Text Size

કુંડલિની વિશે

પ્રશ્ન: કુંડલિની શું છે ?

ઉત્તર: કુંડલિની શરીરની અંદર રહેલી શક્તિ છે. એનો ઉલ્લેખ મુખ્યત્વે યોગના ગ્રંથમાં આવે છે. યોગના કેટલાક ગ્રંથોમાં જે છ ચક્રોનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ચક્રોની ભાષામાં વાત કરીએ તો, એ કુંડલિની શક્તિ કરોડરજ્જુની નીચેના ભાગમાં આવેલા મૂલાધાર નામના ચક્રમાં રહેલી છે. એટલા માટે એને મૂલાધારશાયિની કહેવામાં આવે છે. વળી તે સાપના જેવા આકારવાળી અને ગૂંચળા વાળીને પડેલી છે. એટલે એને ભુજંગાકારધારિણી પણ કહે છે.

પ્રશ્ન: એ શક્તિ શું દરેકમાં હોય છે ?

ઉત્તર: દરેકમાં હોય છે. પરંતુ સુષુપ્ત દશામાં હોય છે અને એને જાગ્રત કરવી પડે છે. જાગ્રત કરવી પડે છે એટલું જ નહિ, પણ ઉર્ધ્વગામી કરીને એકેક ચક્રમાંથી પસાર કરીને છેવટે મસ્તકમાં રહેલા છેલ્લા સહસ્ત્રદલ ચક્રમાં પ્રસ્થાપિત કરવી પડે છે. ત્યાં એની પ્રસ્થાપના કરવાથી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે અને જીવન ધન્ય બને છે. કોઈ કોઈ યોગગ્રંથોમાં એને શિવ અને શક્તિનો મેળાપ પણ કહેવામાં આવે છે. અથવા તો પુરુષ તથા પ્રકૃતિનો સંયોગ.

પ્રશ્ન: કુંડલિનીનું ઉત્થાન શું દરેક સાધકે કરવું જ પડે ?

ઉત્તર: કરવું જ પડે એવું કશું નથી. યોગમાર્ગમાં કુડલીનીના ઉત્થાનનો મહિમા સવિશેષ હોવાથી, એ માર્ગના સાધકને એની જાગૃતિ ઈરાદાપૂર્વક કરવી પડે છે. જ્યારે જ્ઞાન અને ભક્તિ માર્ગના મુસાફરો એને માટે કોઈ વિશેષ પ્રયાસ નથી કરતા. છતાં પણ, વિકાસના અમુક તબક્કા પછી, એમની અંદર એ સહજ રીતે અથવા આપોઆપ જ જાગી જાય છે. દરેક સાધકમાં કુંડલિનીની જાગૃતિ તો થાય છે જ, પરંતુ દરેક સાધકને તેની ખબર નથી પડતી. કેમકે દરેક સાધકને એના અભ્યુત્થાનનું બહુ મહત્વ નથી હોતું. જે એના અભ્યુત્થાનને અત્યંત મહત્વનું માને છે, અને એને માટે ભરચક કોશિશ કરે છે, એવા યોગમાર્ગના સાધકોને જ એની જાગૃતિનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે. બીજાને નહિ.

પ્રશ્ન: કુંડલિનીનું જાગરણ કયા ઉપાયોથી થઈ શકે છે, તે કહી બતાવશો ?

ઉત્તર: કેટલીક વાર દીક્ષા આપતી વખતે, ગુરુ પોતે જ પોતાની વિશેષ શક્તિ અને અનુકંપાથી, શિષ્યની કુંડલિની શક્તિને જગાડી દે છે. એવી શક્તિ બહુ ઓછા મહાપુરુષોમાં હોય છે. અને અનુકંપાને માટે યોગ્ય એવા શિષ્યો પણ ઓછા મળે છે છતાં પણ એ પ્રક્રિયા સાચી છે. પ્રાચીન ભારતમાં એ પ્રકારની દીક્ષાઓ અપાતી. તેવી દીક્ષા દરમિયાન ગુરુ દૃષ્ટિપાત કરીને, શબ્દોચ્ચાર કરીને, સ્પર્શ કરીને કે કેવળ સંકલ્પ દ્વારા, કુંડલિની જાગ્રત કરી દેતા. હવે એ પદ્ધતિનો મોટેભાગે લોપ થયો છે એમ નહિ કહી શકાય. ભારતમાં એવા મહાપુરુષો આજે પણ છે અને કોઈ ધન્ય કાળે, કોઈક સદ્દભાગી સાધકોને, એમનો મેળાપ થઈ રહે છે. એ કૃપા કરે તો એવી દીક્ષા કોઈને પણ મળી શકે. પરંતુ કેવળ કુંડલિનીની જાગૃતિથી જ કાંઈ સાધનાની છેવટની કક્ષાએ નહિ પહોંચી જવાય. એને માટે તો, એ પછી પણ ભારેમાં ભારે પુરુષાર્થ કરવો પડશે. જાગ્રત થયેલી કુંડલિની કોઈક કારણથી વળી પાછી શાંત થઈને પૂર્વવત દશાએ ના પહોંચી જાય, તેને માટે ખૂબ ખૂબ ધ્યાન રાખવું પડશે નહિ તો બધી મહેનત નકામી જશે.

પ્રશ્ન: જાગ્રત થયેલી કુંડલીની વળી પાછી શાંત બની જાય ખરી ?

ઉત્તર: જરૂર બની જાય. સાધક જો પ્રમાદી બની જાય, કોઈ કારણથી વિકાસ કરતો અથવા તો નિયમિત સાધના કરતો અટકી જાય, તો તેવું બની શકે છે. ઘણા સાધકોના જીવનમાં એવું બનેલું છે.

પ્રશ્ન:  કુંડલિનીની જાગૃતિ બીજા કયા ઉપાયોથી થઈ શકે ?

ઉત્તર: કેટલાક આસનોથી, જપથી, ભસ્ત્રીકા પ્રાણાયામથી, હૃદયની શુદ્ધિ થવાથી, તથા યોગની કેટલીક મુદ્રાઓથી થઈ શકે છે. આસનોમાં ખાસ કરીને શીર્ષાસન, સર્વાંગાસન તથા પશ્ચિમોત્તાનાસન મહત્વનો ભાગ ભજવે છે. મુદ્રાઓમાં તડાગી મુદ્રા તથા ષણ્મુખી મુદ્રા ભારે ઉપયોગી નીવડે છે.

પ્રશ્ન: કુંડલિનીનું જાગરણ થાય છે ત્યારે કોઈ વિશેષ અનુભવ થાય છે ખરો ?

ઉત્તર: એક નહિ પરંતુ અનેક જાતના અનુભવ થાય છે.

પ્રશ્ન: એ અનુભવ કેવા હોય છે ?

ઉત્તર: અત્યંત વિલક્ષણ.

પ્રશ્ન: વિલક્ષણ એટલે ?

ઉત્તર: એકદમ અસાધારણ અથવા તો સામાન્ય માણસને સહેલાઈથી ના સમજાય તેવા.

પ્રશ્ન: એવા અનુભવમાંથી એકાદ બેની ઝાંખી કરાવી શકશો ?

ઉત્તર: જરૂર. કુંડલિનીનું જાગરણ થવાથી રોમેરોમમાં પ્રકાશ ફરી વળે છે. બધી જાતની જડતા દૂર થાય છે અને એક પ્રકારનો અવર્ણનીય રસ કે આનંદ ઉત્પન્ન થાય છે. કેટલીક વાર સાધકને પોતાના કરોડરજ્જુમાંથી કે પીઠ પાછળથી કાંઈક ઉપર ચઢતું હોય એવું લાગે છે. કીડીની હાર ઉપર ચઢતી હોય એવો અનુભવ થાય છે. તો કોઈ વાર બારણાને કોઈ ખખડાવતું હોય એમ પીઠ પાછળ ઉપર, નીચે કે વચ્ચે ક્રમે ક્રમે અવાજ થાય છે. એના પરથી અનુમાન થાય છે કે કોઈક નવી શક્તિ જાગીને ક્રિયાશીલ બની રહી છે. એ શક્તિ બીજી કોઈ નહિ પણ કુંડલિની છે.

