Text Size

દર્શન અને ત્યાગ

પ્રશ્ન : ઈશ્વરદર્શનને માટે સંસારત્યાગની જરૂર ખરી ? સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન ન થાય, અને શુદ્ધ પ્રેમ રાખી શકાય, તો ઈશ્વરદર્શન થઈ શકે ?

ઉત્તર : ઈશ્વરદર્શનને માટે સંસારનો ત્યાગ કરવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. કોઈને માટે એવો ત્યાગ ઉપયોગી અથવા અનિવાર્ય હોય તો તે ભલે કરે. પરંતુ બધાએ એનું આલંબન લેવું જ જોઈએ એવું નથી સમજવાનું. ઈશ્વરદર્શનની ઉત્કટ ભૂખ લાગી હોય, એવી કોઈક વિરલ, અસાધારણ, આધ્યાત્મિક સંસ્કારથી સંપન્ન વ્યક્તિ, સંસારની પ્રવૃત્તિઓમાં મનને પરોવી જ ન શકે માટે, એ પ્રવૃત્તિઓને સહજ રીતે જ મૂકી દઈને એકાંતનો આધાર લે એ સમજી શકાય એવું છે. એવા એકાંતસેવનથી સાધના પ્રત્યેની અભિરુચિવાળા સાચા સાધકને લાભ પણ થાય છે. પરંતુ એવી યોગ્યતા બહુ જ ઓછા સાધકોમાં હોઈ શકે છે. એટલે ઈશ્વરદર્શનની અભિલાષાવાળા બધા જ માણસોને સંસારત્યાગની જરૂર છે એવું ન કહી શકાય. સંસારની પ્રવૃત્તિઓ કરતાં કરતાં, અને વ્યવહારિક ફરજો બજાવતાં બજાવતાં જ, એવા પ્રયાસોને પરિણામે માણસ ઈશ્વરદર્શી બની શકે છે. એ માટે કોઈ બાહ્ય ત્યાગની એટલી આવશ્યકતા નથી, જેટલી અંદરના ત્યાગની. સંસારમાં રહીને એવો ત્યાગ કેળવી શકાય છે. તેવા ત્યાગને કેળવવામાં વૈરાગ્ય ભારે મહત્વનો ભાગ ભજવે છે. વૈરાગ્યને કેળવ્યા વિના શુદ્ધ પ્રેમ કેવી રીતે આવી શકશે ? વૈરાગ્ય નહિ હોય-અલબત્ત મનનો વૈરાગ્ય-તો પ્રેમને બદલે મોહ જ પેદા કરશે. નિર્મમતાને ઠેકાણે આસક્તિ જ વધતી જશે. વૈરાગ્યના પાયા વગર શુદ્ધ પ્રેમ કેવી રીતે આવી શકશે. વૈરાગ્યના પાયા વગર શુદ્ધ પ્રેમની ઈમારત ચણી શકાતી નથી, ને તે વિના ઈશ્વરદર્શન પણ શક્ય નથી-કદાપિ નહિ.

પ્રશ્ન : વૈરાગ્યનો સાચો અર્થ શું થાય તે સમજાવવા કૃપા કરશોજી.

ઉત્તર : વૈરાગ્યને લોકો જેમ માને છે તેમ, બહારના વેશપલટા કે દેખાવ સાથે એટલો સંબંધ નથી, જેટલો મનની ભૂમિકા સાથે છે. વૈરાગ્ય એટલે સંસારના વિષયોમાંથી રાગનો અભાવ. એ અભાવની સિદ્ધિ ક્યારે થાય તે જાણો છો ? વિવેકની જ્યોતિ જ્યારે હૃદયમાં સંપૂર્ણપણે પ્રકાશી ઉઠે ત્યારે વિવેકની જાગૃતિ થતાં સમજાય છે કે સંસારના બધા જ પદાર્થો નાશવંત છે. એમના ઉપભોગથી કાયમી શાંતિ નથી મળતી. કાયમી શાંતિ તો કેવળ પરમાત્માની પ્રાપ્તિથી જ મળી શકે છે. એવો જે દૃઢ નિશ્ચય, અને એને પરિણામે ચિત્તની અખંડ જાગૃતિ તથા સાંસારિક વિષયો પ્રત્યેની ઉપરામતા થાય એને વૈરાગ્ય કહેવામાં આવે છે. મન જ્યારે પરમાત્માને જ ચાહતું, ઝંખતું, ને પરમાત્મામાં જ રસ લેતું થાય, ત્યારે વૈરાગ્યની પૂર્ણાહુતિ થાય છે.

પ્રશ્ન : મન પર સહેલાઈથી કાબૂ મેળવવા માટે એકાંતવાસ લાભકારક ખરો  ?

ઉત્તર : અવશ્ય લાભકારક છે. પરંતુ એ એકાંતવાસ જડ નહિ પરંતુ વિવેકપૂર્વકનો હોવો જોઈએ. ધ્યેયની સિદ્ધિને માટે સાધનરૂપ હોવો જોઈએ તથા સાધનાથી સંયુક્ત થવો જોઈએ. એ દૃષ્ટિથી વધારે, ઓછા વખતને માટે એકાંતવાસ કરો તો મનને એકાગ્ર, સ્થિર, કે સંયમી કરવામાં જરૂર મદદ મળે. વ્યવહારમાં માણસની મોટા ભાગની શક્તિ અને માણસનો મોટા ભાગનો સંયમ, પ્રતિકૂળ વાતાવરણને અનુકૂળ કરવામાં જ વપરાઈ જાય છે. જ્યારે એકાંત વાતાવરણમાં એ સમસ્યા ઉત્પન્ન જ નથી થતી. ત્યાં તો કેવળ ધ્યેયને માટે આદુ ખાઈને સાધના કરવાની જ રહે છે. પરિણામે કામ સરળ બને છે. વરસોની સાધના પ્રમાણમાં બહુ જ ઓછા વખતમાં સિદ્ધ થઈ શકે છે. ત્યાં વાતાવરણની સામે ઝઝૂમવાનું છે જ નહિ. ત્યાં કામ, ક્રોધ, મદ, મત્સરના પ્રસંગો જ ઊભા નથી થતા. એટલે એમની સામે મોરચો માંડવાનો પ્રશ્ન જ નથી રહેતો. એટલા જ માટે, જેમને થોડા વખતમાં આત્મોન્નતિની સાધનામાં કોઈ નોંધપાત્ર સફળતા મેળવવી હોય, તેમણે થોડો વધારે વખત એકાંત સેવન કરતાં શીખવું જોઈએ. એમ કરવાથી પણ મોટો લાભ થશે. મનને વશ કરવું કે જીતવું એકાંતમાં સહેલું થઈ પડે છે. અમુક પ્રકારની ધ્યાનાદિ સાધના તો એકાંત વિના થાય જ નહિ.

પ્રશ્ન : કોલાહલમય વાતાવરણમાં કે વધુ પ્રવૃત્તિ કરતાં મન અસ્વસ્થ બને છે તેનું કારણ  ?

ઉત્તર : તેનું કારણ અંદરનું છે. સાધનાની શરૂઆતની તથા વચગાળાની દશામાં એવું થાય કરે છે. આ દશામાં મન હજુ સંપૂર્ણપણે વશ થયું નથી હોતું ને શાંતિને ઝંખતું હોય છે. એટલે અશાંત વાતાવરણ એના પર બહુ ભારે પ્રત્યાઘાત પાડનાર બને છે. જેમ જેમ તે શાંત ને સ્થિર થતું જશે તેમ તેમ એ સમસ્યા ઉકલતી જશે.

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb

prabhu-handwriting