Text Size

જ્ઞાનની સાત ભૂમિકાઓ

પ્રશ્ન: જ્ઞાનની સાત ભૂમિકાઓ કહે છે તે શું છે ? જ્ઞાનની શું સાચેસાચ સાત ભૂમિકાઓ છે ? એ ભૂમિકાઓ શેના પરથી પાડવામાં આવી છે ?

ઉત્તર: જ્ઞાનની સાત ભૂમિકાઓનો ઉલ્લેખ તમે કરી રહ્યા છો તે ભૂમિકાઓનું વર્ણન ભારતીય તત્વજ્ઞાનના મહાન ગ્રંથ યોગવસિષ્ઠમાં કરવામાં આવ્યું છે. એ ગ્રંથમાં મહર્ષિ વસિષ્ઠે રામને ઉપદેશ આપ્યો છે. એ ગ્રંથમાં જ્ઞાનની જે સાત ભૂમિકાઓ કહી બતાવવામાં આવી છે તે ભૂમિકાઓ માનવના બૌધિક અથવા તો આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ છે. એની પાછળ ચોક્કસ પ્રકારની દૃષ્ટિ છે, ફિલસૂફિ છે અથવા તો વિચારધારા સંકળાયેલી છે તેમ જ વિકાસનો ચોક્કસ ક્રમ બતાવે છે.

પ્રશ્ન: તો તો મને એ ભૂમિકાઓ વિશે માહિતિ મેળવવાનો આનંદ આવશે. ઘણું જાણવાનું પણ મળશે. પરંતુ એ ભૂમિકાઓનો ઊડતો ખ્યાલ આપી શકશો ? અથવા તો એ ભૂમિકાઓ કઈ કઈ છે તે કહી બતાવશો ?

ઉત્તર: જરૂર. યોગવસિષ્ઠમાં કહેલી એ સાત ભૂમિકાઓ આ રહી. શુભેચ્છા, વિચારણા, સત્વાપત્તિ, તનુમાનસા, અસંસક્તિ, પદાર્થાભાવિની અને તુર્યગા. એ સાતે ભૂમિકાઓ જ્ઞાનમાર્ગના વિકાસની સૂચક છે, એ એમનો વિચાર કરવાથી સહેલાઈથી સમજી શકાય છે.

પ્રશ્ન: શુભેચ્છા અને વિચારણાની ભૂમિકાનો શો અર્થ છે ?

ઉત્તર: સંસારનું નિરીક્ષણ કરવાથી સમજાય છે કે બધા માણસોને આત્મવિકાસ અથવા આત્મદર્શનની ઈચ્છા નથી હોતી. મોટા ભાગના માણસો સાંસારિક સંપત્તિ તેમજ સુખોપભોગની જ ઈચ્છા રાખે છે. તેને માટે જ પરિશ્રમ કરે છે ને તૃપ્ત પણ તેમાં જ હોય છે. જીવનને બંધનમુક્ત પૂર્ણ કે આદર્શ બનાવવાની ઈચ્છા એમના દિલમાં ઉદય નથી પામતી. એવો વિચાર જ એમને નથી થતો. એવા માણસો આત્મજ્ઞાનના માર્ગમાં કેવી રીતે આગળ વધી શકે ? એટલે સૌથી પહેલાં તો જ્ઞાનના ઉપાર્જનની, બંધનોની નિવૃત્તિની, પરમશાંતિની પ્રાપ્તિ કે પરમાત્માના સાક્ષાત્કારની ઈચ્છાને પેદા કરવી જોઈએ. એના વિના કશું જ ના થઈ શકે. એ ઈચ્છા જીવનનું શ્રેય કરનારી હોવાથી શુભેચ્છા કહેવાય છે. એ શુભેચ્છા પણ બે જાતની છે. મંદ અને તીવ્ર અથવા તો ઉત્કટ. મંદ ઈચ્છા કોઈક કારણથી પ્રગટ થઈને પાછી શમી જાય છે પરંતુ ઉત્કટ ઈચ્છાનું એવું નથી. એ બધા જ સ્થળ, સમય કે સંજોગોમાં કાયમ રહે છે ને ધ્યેયની પૂર્તિ સુધી શાંત નથી થઈ શકતી. એ ઈચ્છા પેદા થાય એટલે માણસ સત્સંગમાં રસ લે છે ને વિચારે છે કે જીવન શાના માટે છે ? એનું ધ્યેય શું ? એ ધ્યેયની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? સંસારનું રહસ્ય શું છે ? એની પાછળ કોઈ શક્તિ છે ? એ શક્તિનો આપણી સાથે કેવોક સંબંધ છે ? મોક્ષ શું છે ? બંઘ શું છે ? પૂર્ણતા શું છે ? આપણું મૂળ સ્વરૂપ શું છે ? દુ:ખોની નિવૃત્તિનો અને સુખશાંતિની પ્રાપ્તિનો માર્ગ શું છે ? એ માર્ગે કેવી રીતે આગળ વધવું જોઈએ ? એ અને એવા બીજા જીવનના શ્રેયને લગતા પ્રશ્નોના ચિંતનમનને વિચારણા કહે છે. શુભેચ્છા પછી વિચારણાની એ ભૂમિકા આવવી જ જોઈએ.

પ્રશ્ન: શુભેચ્છા અને વિચારણાની જ્ઞાનમાર્ગની પહેલી બે ભૂમિકાઓ તો સમજાઈ ગઈ. હવે સત્વાપત્તિની ભૂમિકાનો અર્થ શો થાય છે તે સમજાવશો ?

ઉત્તર: સત્વાપત્તિનો અર્થ કહી બતાવું છું. જ્ઞાનમાર્ગનો સાધક શુભેચ્છા અને વિચારણાની બંને ભુમિકામાં દ્રઢ થયા પછી દૈવી સંપત્તિથી સંપન્ન થવાની કોશિશ કરે છે. પોતાના જીવનમાંથી આસુરી સંપત્તિના સઘળા અવશેષોનો અંત આણીને, દૈવી સંપત્તિનો વિકાસ કરવા, અથવા તો પોતાના સ્વભાવની સંશુદ્ધિ કરીને, સદ્દગુણો, સદ્દભાવ ને સદ્દવિચારની મૂર્તિ બનવા માટે તે મહેનત કરે છે. એવી મહેનતને પરિણામે એનું મન અથવા તો અંતઃકરણ નિર્મળ બની જાય છે. એમાં કોઈ ડાઘ કે દોષ નથી રહેતો. તમોગુણ તથા રજોગુણની વિઘાતક અસરમાંથી મુક્તિ મેળવીને સાધક સત્વગુણમાં સ્થિતિ કરે છે. એ ભૂમિકાને જ્ઞાનમાર્ગમાં સત્વાપત્તિને નામે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન: અસંસક્તિની ભૂમિકાનો અર્થ શો થાય ?

ઉત્તર: અસંસક્તિ એટલે આસક્તિ વગરની અવસ્થા, એ અવસ્થામાં આસીન થયેલા સાધકને સંસારના કે સંસારની પારના કોઈયે પદાર્થમાં મમતા, રાગવૃત્તિ કે તૃષ્ણા અથવા તો આસક્તિ નથી રહેતી. એની આસક્તિ એક માત્ર ઈશ્વરમાં જ રહે છે. ઈશ્વરની પ્રીતિ તથા પ્રાપ્તિ એ જ એના જીવનનો એકમાત્ર આનંદ, રસ કે પુરુષાર્થ બને છે. એ સિવાયના બીજા પદાર્થો કે વિષયો એને પ્યારા નથી લાગતા, અને એમાં એનું મન પણ નથી લાગતું. એ ભૂમિકાની પ્રાપ્તિ પછી પરમાત્માનો સાક્ષાત્કાર બહુ દૂર નથી રહેતો. પરમાત્માના સાક્ષાત્કારને જો સૂર્યોદય સાથે સરખાવવો હોય, તો અસંસક્તિની ભૂમિકાને ઉષા કહી શકાય. એ એટલી બધી અનિવાર્ય છે, અને એનું મહત્વ એટલું મોટું છે.

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting