Text Size

પ્રાણાયામ સંબંધે

વડોદરા,
તા. ૧૨ ડીસે. ૧૯૪૦

ભાઈ,

પત્ર મળ્યો. પત્ર લખવાનો વિચાર તો ક્યારથી હતો પણ એક કામ હાથમાં લીધેલું તેનું પરિણામ જણાય તો તે જણાવતો પત્ર લખવો એવી ઈચ્છા હતી એટલે આટલી વાર થઈ છે. હજી તે ઈચ્છા ફળી નથી. છતાં પત્ર લખું છું. આ સાથે થોડા દિવસ પહેલાં પત્ર લખ્યો હતો તે પણ બીડું છું. તારીખ વાર વાંચશો.

અરવિંદને ત્યાં જવાનો વિચાર હતો પણ અમુક ભાઈ તરફથી જાણવા મળ્યું કે તે પોતે ત્યાં જવા ઈચ્છાનારાઓને ઉત્તર આપે છે, એટલે તેના પત્રની રાહ જોઉં છું.

અરવિંદના પત્રનો ઉત્તર હજી નથી. ગયે રવિવારે મેં ફરી પત્ર લખ્યો છે. પંદરમી સુધીમાં પત્ર આવવો જોઈએ. ઈશ્વર સિવાય જગતમાં મેળવવા જેવી બીજી વસ્તુ જ નથી. ખરું કહીએ તો જગત એક ભુલભુલામણી છે. કો'ક તેમાં આવીને પૈસા પાછળ પડે છે ને કો'ક કીર્તિની જાળમાં જકડાય છે. કો'ક સ્ત્રી ને વૈભવ, કો'ક ભોગ કે વ્યવહાર, ને કો'ક જ્ઞાન કે પ્રજ્ઞામાં ડૂબે છે. ઈશ્વરને સહુ કોઈ વિસરી જાય છે. મેં એ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો નિશ્ચય કર્યો છે. નિશ્ચય ઘણા વખતથી હતો પણ હવે તો તેના દર્શન વિના બીજા દરેક કાર્યને હું બાજુએ મૂકવા માગું છું. તેના મળ્યા વિના મને ચેન પડવાનું જ નથી. હમણાં દિવસો બહુ જ તાલાવેલીભર્યા જાય છે. જેને ઈશ્વરની પાછળ જવું છે તેને જંપવાનું હોય ખરું કે ? ઈશ્વર એ કાંઈ બજારુ વસ્તુ નથી. એને માટે મહાન ભોગ આપવો પડે છે. પણ તેમાં જ ખરી મજા છે. ધ્યાન ધરું છું તથા ખૂબ પ્રાર્થના કરું છું. ભણવાનું છોડી દેવાયું છે. ઈશ્વર આગળ ‘ભાખરીના ભણતર’ની શી વિસાત હોય ? માતા જ બધે આંખ આગળ આવે છે ને તેના વિના કોઈ વસ્તુ મારે મેળવવી નથી. કવિતા લખાય છે પણ એય ઠીક છે. બનતો સમય ધ્યાનમાં જ ને આરાધનામાં જ જાય છે. અરવિંદની પાસે જવામાં મહાન હેતુ છે. એનો ઉત્તર આવે પછી વાત.

