Text Size

જાતમહેનત ને સંયમ

પ્રશ્ન : જાતમહેનતથી સંયમ સધાય છે ? અહીં સંયમ એટલે બ્રહ્મચર્ય એવો અર્થ છે.

ઉત્તર : એ ખ્યાલ અધૂરો છે કે જાતમહેનતથી સંયમ સધાય છે. હા, એટલું ખરું કે જાતમહેનતથી સંયમમાં મદદ મળી શકે. મહેનત કરો એટલી વખત શરીર ને મન કામમાં રોકાયેલું રહી શકે. પણ તેટલાથી જ કાંઈ સંયમ પૂરો થતો નથી. ખૂબ મહેનત કરનાર પણ સંયમી હોતા નથી એ વાત ખેડૂતોના દ્રષ્ટાંતથી સમજી શકાય છે. આપણી સામે જ બે ખેડૂતો રહે છે. આખો દિવસ ખેતરમાં મહેનત કરે છે. તેમના જેવી જાતમહેનત બીજું કોણ કરવાનું હતું ? છતાં તમે જુઓ છો કે વરસે, દોઢ વરસે તેમને ત્યાં સંતાનનો ઉમેરો થતો જ જાય છે. આનું કારણ શું ? એટલે માનવું જ પડશે કે સંયમનો મુખ્ય આધાર શરીર નહિ પણ મન પર છે. એ મનને વિશુદ્ધ કરી પલટાવી ના શકાય ત્યાં સુધી સંયમ પાળવાનું મુશ્કેલ બને. આના સમર્થનમાં તમે શરીરથી જે જરાપણ શ્રમ કરતા નથી તેવો નિર્વિકાર સાધુસંતોના દ્રષ્ટાંત લઈ શકો. તેમના મન કેળવાયેલા છે, શુદ્ધ છે, એટલે તે સંયમી થઈ શકે છે. એટલે જાત-મહેનતની સાથે સાથે આપણે મુખ્ય ધ્યાન મનની વિશુદ્ધિ પ્રત્યે આપવું જોઈએ.

પ્રશ્ન : ઘણા સંન્યાસીઓ કહે છે કે યોગ કે મોક્ષની સાધના માટે ત્યાગ કરીને જંગલમાં જવું જોઈએ. તે વિશે આપનો શો અભિપ્રાય છે ?

ઉત્તર : મોક્ષ સાધના માટે જંગલમાં જવું જ જોઈએ એવો દુરાગ્રહ અસ્થાને છે. જેની જેવી પ્રકૃતિ તે પ્રમાણે તેને માટે ત્યાગ કે સંસારના નિયમ હોઈ શકે છે. પણ એક વાત નક્કી છે કે તમે સંસારમાં રહો તો પણ સંસાર તમારામાં રહેવો ના જોઈએ. સંસાર એટલે રાગ ને દ્ધેષ, મમતા ને આસક્તિ. કામ ને ક્રોધ. લોભ ને અભિમાન, પામરતા ને સંકુચિતતા. સાધના કરવા માટે માણસે આ ઝેરી તત્વોમાંથી મુક્ત થવાનું છે એ ચોક્કસ છે. તે વિના જંગલમાં પણ માણસ સાધના કરી સફળતાનો આનંદ મેળવી શકે નહી.

સંસારમાં રહીને તમે નિષ્કામ કર્મયોગની સાધના કરી શકો છો. સાત્વિકતાની પ્રાપ્તિ કરી ભગવદ્દભાવ કેળવી શકો છો. એ પછી આગળની જે સાધના છે તેનો માર્ગ પણ ઈશ્વર તમને બતાવશે. મૂળ વસ્તુ અંદરનો ત્યાગ છે તે થવો જોઈએ. બહારનો ત્યાગ કર્મના સંજોગો પર આધાર રાખે છે.

પ્રશ્ન : એક ઠેકાણે હું કથા સાંભળતો હતો ત્યારે સાથે સાથે હાથમાં માળા રાખી જપ પણ કરતો હતો. તે જોઈને કથા કરનાર પંડિતજી નાખુશ થયા ને કહેવા લાગ્યા કે તમારે મન એક છે કે બે. મેં કહ્યું, મન તો એક જ છે. તેમણે કહ્યું, તો પછી એક મનથી બે કામ કેવી રીતે થાય ? માળા મૂકીને કેવળ કથાશ્રવણ કરો. પણ મેં તો માળા ના મૂકી. ઊલટું પંડિતજીને કહ્યું કે હું માળા ફેરવવાની સાથે સાથે તમારી કથા પણ સાંભળી શકું છું. તમને માળાનો રસ મળ્યો નથી, તેથી જ તમે આમ ગુસ્સામાં બોલો છો. તો શું કથા શ્રવણ ને મંત્રજપ એક સાથે ના થઈ શકે ?

ઉત્તર : જરૂર થઈ શકે. સાચું છે કે મન એક છે, પણ મનની વૃત્તિઓ અનેક છે. તે વૃત્તિઓ એક જ સાથે અનેક પદાર્થોનું ચિંતન કરે છે. તે વૃત્તિને કેળવવાથી કોઈ પણ બાહ્ય કામ કરતાં ઈશ્વરસ્મરણ કે જપ અથવા આત્મનિષ્ઠા ચાલુ રહી શકે છે. તેમાં કોઈ રીતે દોષ આવતા નથી. સાધકે એ જ અવસ્થાએ પહોંચવાનું છે. સંસારનું કોઈ પણ કામ કરતાં કરતાં મનને ઈશ્વરનાં ચરણોમાં કે આત્માની નિષ્ઠામાં રાખવાની ટેવ માણસે પાડવાની છે. એવી ટેવ પાડવાથી હર સમય તૈલધારાવત્ ઈશ્વરાનુસંધાન ચાલુ રહે છે ને માણસ બાહ્ય ક્રિયાઓથી નિર્લિપ્ત રહેવાનું બળ મેળવે છે. એટલે કોઈ પણ ક્રિયા કરતાં કરતાં જપ ચાલુ રાખી શકાય છે. હા, તમારે એવો અભ્યાસ કેળવવો જોઈએ કે જપની એકાગ્રતા ને કથાશ્રવણ જેવા ઉત્તમ કર્મનો આનંદ બંનેમાં તમે મનોવૃત્તિને સંગીન રીતે જોડી શકો. નહિ તો તમે નહિ સાંભળી શકો સારી પેઠે કથા, ને નહિ થાય સુંદર રીતે મંત્રજપ. આવી એકાગ્ર મનોદશા પ્રાપ્ત ના થાય ત્યાં લગી ઈશ્વરપરાયણતા તરફ લઈ જાય તેવું એક જ કામ એકી સાથે કરવું જોઈએ. તેથી વધારે લાભ થશે.

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna

prabhu-handwriting