પ્રશ્ન: કુંડલિની શક્તિના જાગૃતિના પરિણામરૂપે, સાધનાની પ્રક્રિયામાં કાંઈ ફેર પડે છે ખરો ?

ઉત્તર: સાધનાની પ્રક્રિયામાં તો કાંઈ ફેર નથી પડતો. પરંતુ સાધનાના સ્વરૂપમાં ફેર પડી જાય છે.

પ્રશ્ન: સાધનાના સ્વરૂપમાં ફેર પડે છે એટલે ?

ઉત્તર: એનો અર્થ બહુ જ સાદો છે. જે સાધના પહેલા શુષ્ક લાગતી હોય છે, તે કુંડલિનીની જાગૃતિ પછી રસવંતી બની જાય છે. સાધકને એમાં અનેરો આનંદ આવે છે. મનની સ્થિરતા, એકાગ્રતા, કે તલ્લીનતાને એ વધારી દે છે. પહેલાં તો સાધકનું મન ભાતભાતના સંકલ્પોવિકલ્પો કરતું હોય છે. એ સ્થિર પણ નથી થતું. પરંતુ કુંડલિનીનું જાગરણ થયું એટલે બધી પરિસ્થિતિ જ બદલાઈ જાય છે. હવે સાધકને મનની ચંચલતા અથવા તો અસ્થિરતાનો પ્રશ્ન નથી નડતો. પંખી જેવી રીતે વિશાળ વ્યોમમાં પોતાની પાંખને પહોળી કરીને પ્રસન્નતાથી ઉડે છે, એવી રીતે સાધક જ્યારે અંતર્મુખ થાય છે અને જપ, ધ્યાન કે પ્રાર્થના જેવી સાધનામાં બેસે છે, ત્યારે બધી જ જાતની બાહ્યવૃત્તિને ભૂલીને, સાધનામાં લીન બને છે, એકાકાર થાય છે કે ડૂબી જાય છે.

પ્રશ્ન: કુંડલિનીના જાગરણને પરિણામે પ્રકાશનું દર્શન થાય છે ખરું ?

ઉત્તર: કોઈ કોઈ સાધકને થાય છે અને કોઈને નથી પણ થતું. પ્રત્યેક સાધકને અનુભવોના એક સરખા ક્રમમાંથી પસાર થવાનું નથી હોતું. છતાં પ્રકાશના દર્શનનો અનુભવ પણ એક અનુભવ છે ખરો અને ઘણો સારો અનુભવ છે.

પ્રશ્ન: કુંડલિની જ્યારે જુદાં જુદાં ચક્રોમાંથી પસાર થાય છે ત્યારે શું થાય છે ?

ઉત્તર: દરેક ચક્રમાંથી પસાર થવાના પરિણામરૂપે સાધકને વિશેષ પ્રકારના અનુભવો અને વિશેષ શક્તિઓની પ્રાપ્તિ થાય છે. દાખલા તરીકે, મૂલાધાર ચક્રમાંથી પસાર થઈને કુંડલિની જ્યારે નાભિચક્રમાં આવે છે, ત્યારે દૈવી ભાવ ને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાનને લિપિબદ્ધ કરવાની શક્તિ પણ એને આવી મળે છે. મણિપૂર ચક્રમાંથી તથા સ્વાધિષ્ટાન ચક્રમાંથી કુંડલિની પસાર થાય છે, ત્યારે ધ્યાન દરમ્યાન વિવિધ પ્રકારના અનેરા અનુભવો થાય છે, નાદ સંભળાય છે, ભૂખતરસ ઓછા થાય છે, મળમૂત્ર પણ ઘટી જાય છે, શરીર ક્રાંતિ ધારણ કરે છે, વદન પર તથા લોચનમાં અલૌકિક પ્રકાશ પથરાઈ જાય છે, સંસારના વિષયો પરથી મન તદ્દન ઉપરામ થાય છે, અને આસક્તિ ઘટી જાય છે, તથા મનની બધી જ વૃત્તિઓ ઈશ્વરપરાયણ બની રહે છે. આજ્ઞા ચક્રમાંથી પસાર થતી કુંડલિની ભૂતભાવિનું જ્ઞાન કરાવે છે તથા સમર્થ મહાપુરુષોની સાથેનો પ્રત્યક્ષ સંબંધ સ્થાપિત કરે છે. જ્યારે કુંડલિની બ્રહ્મરંધ્રમાં જાય છે ત્યારે નિર્વિકલ્પ સમાધિ અને પરમાત્માના સાક્ષાત્કારનો અનુભવ મળે છે.

પ્રશ્ન: જે ભક્ત હોય તેમને કુંડલિનીનો અનુભવ થાય છે કે કેમ ? અને થાય છે તો કેવી રીતે ?

ઉત્તર: કુંડલિનીનો ઉલ્લેખ મુખ્યત્વે યોગના ગ્રંથોમાં મળે છે. યોગના ગ્રંથોમાં તેના પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવ્યું છે અથવા તો એમ પણ કહી શકાય કે યોગ સાધનાના ગ્રંથોમાં જ તેના પ્રત્યે ધ્યાન અપાયું છે અને બીજામાં નહીં. પરિણામે ભક્તિમાર્ગના ગ્રંથોમાં તેનો નામ નિર્દેશ નથી મળતો એમ કહીએ તો ચાલે અને એટલા માટે જ ભક્તિમાર્ગના સાધકો કુંડલિનીના ઉત્થાનને બહુ મહત્વ નથી આપતા. કુંડલિનીના ઉત્થાનને માટેની પ્રક્રિયાઓ પણ તે સાધકો નથી કરતા.

પ્રશ્ન: તો પછી ભક્તિમાર્ગના સાધકોને કુંડલિનીનું જાગરણ નથી થતું એમ જ કહેવાય ને ?

ઉત્તર: એમ જ કહી શકાય. કુંડલિનીના જાગરણને માટે તે કોઈ વિશેષ પ્રયાસ નથી કરતા, અને કુંડલિનીના જાગરણ તરફ તેમનું કોઈ વિશેષ લક્ષ પણ નથી હોતું, છતાં પણ કુંડલિનીનું જાગરણ તેમના જીવનમાં આપોઆપ જ થઈ રહે છે. આપોઆપ એટલે કોઈ વિશેષ પ્રકારના દેખીતા પરિશ્રમ વિના. મેં પહેલા કહ્યું હતું તેમ, મંત્રજપને લીધે પણ કુંડલિનીની જાગૃતિ થતી હોય છે અને ભક્તોના જીવનમાં કુંડલિનીની જાગૃતિ એવી રીતે થતી હોય છે. ફક્ત તેના તરફ ધ્યાન નહીં હોવાથી, તેમને તેની ખબર નથી પડતી એટલું જ. કુંડલિની તેનું ઉત્થાન અને એવી બીજી ક્રિયાઓ તરફ ધ્યાન આપવાને બદલે તેઓ ઈશ્વર અને ઈશ્વરને માટેના પ્રખર પ્રેમના પ્રાકટ્ય તરફ જ ધ્યાન આપતા હોય છે. ને પરિશ્રમ પણ તેને માટે જ કરે છે. એ જ એમનું લક્ષ હોય છે અને એમાં જ એમનો સંતોષ કે આનંદ હોય છે.

પ્રશ્ન: કુંડલિનીના જાગરણને પરિણામે પ્રાપ્ત થતા એ બધા અનુભવો તમને મળ્યા છે ખરા ?

ઉત્તર: આ તો તમે વ્યક્તિગત ચર્ચામાં ઉતરી પડ્યા !

પ્રશ્ન: તો પણ, તમને હરકત ન હોય તો, કહેવાની કૃપા કરશો તો આનંદ થશે, અને જાણવાનું મળશે.

ઉત્તર: હું બધું અનુભવના આધાર પર બોલું છું કે કહું છું, એ વાત મેં પહેલાં પણ કરી છે. એટલા પરથી તમે ઘણું ઘણું સમજી શકશો. તમારી આગળ મેં જે અનુભવોનું વર્ણન કર્યું છે તે અનુભવો મને મારી સાધના દશા દરમિયાન થઈ ચૂકેલા છે. નહીં તો તેમનું વર્ણન હું આવી રીતે ન કરત.

પ્રશ્ન: તો પછી કુંડલિનીના જાગરણના પરિણામો એમના જીવનમાં દેખાય છે ખરા ?

ઉત્તર: એ પરિણામોની પણ એમને એટલી બધી નથી પડી. એ પરિણામોનું નિશાન રાખીને એ આગળ નથી વધતા-છતાં પણ, કુંડલીનીનું સહજ જાગરણ થવાથી, એમના જીવનમાં એ પરિણામો પ્રકટ થાય છે, દેખાય છે, કે અનુભવાય છે. એને લીધે જપ, ધ્યાન કે પ્રાર્થના અને ઈશ્વરસ્તવન કરવાથી એમને એક પ્રકારનો અવર્ણનીય આનંદ આવે છે અને ઊંડી શાંતિ મળે છે. મનની એકાગ્રતા એમને માટે સહજ બની જાય છે, એમના રોમેરોમમાંથી રસના ફૂવારા ફૂટે છે. ઈશ્વરસ્મરણમાં બેસતી વખતે એમનું મન જરા પણ દોડાદોડ નથી કરતું, ઈશ્વરમાં તલ્લીન થઈને એ બીજું બધું જ ભૂલી જાય છે. એ ઉપરાંત, એમને કેટલીક અસાધારણ શક્તિઓની પણ પ્રાપ્તિ થાય છે. કીર્તન કરતાં, અને સાચી કે ઉત્કટ ભક્તિનો ઉદ્વેગ થતાં, એમને એક પ્રકારની ભાવસમાધિનો પણ લાભ થતો હોય છે. 'ભાવસમાધિ'ની એ દશા કુંડલીનીના જાગરણને પરિણામે જ પ્રાપ્ત થતી હોય છે. એ વખતે મનની ઈશ્વરમાં તદાકારવૃત્તિ થવાથી, દેહભાન સહજ રીતે જ ભૂલાઈ જાય છે. ઊંડા ધ્યાન પછી યોગીને દેહાધ્યાસથી પર થવાની જે દશા લાંબે વખતે પ્રાપ્ત થાય છે તે દશા ભક્તિમાર્ગના સાધકને એમ ભાવની પ્રબળતાને લીધે પ્રાપ્ત થતી હોય છે. એ બંને પ્રકારની દશા કુંડલિનીની જાગૃતિ વિના નથી મળી શકતી. ભક્ત કુંડલિની જાગરણ પ્રત્યે જરા પણ દિલચસ્પી નહિ લેતો હોવા છતાં કુંડલિની જાગરણ અને એનાં આનુષંગિક પરિણામોથી કોઈ પણ રીતે વંચિત તો નથી જ રહી શકતો.

પ્રશ્ન: ભક્તની વાત તો સમજી શકાઈ. પરંતુ જ્ઞાનીના સંબંધમાં શું સમજવું ? જ્ઞાની કુંડલિની શક્તિમાં માને છે કે નહીં ?

ઉત્તર: જ્ઞાનમાર્ગમાં પણ કુંડલિનીનું મહત્વ નથી માનવામાં આવ્યું. જ્ઞાની પણ એટલા માટે, એ શક્તિના ઉત્થાન માટે કોઈ વિશેષ પ્રયાસ નથી કરતાં. છતાં પણ અમુક, ભૂમિકાએ પહોંચ્યા પછી, જ્ઞાનીની અંદર પણ કુંડલિનીની જાગૃત થઈ જાય છે અને એના પરિણામો પણ પ્રકટ થાય છે, ધ્યાનના ઊંડા રસની જે અનુભૂતિ જ્ઞાનીને થાય છે, તે કુંડલિનીના જાગરણ વિના ન જ થઈ શકે, જ્ઞાની કુંડલિનીની કિંમત સમજે કે ન સમજે, તે કામ તો કરવાની જ.

Today's Quote

Wealth consists not in having great possessions, but in having few wants.
- Epicurus

prabhu-handwriting