Text Size

અનુષ્ઠાન વિશે

પ્રશ્ન : જપ કરવા માટેનો મંત્ર કોઈ ગુરુની પાસેથી લેવો જોઈએ એમ કહેવામાં આવે છે તે બરાબર છે ? મંત્ર ગુરુની પાસેથી ના લઈએ ને પોતાની મેળે જ પસંદ કરીને જપીએ તો ના ચાલે ? એવો મંત્ર ફળે કે ના ફળે ?

ઉત્તર : ગુરુની પાસેથી મંત્ર મેળવીને તેના જપ કરવામાં આવે તો હરકત નથી. એવી રીતે લીધેલા મંત્રની અંદર એક પ્રકારનો ઊંડો વિશ્વાસ પેદા થાય છે. એથી એને રટવા કે જપવામાં ઉત્સાહ આવે છે અને એ બધી રીતે પ્રેરક થઈ પડે છે. વળી ગુરુ મંત્ર લેનારની રુચિ પ્રમાણે મંત્રની દીક્ષા આપતા હોવાથી, જે લોકો પોતાની મેળે કોઈ મંત્રની પસંદગી નથી કરી શકતા તેમની મુશ્કેલી દૂર થાય છે. પરંતુ ગુરુની પાસેથી મંત્ર મળેલો ન હોય, અથવા લીધો ન હોય, એવા સંજોગોમાં પણ મંત્રના જપ થઈ શકે છે. એવા જપ કંઈ નુકશાનકારક નથી નીવડતા, પરંતુ ફળે છે. કોઈ મનુષ્યે ગુરુ પાસેથી મંત્ર ના લીધો હોય તો પણ પરમાત્મારૂપી પરમ ગુરુ તો સૌનાં અંતરમાં વસી જ રહ્યા છે. તેમની અંદર શ્રદ્ધા રાખીને તથા તેમની અંતઃપ્રેરણા પ્રમાણે આગળ વધીને આત્મવિકાસ કરી શકાય છે, તથા ધારેલું ફળ પણ મેળવી શકાય છે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ ના રાખતા.

પ્રશ્ન : ગાયત્રી મંત્રનો જપ એકલા બ્રાહ્મણો જ કરી શકે કે બીજા કોઈ પણ કરી શકે છે ? મને ગાયત્રી મંત્ર પ્રત્યે પ્રીતિ તથા આદરભાવ છે, એ મંત્રમાં શ્રદ્ધા પણ છે. પરંતુ કેટલાક મોટા માણસો પાસેથી એવું સાંભળવામાં આવે છે કે બ્રાહ્મણો સિવાય બીજા કોઈથી એ મંત્રનો જપ ના થઈ શકે. તો એ વિશે આપનો અભિપ્રાય શો છે ?

ઉત્તર : કેટલાક માણસો તરફથી તમે કહો છો તેવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે છે તે સાચું છે. પરંતુ એ અભિપ્રાય વાસ્તવિક નથી. એને પ્રમાણભૂત ના માની શકાય. ગાયત્રી મંત્ર એક પવિત્ર તથા ઉત્તમ વૈદિક મંત્ર છે, અને એનો લાભ સૌ કોઈ લઈ શકે છે, એનો જપ કરવાનો અધિકાર સૌને છે. એ માટે જાતિ કે વર્ણના ભેદભાવ ના પાડી શકાય. તમે તેના જપ કોઈ પણ પ્રકારની શંકા વિના, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક કરી શકો છો. ઈશ્વરના નામસ્મરણની સ્વતંત્રતાનો ઉપયોગ કરવાની સૌને છૂટ હોવી જોઈએ.પ્રશ્ન: ભગવાનના કોઈપણ નામના જપ બે રીતે થઈ શકે છે. એક રીત તો હાલતાં ચાલતાં કે ગમે તે કામ કરતાં જપ કરવાની છે. અને બીજી રીત શાસ્ત્રોમાં કહેલી વિધિ પ્રમાણે, આસન પર બેસીને જપ કરવાની છે. એને કોઈ મંત્રના અનુષ્ઠાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે પોતાની મનોકામના પૂર્ણ કરવાની ઈચ્છા રાખનારા સકામ ભક્તે એ બન્નેમાંથી કયી રીતનો આધાર લેવો ?

ઉત્તર: સકામ ભક્તે શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેની પદ્ધતિ દ્વારા વિધિપૂર્વક જે રીતે થતું હોય તે જાતનું અનુષ્ઠાન કરવું તે જ બરાબર છે. કેમ કે શાસ્ત્રોમાં વર્ણવેલી અલગ-અલગ મંત્રના અનુષ્ઠાનની જે પદ્ધતિઓ છે, તે મુખ્યત્વે સકામ ભક્તની જુદી જુદી કામનાની પૂર્તિ માટે જ નક્કી કરવામાં આવી છે. હાલતાં ચાલતાં કે ગમે ત્યારે અને ગમે તે દશામાં જે જપ કરવાના છે, તેમનો ઉદ્દેશ મોટે ભાગે કોઈ લૌકિક કે પારલૌકિક કામનાની પૂર્તિનો નહિ, પરંતુ મનની પવિત્રતાને વધારવાનો, એકાગ્રતાનો તથા ઈશ્વરપ્રેમ કેળવવાનો, શાંતિની પ્રાપ્તિ કરવાનો ને છેવટે ઈશ્વરના દર્શનનો લાભ મેળવવાનો છે. સકામ ભક્ત એવા જપનો આધાર લઈ શકે ખરો. પરંતુ એમની દ્વારા એની કામના પૂરી થશે જ એ ચોક્કસ ગેરંટી ના આપી શકાય. જ્યારે વિધિપૂર્વક કરાયેલું મંત્રાનુષ્ઠાન તો અચુક ફળે જ છે, ને ધારેલુ કામ સિદ્ધ કરે છે. હાલતાં ચાલતાં પ્રેમપૂર્વક જપ કરવાની પદ્ધતિ વધારે ભાગે એકમાત્ર ઈશ્વરની કૃપાની કામનાવાળા નિષ્કામ ભક્તને માટે છે. નિષ્કામનો અર્થ ઈશ્વર સિવાયની બીજી કામનાથી રહિત એવો કરવાનો છે.

પ્રશ્ન: એનો અર્થ એ કે કોઈ પણ કામનાની પૂર્તિ માટે શાસ્ત્રોમાં વર્ણવેલી વિધિ પ્રમાણેના અનુષ્ઠાનનો આધાર લેવો, અને ઈશ્વરદર્શનને માટે નિરંતર કરાતા જપનો ?

ઉત્તર: હા, કોઈપણ પ્રકારની બીજી કામના નહિ રહે અને કેવળ ઈશ્વરદર્શનની ઈચ્છા રહેશે, એટલે વિવિધ વિધાનની ચિંતા વિના હૃદય ઈશ્વરને માટે જ રડવા ને પ્રાર્થવા માંડશે. લાંબા વખતના વિધિપૂર્વકના અનુષ્ઠાનો પછી, હૃદય નિર્મળ બનતાં ને પૂર્ણ વૈરાગ્યનો ઉદય થતાં, એવી દશા આપોઆપ આવશે. આ બન્ને દશા વિકાસક્રમની બે ભૂમિકા જેવી છે. આમાંથી કયી શ્રેષ્ઠ ને કયી કનિષ્ઠ, એની ચર્ચામાં નહિ પડીએ. જેને તેમાં શ્રદ્ધા ને પ્રેમ હોય, તે તેનો આધાર લઈ શકે છે.

