મંગલ ભારતના ધ્વજ હે !
વંદન તુજને શતશત હે ! ... મંગલ.
પ્રતીક રાષ્ટ્રતણા ભાવોના,
આશા-શ્રધ્ધાના સંગમ હે !
પુરુષાર્થતણા પ્રેરક પૂરા,
આકાંક્ષાના અવતાર જ ને ! ... મંગલ
ગૌરવ તારું જાળવવાને,
આપ્યા ભોગ અનેક જને,
વિજયી કર્યો તને અંતે તો,
વિજય રહેજો યુગયુગલગ એ ! ... મંગલ
માનવને દે દિવ્ય પ્રેરણા,
પ્રાણતણા નિશદિન પ્રેરક હે !
ભેદભાવ ભૂલીને સૌયે,
તુજ પાસે હો એકત્રિત કે ... મંગલ
અખંડ સાક્ષી આઝાદીના !
જડના જીવન કે ચેતન હે !
સ્નેહ શાંતિ ને શુચિતા કેરા,
શૂરતાતણા તીર્થ પરમ હે ! ... મંગલ
ઉર્ધ્વ રહેજે રોજ સ્વમાની,
મંત્ર મહા ધરજે મંગલ ને,
મહિમા તારો સાચવવાને,
તન મન અર્પણ કરીયે સહુયે ! ... મંગલ
- શ્રી યોગેશ્વરજી