Text Size

મહાપુરુષોની ઓળખ

રામકૃષ્ણ પરમહંસદેવની પાસે એક પંડિતજી આવ્યા. તેમણે પરમહંસદેવ સાથે એક જ આસન પર બેસી કહેવા માંડ્યું : ‘શું તમે પરમહંસ છો ? વાહ, ખરા પરમહંસ ! લોકો તમને પરમહંસ કહે છે પણ તેઓ શું જાણે ? તેમને કોઈએ ભરમાવ્યા લાગે છે. ઠીક પરમહંસ, જરા હુક્કો તો પીવડાવો.’

પરમહંસદેવે તેમને હુક્કો આપ્યો. પંડિત હુક્કો ગગડાવવા માંડ્યા.

એટલામાં તેમની નજર દીવાલ પર ટીંગાડેલા પરમહંસદેવના સુંદર કોટ પર પડી. એ જોઈ તે બોલી ઉઠ્યા : ‘શું તમે કોટ પણ રાખો છો ?’

પરમહંસદેવ પણ ક્યાં ગાંજ્યા જાય તેવા હતા ? તેમણે પંડિતજીનું ધ્યાન ઓરડાના ખુણા તરફ દોર્યું. ત્યાં નવા સુંદર બુટ પડ્યા હતા. તે જોઈને તો તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેમને નક્કી થયું કે પરમહંસદેવ ઢોંગી છે, ને તેમની જાળમાં લોકો ફોગટ ફસાયાં છે. નમસ્કાર કર્યા વગર જ પંડિત ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા.

સાંજનો સમય થયો હોવાથી ગંગાકિનારે જઈ તે સંધ્યા કરવા બેઠા.

થોડા વખત પછી તેમને એમ લાગ્યું - કોઈ તેમનું આકર્ષણ કરી રહ્યું છે. સંધ્યા પુરી કરી તે જલદી પરમહંસદેવના ઓરડામાં આવ્યા તો ત્યાં શું જોયું ? પોતાના રોજના નિયમ પ્રમાણે પરમહંસદેવ આસન પર બેસી ધ્યાનમાં મગ્ન હતા. તેમના નેત્રમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મુખ પર જે ભાવો હતા એ જોઈને પંડિતજીનું હૃદય પલટાઈ ગયું. પરમહંસદેવ પાસે બેસતાં તેમને અજબ શાંતિ લાગવા માંડી. પરમહંસદેવ સાચા મહાપુરૂષ છે એવી તેમને ખાતરી થઈ. તેમને સમજવામાં પોતે ભુલ કરી છે તેનો પસ્તાવો પણ થયો.

એટલામાં એ મહાપુરૂષનું ધ્યાન પુરું થયું. એમણે નેત્ર ઉઘાડ્યાં, એટલે પંડિતજી તેમના ચરણમાં પડ્યા. તેમની આંખમાંથી પશ્ચાતાપનાં અશ્રુ વહેવા માંડ્યા. પોતે કરેલી ભુલ માટે તેમણે પરમહંસદેવની માફી માગી.

પરમહંસદેવે કહ્યું : ‘મહાત્માઓની કસોટી બહારના દેખાવ પરથી કરવી નહીં. બની શકે તો તેમના હૃદયમાં ડુબકી મારવા. તેમના હૃદયને ઓળખવાનો પ્રયાસ કરવો ને તે પરથી તેમના વિશે નિર્ણય કરવો. નહિ તો તેમને નમસ્કાર કરીને રસ્તે પડવું. બાકી પુરતી તપાસ વિના બે-ત્રણ બાહ્ય વસ્તુઓની મદદથી તેમને વિશે મત બાંધવો તે અપરાધ છે.’

પરમહંસદેવનાં આ વચનો સૌએ યાદ રાખવાં જેવાં છે. એનો અર્થ એમ નથી કે માણસે મહાત્માઓના બાહ્ય સ્વરૂપને જોવાં જ નહીં, અથવા તેથી એમ પણ નથી સમજવાનું કે મહાત્માઓએ પોતાના બાહ્ય જીવનધોરણ કે સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ રાખવું. સાર એટલો છે, કે બહારની રીતે વિચિત્ર લાગતા જીવન ને સાધનવાળા માણસો પણ અંદરખાનેથી કેટલીકવાર મહાપુરૂષ ને ગાંઠે બાંધેલા રતન હોય છે. મુળ વાત તો એ છે, આ સંસારમાં મહાપુરુષોનું મિલન થવું દુર્લભ છે. ગીતાએ જેમને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે તેવા પુરુષો કરોડોમાં કોઈક જ મળે છે. ને પુર્વજન્મનાં સત્કર્મોનાં ફળરૂપે તેમનું મિલન થઈ જાય તો પણ, તેમને ઓળખવાનું કામ કઠિન છે. તે પોતે જ જ્યાં સુધી કૃપા કરીને પોતાનું રહસ્ય ન ખોલે, ને પોતે કોણ ને કેવા છે તેની સમજ ન આપે, ત્યાં સુધી તેમને ઓળખવાનું કામ કપરું છે. આ સંબંધમાં જે વાત ઈશ્વર વિશે કહેવામાં આવી છે તે સંતોને પણ લાગુ પડે છે.

જેમ ઈશ્વર અગમ્ય છે, તેમ સંતો પણ અગમ્ય છે. ઈશ્વરને કોણ ઓળખી શકે ? જેના પર તે કૃપા કરે ને કૃપા કરી અર્જુનની જેમ અજ્ઞાનનું આવરણ હઠાવી દઈ જેને તે દિવ્ય દૃષ્ટિ આપે તે.  પણ ઈશ્વર કાંઈ દયાળુ નથી એવું થોડું જ છે. તેની કૃપા માટે માણસે તૈયાર થવું- આતુર બનવું જોઈએ. તેવી રીતે ઈશ્વરની કૃપા મેળવી ચુકેલા સંતોને મળવાની જેને લગની લાગે ને જેનું દિલ તેવા મહાપુરુષોને મળવા તલપાપડ બની જાય, તેને મહાપુરુષોનું દર્શન જરૂર થાય. મહાપુરુષોની કૃપાથી તે તેમને ઓછાવત્તા પ્રમાણમાં ઓળખી પણ શકે - તેમને સેવીને લાભ પણ ઉઠાવી શકે.

  - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore

prabhu-handwriting