ વાર હાથ મૂકયો હતો ને તેથી વિવેકાનંદને સમાધિ થઈ હતી. એવા કોઈ સિદ્ધની જરૂર છે. યોગ્યતા પ્રમાણે આપણને પ્રકાશ મળે.

મુંબઈ આવીશ તો લગભગ આ પંદરમી વીસમી સુધીમાં આવીશ. ત્યારે વઘુ વાત કરીશ. બને તો પત્ર લખજે.

તબિયત કેવી છે ? અભ્યાસ ? પિતાજી, માતાજી, સર્વે સારાં હશે. સર્વને મારા નમસ્કાર.

 

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher) 
01.jpg
Bookmark and Share

View site in

Who's Online

Now 31 guests online