પ્રશ્ન: મંત્રનું અનુષ્ઠાન કરતાં કરતાં સ્વાસ્થ્ય બગડે, કે કોઈ બીજો અંતરાય આવે, અને નિયમિત રીતે થતા મંત્રજાપમાં ભંગ થાય, તો અગાઉ કરેલી જપ સંખ્યા નિષ્ફળ જાય ? એથી અનુષ્ઠાનનો ભંગ થાય ? અને પાછા નવેસરથી જપ જરૂર કરવા પડે ?

ઉત્તર: તમે જે કર્મ કરો છો, તેનો નાશ નથી થતો અને વહેલું કે મોડું પણ તે અચુક ફળે જ છે, એ શાસ્ત્રવચનમાં જો વિશ્વાસ હોય, તો કરેલી જપ સંખ્યા નિષ્ફળ જાય છે એવી શંકા કરવાની જરૂર નહિ રહે. કરેલું ફળે જ એ નિયમ પ્રમાણે જે કાંઈ થયું છે તે તો ઈશ્વરના દરબારમાં નોંધાઈ જ ચૂક્યું છે, ને યોગ્ય વખતે ફળ આપશે જ. એટલે સ્વાસ્થ્ય બગડે, કે બીજા અંતરાયો આવે તો પણ અગાઉ કરેલી જપસંખ્યા નિષ્ફળ નથી જતી. એથી અનુષ્ઠાનનો કામચલાઉ ભંગ થતો હોય તો પણ કાયમી ભંગ નથી થતો. સમય સાનુકૂળ થાય ત્યારથી અધૂરું રહેલું અનુષ્ઠાન એ જ વિધિથી આગળ વધારી શકાય છે. એમાં મારી દષ્ટિએ કોઈ પ્રકારનો બાધ નથી આવતો.

પ્રશ્ન : જપનું ફળ શું ?

ઉત્તર : જપ કરવાથી મનની ચંચળતા મટે છે, અને મન સ્થિર થાય છે. શરૂઆતમાં સ્થિરતા આવતાં વાર લાગશે, પરંતુ જપનો અભ્યાસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ મન એકાગ્ર થતું જશે; અને પછી તો જપ કરતી વખતે એવી ઊંચી ભૂમિકાની પ્રાપ્તિ થશે કે જપ સિવાયનું બીજું બધું જ ભૂલી જશો. જપનું સ્મરણ કે ધ્યાન પણ પછીથી નહિ રહે. તમે એટલા બધા આત્મલીન બની જશો કે શરીરનું ભાન પણ ભૂલી જશો. એ દશામાં તમને અપાર આનંદ આવશે ને અનંત શાંતિ મળશે. ઉપરાંત, જો તમે ભક્ત હૃદયના હશો તો જપ કરતી વખતે તમારી આંખમાંથી આંસુ ચાલશે, કંઠ ગદ્દગદ્દ બનશે. ને હૃદય ભાવવિભોર બનીને પરમાત્માના દર્શનને માટે તલસવા માંડશે. તમારા પ્રાણમાંથી પ્રકટ થયેલા પરમાત્માનો પ્રેમાર્ણવ તમારા રોમેરોમને રસથી રંગી દેશે. એવી સ્થિતિ જ્યારે સ્વાભાવિક અથવા તો રોજની બની જાય ત્યારે તમે જપની સાધનામાં આગળ વધ્યા એવું કહી શકાય.

પ્રશ્ન : એવી ભૂમિકા માટે કેટલા જપ કરવા જોઈએ ?

ઉત્તર : એને માટે કોઈ સંખ્યાનો નિયમ નહીં કરી શકાય તેમજ એની સિદ્ધિ માટે તો હૃદયની સરળતા, નિષ્કપટતા કે નિર્મળતા જોઈએ. છતાં પણ લાંબા વખત લગી નિયમિત જપ કરવાથી ક્રમે ક્રમે એ ગુણો પેદા થાય છે, વધે છે, અને એ ભૂમિકા પણ આવી મળે છે.

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting