Text Size

આત્મા, પરમેશ્વર અને જગદગુરૂ

પ્રશ્ન : આત્મા છે તો પછી દેખાતો કેમ નથી ?

ઉત્તર : હવામાં સેંકડો જંતુ છે, પણ તે તમને દેખાય છે ? પણ જો સૂક્ષ્મદર્શક યંત્રથી જુઓ તો દેખાય એમ વૈજ્ઞાનિકોનું કહેવું છે. કેમ કે આ જંતુ ઘણા સૂક્ષ્મ છે. તેવી જ રીતે આત્મા અત્યંત સૂક્ષ્મ છે. તેને જોવા માટે વૃત્તિની સૂક્ષ્મતાની જરૂર છે. યોગી કે જ્ઞાની કહે છે કે આવી સૂક્ષ્મ વૃત્તિ સમાધિ દરમ્યાન થઈ શકે છે. જેનું હદય ખૂબ શુદ્ધ થઈ ગયું હોય તેને જ સમાધિ થઈ શકે છે ને તેવા જ પુરુષો સમાધિ દશામાં પરમાત્મ તત્વને જોઈ શકે છે.

શંકરાચાર્ય વિવેક ચુડામણી નામના ગ્રંથમાં આ જ વાત કહે છે. ને ગીતા પણ કહે છે કે મૂઢ માણસો આ આત્માને જોઈ શકતા નથી. પણ જેમના જ્ઞાનચક્ષુ ઊઘડી ગયાં હોય તે જ માણસો પ્રયત્ન કરતાં કરતાં શરીરની અંદર રહેલા આત્માને જોઈ શકે છે.

उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१५-१०॥
यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥१५-११॥

ગીતાના શ્લોકો ઉપરના જ ભાવાર્થને કહી રહ્યા છે.

પ્રશ્ન : માનવ, દેવ ને પરમેશ્વર પણ શું છે તે કહેવા કૃપા કરશો ?

ઉત્તર : આ વસ્તુ વિશે એક જુદી જ દ્રષ્ટિથી આપણે વિચારીએ છીએ. આ દુનિયામાં જેટલાં માણસો છે તેમાંથી માણસ કહી શકાય તેટલાં બહુ જ ઓછાં છે. એટલે કે માણસાઈના ગુણ તેમનામાં ભાગ્યે જ દેખાય છે. જેનામાં માણસાઈ નથી, તેને બહારના રૂપરંગથી કાંઈ માણસ કહી શકાય નહીં. જ્યારે માણસમાં પશુના કરતાં કાંઈ વિશેષતા નથી રહેતી, ત્યારે તેને માનવપશુ કહેવો જોઈએ. તમે વિચાર કરશો તો જણાશે કે ખાવું, પીવું, ઊંઘવું, ભય તેમજ મૈથુન એટલે ભોગની લાગણીઓથી પરવશ બનવું—આ બધું માનવ તેમજ પશુઓમાં સરખું છે. માણસમાં જ્યારે આના કરતાં કોઈ વિશેષ વિકાસ જોવા મળે ત્યારે જ તે પશુ કરતાં આગળ વધ્યો ગણાય. આજે વધારે ભાગના માણસોમાં આ જ પ્રવૃત્તિઓનું પ્રાધાન્ય છે, એટલે ગમે તે રીતે આજીવિકા મેળવી, સ્ત્રી ને ભોગ્ય પદાર્થોની લિપ્સામાં રત રહેવું, એ માણસમાં દેખાય છે. ઉપરાંત માણસને ભય પણ ઘણો છે, પછી તે ભય ગમે તે પ્રકારનો હોય.

આ દશા છેક નીચી દશા છે. આથી આગળ વધીને માણસે માનવતા જગાડી માનવ બનવાનું છે. માનવતાનાં લક્ષણો કયા છે ? સત્ય, દયા, સેવા, ક્ષમા, ન્યાય, પવિત્રતા, પ્રેમ, દાન, જ્ઞાન - આ બધાં માનવતાનાં લક્ષણો છે. આ સદ્દગુણોને જીવનમાં ઊતારવાથી જ માણસ સાચા અર્થમાં માનવ બની શકે છે. તેનાથી ઊલટું, અવગુણોવાળો માણસ માણસાઈથી રહિત હોઈ રાક્ષસ કે પશુતુલ્ય જ છે.

આ ઉપરાંત માનવને બુધ્ધિ મળી છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સારાસારનો વિચાર કરીને માણસે સત્ય ને અસત્ય, ભલું ને બૂરું તેમજ ધર્મ ને અધર્મનો ભેદ શોધવાનો છે. સંસારના બધા જ પદાર્થ વિનાશી છે તો પછી અવિનાશી શું છે ? વિવેક દ્વારા માણસે વિચારવાનું છે કે શરીરની અંદર રહેલું ચેતનતત્વ, શરીર પડ્યા છતાં કાયમ રહે છે, ને હું કહીને સંબોધાતી વસ્તુ તે ચેતન જ છે, નહિ કે કેવળ સ્થૂળ શરીર. આ ચેતનતત્વ કે આત્માને મેળવવા માનવનું દિલ તલસે છે. જ્ઞાની તેને શરીરની અંદર જોઈ શકે છે, ને પ્રેમી કે ભક્ત શરીરની બહાર તે ઈશ્વરી તત્વનો પરમેશ્વરરૂપે સાક્ષાત્કાર કરે છે. આટલું થાય એટલે માણસ દેવ બની જાય છે એટલે કે આ જ શરીરમાં રહીને દેવતુલ્ય મહાન ને વંદનીય બની જાય છે.

આવો પુરુષ ઈશ્વરતુલ્ય બની જાય છે. એટલે કે ઈશ્વરની જેમ તે પણ સર્વસમર્થ, સર્વજ્ઞ ને સર્વવ્યાપક બની જાય છે. પોતાના આત્માને તે જગતમાં સર્વત્ર જુએ છે. માનવમાંથી આ રીતે પરમેશ્વર બની માણસ સંપૂર્ણ રીતે મુક્ત ને પૂર્ણ બને છે.

માનવજીવનમાં આટલી બધી શક્યતા રહેલી છે. માટે શરૂઆતમાં સાચા માનવ બની આત્મોન્નતિને પંથે માણસે વળવું જોઈએ. કેવળ પશુ કે રાક્ષસ થઈને જીવવું ના જોઈએ.

પ્રશ્ન : ‘જગદ્દગુરુ’ વિશે કાંઈક કહેશો ?

ઉત્તર : અત્યારે તો ગમે તેવા સાધુસંન્યાસી પોતાની ડીગ્રી તરીકે પોતાના નામની આગળ જગદ્દગુરુ શબ્દ મૂકી દે છે, ને પોતાને જગદ્દગુરુ તરીકે ઓળખાવે છે. આ એક અનિષ્ટ જ છે, ને સાધુ સંતોને જરાય શોભા આપનારું નથી. શ્રી આદ્ય શંકરાચાર્યને જગદ્દગુરુ કહેવામાં આવે છે પણ તેમાં કારણ રહેલું છે. તેમના અમૂલ્ય તત્વજ્ઞાનના સિદ્ધાંતો પૂર્વ ને પશ્ચિમની જનતાના દિલમાં ઘર કરી ગયા છે. આ રીતે વિચાર કે  જ્ઞાનની દુનિયામાં તે ગુરુપદે વિરાજેલા છે. એવી રીતે બુધ્ધ, ઈશુ, કૃષ્ણ, રામ ને મહમ્મદ કે જરથુસ્ત અને પ્લેટો કે સોક્રેટિસ જેવાના જીવનોપદેશ દુનિયાના લોકોને ભેદભાવની દીવાલોને તોડી નાખીને પ્રેરણા આપે છે. તેથી તેમને પણ જગદ્દગુરુ કહી શકાય.

જગદ્દગુરુ શબ્દ આપણે ત્યાં આઘ્યાત્મિક અર્થમાં જ વપરાયો છે એ ધ્યાનમાં રાખવાનું છે. માટે આધ્યાત્મિક વિભૂતિઓને માટે જ તેનો ઉપયોગ થઈ શકે છે. આ વિભૂતિઓએ પોતાને માટે જગદ્દગુરુપદનો દાવો કર્યો નથી, પણ લોકોએ તેમની યોગ્યતા જોઈને તેમને જગદ્દગુરુ કહ્યા છે. રામકૃષ્ણદેવ, વિવેકાનંદ ને રામતીર્થ, ગાંધીજી જેવા મહાન સંત-ઉપદેશકો સંબંધી પણ આવું છે. જયારે અત્યારે તો કેટલાક સંતસાધુઓ પોતાની મેળે જ પોતાને જગદ્દગુરુ કહેવડાવે છે. જગદ્દગુરુ તરીકે જગતને શું સમગ્ર દેશને પણ તે કાંઈ પ્રેરણા કે સંદેશ દઈ શકતા નથી. આ એક મોહ જ છે. કોઈ પોતાને મહાત્મા કે જગદ્દગુરુ માને તેથી તે તેવો થઈ શકતો નથી. તેની અનિચ્છા હોવા છતાં બીજા જ તેના ગુણ જોઈ તેને મહાનતા આપવાની ચેષ્ટા કરે છે. સાચા મહાત્માએ ડીગ્રીનો મોહ છોડીને યોગ્યતા સંપાદન કરવાના મોહમાં પડવાની જરૂર છે. તેથી જગદ્દગુરુ તો શું ત્રિભુવનગુરુ થવાનું બળ આવશે. આ માટે સૌથી પહેલાં પોતાના શરીર ને મન રૂપી જગતના ગુરુ થવાની જરૂર છે.

Today's Quote

Faith is the bird that feels the light and sings when the dawn is still dark.
- Rabindranath Tagor

prabhu-handwriting