Text Size

આત્મનિવેદન ભક્તિ

પ્રશ્ન: આધ્યાત્મિક પ્રગતિ માટે અથવા તો આત્માના ઉધ્ધાર માટે, શાસ્ત્રોમાં મનને મારીને મેંદા જેવું બનાવવાનું જણાવ્યું છે. વાલ્મિકી રામાયણમાં પણ એક જગ્યાએ છે કે વિનય વિવેકરૂપી મંત્ર વડે મનરૂપી રાક્ષસનો નાશ થયો. હવે પ્રશ્ન એ થાય છે કે જેવી રીતે રોજના વ્યવહાર માટે હાથ, પગ, મુખ વિગેરે ઈન્દ્રિયોની જરૂર છે, તેમ વિચાર, બુદ્ધિ, ચિંતન માટે મનરૂપી ઈન્દ્રિયોની શું જરૂર નથી ? આ સ્થૂળ શરીરના નાશ પછી કદાચ મનની જરૂર ના હોય, પણ જ્યાં સુધી સ્થૂળ શરીરનો વ્યવહાર ચલાવવાનો છે ત્યાં સુધી તો મનરૂપી ઈન્દ્રિયોની જરૂર ખરીને ? જો મનને મારી નાંખવામાં આવે તો ઈન્દ્રિય વતીનું કામ કોણ કરશે ? અને મનનું અસ્તિત્વ મટી જાય તો પછી એ ઈન્દ્રિયની ખોટ કોણ પૂરી કરશે ?

ઉત્તર: તમે પ્રશ્ન સારો પૂછ્યો છે અને એના સમર્થનને માટે વાલ્મિકી રામાયણનો ઉલ્લેખ પણ કરી બતાવ્યો છે. પરંતુ તમને ખબર છે કે શાસ્ત્રોનાં કેટલાક વચનોના શબ્દાર્થ લઈને બેસી રહેવાને બદલે, તેમના ભાવાર્થ લેવાના હોય છે ? શાસ્ત્રોએ જે કહ્યું છે તેને શબ્દશ: સ્વીકારી લેવાને બદલે, રહસ્ય કે હાર્દને હસ્તગત કરવાનું હોય છે. એ હાર્દને ભૂલીને તમે કહો છો તેવા ઉપરચોટિયા અર્થને પકડી લેવામાં આવે ત્યારે શાસ્ત્રવચનનો ગર્ભિતસાર એક બાજુ રહી જાય છે. ને જુદી જ મુશ્કેલી પેદા થાય છે.

પ્રશ્ન: એટલે તમે એમ કહો છો કે મારી સમજવાની પદ્ધતિ ખોટી છે ? અને વાલ્મિકી રામાયણ જેવાં શાસ્ત્રો મનને મારી નાખવાનું નથી કહેતાં ?

ઉત્તર: હા, તમારી સમજવાની પદ્ધતિમાં થોડી ખામી છે. વાલ્મિકી રામાયણ જેવાં શાસ્ત્રો મનને મારી નાખવાનો નહિ પરંતુ મનને સત્સંગમાં રાખવાનો જ ઉપદેશ આપે છે. એવું શુદ્ધ થયેલું મન શાંત થશે, તથા સ્વરૂપના અનુભવનો આનંદ પ્રાપ્ત કરશે. એની અંદરથી, અજ્ઞાન દૂર થશે. રાગદ્વેષ, મમતા, અહંતા, અને આસક્તિના અંકુરોનો પણ અંત આવશે. બંધન, ભેદભાવ, તથા ભય મટી જશે અને સર્વ પ્રકારની ચંચળતા તથા અશાંતિ પણ અસ્ત થશે. એનું આખુ સ્વરૂપ જ ફરી જશે. એના પ્રત્યેક પરમાણુમાં ક્રાંતિકારક પરિવર્તન થશે અને એનું બંધારણ જ બદલાઈ જશે. ટૂંકમાં કહીએ તો આજનું મલિન મન મટી જશે, અને એને ઠેકાણે મંગળમય કે પવિત્રતમ મનનો ઉદય થશે. શાસ્ત્રોમાં એ જ હકીકતનો નિર્દેશ કરતાં મનને મારી નાખવાનું કહ્યું છે. એનો અર્થ મનનું ખૂન કરી નાંખવું જોઈએ એવો નથી થતો, પરંતુ મનનું શુદ્ધિકરણ કરવું જોઈએ એવો થાય છે.

પ્રશ્ન: ત્યારે તો આધ્યાત્મિક પ્રગતિ પછી પણ મન રહેશે ખરું ?

ઉત્તર: જરૂર રહેશે. એ વિશે તમે એકદમ નિઃશંક રહો ને જરા પણ શંકા ન કરો. જ્યાં સુધી શરીર રહેશે ત્યાં સુધી મન પણ રહેશે, ને પોતાનું કામ કરશે. એના સર્વનાશની કોઈ જ શક્યતા નથી. આવશ્યકતા પણ નથી. માટે એવો વિચાર કરીને ચિંતિત કે ભયભીત ના બનો.

પ્રશ્ન: આત્મનિવેદન ભક્તિ કોને કહે છે ?

ઉત્તર: આત્મનિવેદન ભક્તિ નવધા ભક્તિમાં છેલ્લી છે. નવધા ભક્તિના મધુમય મંદિરનો એ ધુમ્મટ છે એમ કહીએ તો ચાલે. એને પ્રેમલક્ષણા ભક્તિ પણ કહેવામાં આવે છે. રાગાત્મિકા ભક્તિ પણ એ જ છે. બીજી બધી ભક્તિનું એ હૃદય છે. જ્યારે ભક્તિમાર્ગમાં જુદા જુદાં સાધનોનો આધાર લેવાને પરિણામે, મન સંસારના સમસ્ત વિષયો અને રસોમાંથી ઉપરામ બની જાય છે. કોઈપણ બાહ્ય વિષયની મમતા અથવા તો આસક્તિ તથા રસવૃત્તિ નથી રહેતી, ત્યારે પરમાત્માનો સાચો પ્રેમ પ્રગટ થાય છે. સાગરમાં જેવી રીતે અગણિત તરંગો ઉછાળા મારે છે, તેવી રીતે ભક્તના હૃદયમાં અને રોમેરોમમાં, પરમાત્માને માટેનો પવિત્ર ને પાર વિનાનો પ્રેમ રાતદિવસ ઉછાળા મારે છે. પછી પરમાત્માની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ રસ એના જીવનમાં નથી રહેતો. પરમાત્મા એના જીવનમાં એકમાત્ર આરાધ્ય દેવતા બની રહે છે, એ પરમાત્માના દર્શનને માટે એ બનતી બધી જ કોશિશ કરે છે અને પરમાત્માના દર્શન સિવાય એને શાંતિ પણ નથી મળતી. જેવી રીતે લોભી ધનને તલસે, કામી પોતાના પ્રેમપાત્રની ને તેની દ્વારા કામની સંતૃપ્તિની ઈચ્છા કરે, ક્ષુધાતુર માણસ અનાજની ને તૃષાતુર હોય તે જેટલી ઉત્કટતાથી જળની ઝંખના કરે, તેથી પણ વધારે ઝંખના, આતુરતા, ઈચ્છા તલસાટ, કે લગનથી પરમાત્માના સાક્ષાત્કારને માટે અધીરો બને છે. એનું નામ આત્મનિવેદન ભક્તિ છે. ભક્તિનો એ અર્ક છે એમ કહીએ તો ચાલે.

પ્રશ્ન: આત્મનિવેદન ભક્તિનો જેનામાં ઉદય થાય છે તેવા ભક્તનાં લક્ષણો કેવાં હોય છે ?

ઉત્તર: એ પ્રશ્નનો ઉત્તર અત્યાર સુધીની ચર્ચામાં આવી જાય છે. છતાં પણ, એના અનુસંધાનમાં, એના પૂરક ઉત્તરરૂપે, કહી શકાય કે જેના જીવનમાં એવી ભક્તિનો ઉદય થાય છે તેની અવસ્થા અલૌકિક બની જાય છે. પરમાત્માના દર્શન માટે તે રડે છે. નિરંતર પ્રાર્થના કરે છે, અને પરમાત્માના ગુણાનુવાદ ગાઈને આનંદ મેળવે છે. તેનું સમસ્ત જીવન પરમાત્મામય બની જાય છે. ભક્તનાં એ લક્ષણો મોટે ભાગે આંતરિક છે. અને બહાર જે દેખાય છે તે તો તેના પડઘા જ હોય છે. એ લક્ષણો એના પ્રાણમાં પ્રકટ થયેલા તેમજ નિત્ય નિરંતર વધતા જતા પરમ પ્રેમને કેન્દ્રમાં રાખીને આપોઆપ, અથવા તો સ્વાભાવિક રીતે જ વધતાં જતાં હોય છે.

પ્રશ્ન: આત્મનિવેદન ભક્તિમાં સમર્પણ ભાવ આવે છે ખરો ?

ઉત્તર: સમર્પણ ભાવ તો એકલી આત્મનિવેદન ભક્તિમાં જ શા માટે, બધા પ્રકારની ભક્તિમાં રહેલો હોય છે. પરંતુ આત્મનિવેદન ભક્તિમાં તેની માત્રા વધી જાય છે. ને તે પરાકાષ્ડાએ પહોંચે છે એટલું જ. આત્મનિવેદન ભક્તિમાં ભક્ત પરમાત્માના ચરણોમાં પોતાનું સર્વસમર્પણ કરતો હોય છે. તે પરમાત્માની આશા રાખીને, એકમાત્ર પરમાત્માને આધારે જ જીવી રહે છે. પરમાત્મા જે કરે છે, તથા કરશે તે સારું જ કરે છે ને કરશે તેવી તેને શ્રદ્ધા હોય છે. એ શ્રદ્ધા કોઈને કારણે કે કોઈયે સંજોગોમાં ચલાયમાન નથી થતી. ભક્ત પોતાના તન, મન, ને અંતરના બધા દ્વારો પરમાત્મા પ્રતિ ખુલ્લા રાખીને પરમાત્માની પ્રતિક્ષા કરતો જીવી રહે છે. જે વખત વીતે છે તેને યુગ જેવો અનુભવે છે ને પરમાત્માની વિરહવેદનાથી વ્યથિત બને છે, એવા ભક્તથી પરમાત્મા વધારે વાર દૂર નથી રહી શકતા. તે તેની પાસે દોડી આવે છે, તેને મળે છે, ને ધન્ય કે કૃતાર્થ કરે છે.

Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi

prabhu-handwriting