પ્રાણાયામ સંબંધી પૂછ્યું તે માટે કહું છું કે મેં સૂચવેલી રીત બંધ કરવી. તેવા પ્રાણાયામ માટે માર્ગદર્શકની જરૂર છે. હવેથી આ ક્રિયા કરજે. પદ્માસન વાળીને બેસવું. ત્યાર પછી જમણું નાક બંધ કરી ડાબા નાકથી શ્વાસ અંદર ખેંચવો ને બહાર કાઢવો. આ ક્રિયા જેમ દીર્ઘ થાય તેમ સારું. શ્વાસ ભરતી વખતે જાણે આખા વિશ્વનો શ્વાસ ભરી લેતા હોઈએ એવી ભાવના કરવી. એક નાકથી આમ કરાય-લગભગ દસેક વાર પછી બીજા નાકથી તેમ કરવું. આ પહેલી ક્રિયા. આને નાડીશોધન કહે છે. આપણે મળીશું ત્યારે વધારે કહીશ ને પ્રત્યક્ષ બતાવીશ. સૂર્યોદય પહેલાં અથવા સૂર્યાસ્ત સમયે આ ક્રિયા કરવી. ધ્યાન કરતા રહેવું. શિવ, કાલી કે કોઈ પ્રિયની મૂર્તિનું ધ્યાન ધરવું. નહિ તો શૂન્યમન કરી દેવું.

પોંડીચેરી જવાનું થશે. કેમકે ઈશ્વર હવે મારી પાસે આવવાનો છે. નહિ તો બીજું સ્થાન મળશે, જે ઋષિકેશ તરફ છે. ગમે તેમ, સાક્ષાત્કાર એ જ મારું આજનું ધ્યેય છે.

આર્થિક મુશ્કેલીઓ આપણા જેવાને આવે જ. પણ તેથી છેક નિરાશ થવું નહિ. મારે જી. ટી. બોર્ડીંગ છોડવી પડેલી છતાં પણ તે વખતનો મારો પત્ર કેવો હતો ? શું તેમાં નિરાશા હતી ? મુશ્કેલી જરૂર દૂર થશે. ઈશ્વર પર શ્રદ્ધા રાખો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો. બસ આજ એક મહાન સત્ય છે. સર્વ ધર્મોને આ જ કહેવાનું છે. ઈશ્વર કરતાં સત્ય અને મહાન એવી કોઈ વસ્તુ નથી. તે તમને જે પરિસ્થિતિમાં મૂકે તેમાં શ્વાસ લો ને તે પણ સંપૂર્ણ શાંતિથી લો. એમ જ માનો કે બધું સારું જ થાય છે. તમારી આજની સ્થિતિ આવતી કાલની ભવ્યતા ને ઉન્નતિ માટે જ છે એ કદી ના ભૂલો. ભલે તમારી પાસે પૈસા ના હોય, ભલે તમારે ખાવા માટે એક રોટલાનો ટુકડોય ના હોય, ભલે તમારા શરીર પર એક ફાટેલું કપડુંય ના હોય, આ સત્યને મનમાં ઘૂંટી દો. સુંદર સ્મિત સાથે એ પરિસ્થિતિને પસાર કરો. આવતી કાલ તમારી જ છે. ભલા, રાત તે કેટલોક કાળ રહી શકે ? તમે નાના છો કે અશક્ત છો કે હીન છો, એવી ભાવના સ્વપ્ને પણ કરતા નહીં. કેમકે તમે મહાન છો, પ્રભુના પુત્રો, અરે, પ્રત્યક્ષ પ્રભુ છો. જો તમે એમ માનશો કે તમે નીચ છો તો તમારી ઉન્નતિ શક્ય જ નથી. સદા ધ્યાનમાં રાખો કે તમે પ્રકાશના પુત્રો, અરે, સ્વયં પ્રકાશ છો. તમે આનંદ છો. પૂર્ણ છો, મુક્ત છો. મૃત્યુને મારવા માટે તમે આ પૃથ્વી પર અવતાર લઈને આવ્યા છો એ કદીય ના ભૂલો. સદા ધ્યાનમાં રાખો કે તમે એ પયગંબરોના પુત્રો છો જેમણે માનવતાની દયા માટે પોતાની જિંદગીને ધૂળ જેમ ગણી હતી. જેમણે દિવસ ને રાત, આંસુ ને સ્મિતની વચ્ચે, એક જ ધ્યેયની ઝંખનાથી પોતાની છાતીને ભરી દીધી હતી. જેઓ પોતે પવિત્ર થયા હતા ને પછી જ બીજામાં પવિત્રતા પ્રસારતા. તમે એ ભૂમિના પુત્રો છો જે ભૂમિ ઋષિઓની ને તપસ્વીઓની, ત્યાગીઓની ને દૈવી ગુણસંપન્ન મહર્ષિઓની છે. જે ભૂમિમાં પોતાના સુખ માટે બનતું છોડી દેવાય છે; ને આત્મ પ્રતિ જવું એ જ મહત્વનું લેખાય છે. આ બઘું જાણીને ચાલવા માંડો. પ્રગતિને પંથે કૂચ કરવા માંડો. આજની સ્થિતિ સારી જ છે, બહુ જ સારી છે, ઈશ્વરે તે તમને ડહાપણપૂર્વક, તમારા આવતીકાલના ઉત્કર્ષને લક્ષમાં રાખીને જ આપી છે એ કદી ન ભૂલો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો.

