Text Size

જપની પદ્ધતિ

પ્રશ્ન: જપ સાથે ધ્યાન થાય ખરું ?

ઉત્તર: જરૂર થાય. જપ બે રીતે કરી શકાય છે. એક તો કેવળ મંત્રનું રટણ કરતાં કરતાં ને બીજું મંત્રના રટણ સાથે, આંખ મીંચીને, કોઈ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં.

પ્રશ્ન: એવી રીતે કરવાથી કોઈ વિશેષ લાભ ખરો ?

ઉત્તર: લાભ કેમ નહીં. એકલા જપ કરવાથી મનને સ્થિર કે શાંત કરવાનું કામ મુશ્કેલ થઈ પડે છે. પરંતુ જપ જો ધ્યાનથી કરવામાં આવે, તો મન જલદી એકાગ્ર કે શાંત થાય છે. કેમ કે મનનો એક ભાગ જપ કરવામાં ને બીજો ભાગ કોઈ સ્વરૂપના ધ્યાનમાં લાગેલો રહે છે. એટલે બહારના વિષયોમાં મનને ભટકવાનો વખત બહુ ઓછો રહે છે. એ પધ્ધતિથી મન વધારે સહેલાઈથી સ્થિર થઈ શકે છે.

પ્રશ્ન: જપ કરતી વખતે કયી વસ્તુનું ધ્યાન કરવું જોઈએ ?

ઉત્તર: એને માટે કોઈ એક નિયમ નથી. દરેકે પોતાની રુચિ કે રસવૃત્તિ પ્રમાણે પસંદગી કરવાનું કોઈ કારણથી શક્ય ના હોય, તો કોઈ અનુભવી પુરુષની સલાહ લેવી જોઈએ. ઈશ્વરના કોઈપણ સ્વરૂપનું ધ્યાન કરી શકાય છે. કોઈ દેવી, દેવતા, કે અવતારી પુરુષ અથવા સંતનું ધ્યાન કરી શકાય છે. જ્યોતિ કે કમળનું ધ્યાન કરી શકાય છે અને એવી કોઈ પણ વસ્તુનું ધ્યાન ના કરવું હોય તો જપ કરતી વખતે મનની વૃત્તિને હૃદય કે બે ભ્રમરની મધ્યમાં જોડી શકાય છે. એ પણ ધ્યાનનો જ એક પ્રકાર છે. પરંતુ જે પણ પધ્ધતિને પસંદ કરવામાં આવે, તેને વફાદાર રહીને છેવટ સુધી વળગી રહેવું જોઈએ. જપ ને ધ્યાનની પધ્ધતિને વારંવાર બદલ્યા કરવાથી, ધારેલો લાભ થવામાં વિલંબ થાય છે.

પ્રશ્ન: જપ કરતાં કરતાં ઊંઘ આવે છે. તો તેને માટે શું કરવું ?

ઉત્તર: જપ કરતાં પહેલાં પૂરતી ઊંઘ લઈને પછી જ જો જપ કરવામાં આવશે તો જપ કરતી વખતે ઊંઘ નહિ આવે. ઊંઘ આવવાની ફરિયાદ આપોઆપ દૂર થઈ જશે. જો ઊંઘ આવે તો આસનનો ત્યાગ કરીને ઊભા થઈ ને થોડીવાર આંટા મારતાં કે ફરતાં ફરતાં જપ કરો. એમ કરવાથી સુસ્તી ઊડી જશે અને ઊંઘનો પ્રશ્ન નહિ સતાવે. સુસ્તી દૂર થઈ જાય પછી જ આસન પર બેસીને ફરીવાર જપ કરી શકો છો.

પ્રશ્ન: જપ એકલા કરવા કે જપની સાથે કોઈક રૂપનું ધ્યાન પણ કરવું જોઈએ ?

ઉત્તર: નામજપની સાથે કોઈક રૂપનું ધ્યાન કરવું જોઈએ, એવો કોઈ ચોક્કસ નિયમ નથી. રૂપનું ધ્યાન કરી શકાય પણ ખરૂં અને ન કરીએ તો પણ ચાલે. એ બાબતમાં તમને શું પસંદ છે અથવા તો તમારું મન શેમાં લાગે છે તે તમારે નક્કી કરવાનું છે. જો જપનો અભ્યાસ કરતી વખતે તમારું મન સહેલાઈથી વશ કે એકાગ્ર થઈ જતું હોય તો મનની સ્થિરતા માટે એકલા જપનું અનુષ્ડાન જ તમારે માટે પૂરતું થઈ પડશે. પરંતુ જપ કરતાં કરતાં જો એકાગ્રતાની સિદ્ધિ ન થઈ શકતી હોય તો જપ કરતી વખતે તમારી રુચિ પ્રમાણેના રૂપની પસંદગી કરીને તેમાં મનને સ્થિર કરવાનો પ્રયાસ કરો. જો તમને ઈશ્વરના સાકાર સ્વરૂપના સાક્ષાત્કારની ઈચ્છા હોય તો રૂપની પસંદગી તમારા માટે અત્યંત ઉપયોગી થઈ પડશે. તમારા ભાવો કે વિચારોને પ્રાર્થનાની મદદથી એ રૂપ પ્રત્યે વહેતા કરી શકશો, તમારા ભક્તિભાવને એમાં સ્થિર કરી શકશો, અને એવી રીતે એ રૂપના માધ્યમથી ઈશ્વરની પાસે પહોંચી ઈશ્વરના સર્વવ્યાપક વિરાટ સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકશો. નામજપનો આધાર જો કેવળ મનની સ્થિરતાને માટે, શાંતિને માટે, તથા ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપના સાક્ષાત્કાર માટે લેતા હો તો રૂપનું ધ્યાન કરવાની આવશ્યકતા નથી રહેતી. એવે વખતે શરીરના કોઈક કેન્દ્રમાં કે મંત્રમાં ધ્યાન કરી શકાય છે. એટલે તમને શું ફાવે છે કે પસંદ પડે છે એના પર બધો જ આધાર છે.

પ્રશ્ન: કેટલા નામજપ કરવાથી ઈશ્વરદર્શન થઈ શકે ?

ઉત્તર: ઈશ્વરદર્શનને માટે નામજપની કોઈ ચોક્કસ સંખ્યા નથી કહી શકાતી. બધો જ આધાર તમારા હૃદયની શુદ્ધિ પર, મનની એકાગ્રતા પર, વાસનાઓની નિવૃત્તિ પર, ઈશ્વરને માટેના પ્રબળ, પરમ પ્રબળ પ્રેમના પ્રકટવા પર, તેમ જ ઈશ્વરના દર્શનને માટેની વ્યાકુળતા પર રહે છે. નામજપ સાધન છે. એક સચોટ સાધન છે. અને એના અનુષ્ડાનથી એવી સિદ્ધિ કરવાની છે. ઈશ્વરદર્શનનો આનંદ ત્યારે જ મળી શકે છે. એ આનંદ ન મળે ત્યાં સુધી નામજપ કરતાં રહેવું એ જ ઉચિત છે.

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting