Text Size

સેવાનો સંકલ્પ

એકાંત મહીં વાસ ક્યાંથી અંતરને આનંદ મળે,
ફૂટે ફુવારા શાંતિ તણા ને પ્રાણ પરમ કિલ્લોલ કરે.
પરમાત્માનું ધ્યાન ધારણા સમાધિ કેરું સાધન થાય,
ઉપાધિ મુક્ત અનેરું જીવન નિર્મળ નેહનદીમાં ન્હાય.

વનવાસી શાં વૃક્ષવલ્લરી ફૂલ હરણ ને ઝરણાં આ,
પ્રીત થવાથી સૌની સાથે એકલવાયું લાગે ના.
પરંતુ એથી લાભ અન્યને સમાજને સૃષ્ટિને શો ?
ઊપયોગી જો થાય જગતને મંગલકારક જીવન તો.

દુઃખદર્દ સંતાપ વેદના અધર્મ ને અન્યાય તણો
અંત નથી અવનીમાં આજે અનીતિનો છે ભાર ઘણો.
અંધકારમાં અટવાયે ને ગર્તામાં ગોથાં ખાયે,
ભ્રમમાં ભમે હજારો લાખો, શોક એમનો ના માયે.

બંધનમાં બંધાયા કોટી મુક્ત થવા માટે તલસાટ
કરે નિરંતર જોયા કરતાં મુક્તિદાતા કેરી વાટ.
પીડાના પોકાર એમના પર્વત પર પણ રહ્યા ફરી,
દશા એમની એકાંતે પણ અશાંત ઉરને રહી કરી.

ત્યારે ક્યાં સાધન શાંતિ તણું કરવા બેસું મૂક થઈ,
સમાધિ કાજે કરું પરિશ્રમ કૈવલ્ય તણી ધૂન લઈ !
અશાંત જનની સાથે મારી પરમ શાંતિનો રાહ રહ્યો,
બદ્ધ જનોની મુક્તિમાં છે મુક્તિ કેરો માર્ગ મળ્યો.

સેવા કરું સકળ જીવોની, અર્પું એ સૌને આનંદ,
કૃતાર્થતા એમાં કાયાની, પામું એમાં પરમાનંદ.
દુઃખદર્દમાં ભાગ લઈને એ સૌનો સાથી બનતાં
સફળ કરાવું સફર એમની સુખ મારું એમાં ગણતાં.

માનવતાના મંગલ માટે કુરબાન કરું આ કાયા,
માનવતાની કરું માવજત મૂકીને બીજી માયા.
દબાયલાં બંધાયા શોષિત અસંખ્યમાં ઉત્સાહ ભરું,
બનું મૂકનો અવાજ તેમ જ અંધજનોને જ્યોત ધરું.

એ જ સાધના અમોઘ મારી એ જ ઘટે મારે કરવી,
એ જ પૂર્ણતા કૃતાર્થતા પથ એ પથ પર પગલી ભરવી.
એ પંથ વિના પરમ શાંતિ ના સ્વપ્ને પણ મુજને મળનાર,
એ જ યોગ ને યજ્ઞતપસ્યા વિષાદ વેદનને હરનાર.

ઈશ્વરનું દર્શન કરવાને છોડું ના સૌનો સંબંધ,
વસી રહ્યા ઈશ્વર સંસારે જેમ વસે પુષ્પ મહીં ગંધ.
મારો ઈશ્વર સાકાર બની વિવિધ રૂપરંગે રમતો,
સેવું એને શાને એને કાજ રહું વનમાં ભમતો ?

દીન હીન કંગાલ કરોડો લોકોના રૂપે ભગવાન
એ જ રમે છે, પ્રાણ એમનો રમી રહ્યો એ સૌને પ્રાણ.
વંદુ સેવું સ્નેહે નિશદિન, અર્ઘ્ય એમને દિવ્ય ધરું,
આરતી અંતર થકી ઉતારું, મીઠી મમતા સાથ મળું.

જીવન ઉજ્જવળ કરવા સૌનાં કરું પરિશ્રમ પૂર્ણપણે,
અંતર્યામી તણો અનુગ્રહ સાંપડશે એથી જ મને.
એ સૌની મુક્તિ શાંતિ મહીં મારી મુક્તિ શાંતિ ગણું,
જોઉં જનતા મહીં જનાર્દન, બીજી સઘળી ભ્રાંતિ હણું.
*

એ પ્રમાણે વિચારીને ગાંધીએ જનતા તણો
સેવાસંકલ્પ પોતાના વધારે પ્રાણમાં વણ્યો.
સેવાની ભાવના પાછી વજ્ર જેવી દઈ કરી,
વિતાવ્યો કાળ આત્માને શાંતિ અક્ષય શી ધરી.

Add comment

Security code
Refresh

Today's Quote

Violence can only be concealed by a lie, and the lie can only be maintained by violence.
- Solzhenitsyn

prabhu-handwriting