પેલાં બેન પર મને પૂર્ણ પ્રેમ છે. એ શક્તિનું સ્વરૂપ છે તથા એમની અંદરની અવસ્થા આધ્યાત્મિકતા માટે બહુ અનુકૂળ છે માટે આ લખું છું. બને તો તેમને આ વંચાવવું.

 

પ્રિય બેન,

તમારો અભ્યાસ ચાલુ છે એમ માનું છું. નારાયણ જેવા એક મહાન આત્મા તમારી નિકટ છે તે માટે તમને ધન્ય ગણું છું. પહેલી વાર તમને જોયાં હતાં ત્યારથી જ મારી માન્યતામાં કંઈક પલટો થયો હતો પણ આજે એક વસ્તુ હું તમને કહેવા ઈચ્છું છું. ધ્યાન દઈને સાંભળશો ને બને તો આચરશો.

ભારત એ એવો દેશ છે જેની અંદર ગાર્ગી ને મૈત્રેયી, સીતા ને સાવિત્રી જેવી પુત્રીઓ ઉત્પન્ન થઈ છે. એમનાં જ નામ ભારત જાણે છે. ખરું કહીએ તો ભારતની સંસ્કૃતિ હજી એવી માતાઓથી જ ટકી રહી છે કેમકે એવી જ માતાઓએ વિવેકાનંદ ને રામકૃષ્ણ જેવા મહાત્માઓને અને ગાંધીજી જેવા મહાપુરુષને જન્મ આપ્યો છે. તમે શું કરો છો ? તમારા દિવસ કેમ પસાર થાય છે ? તમારે ભાવિમાં શું કરવું છે ? સ્ત્રીઓ શું કરી શકે તે હમણાં જ ભગિની નિવેદીતાએ બતાવ્યું છે. આપણે બે વાર ખાઈએ છીએ, પીએ છીએ, ભણાય તેટલું ભણીએ છીએ, ને ફરીએ છીએ. એમાં જ આપણને સંતોષ છે ? નહીં ? તો તો હું તમને સારાં કહીશ, મહાન કહીશ. ખરું જીવન એટલામાં જ નથી, પણ પ્રેમ, શુદ્ધ પ્રેમ, ભ્રાતૃભાવ, અંતરની શાંતિ, સારા વિચારો ને સંયમથી સંપન્ન થવામાં જ છે.

તમે આ સમજો છો ? સમજ્યાં જ હશો. તો પછી હું શી આશા રાખું ? સીતા ને સાવિત્રીની, અહલ્યા ને સંઘમિત્રાની, પવિત્રતા, સાદાઈ ને સંયમની મૂર્તિની, એ સંસ્કૃતિને સાચવનારી તરીકે તમને હું ભાવિમાં જોઈ શકું ? વિલાસથી વેગળી એવી પવિત્રતાની પ્રતિમા તરીકે જોઈ શકું ? હાલ તો એટલું જ.

 

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna

prabhu-handwriting