Text Size

સ્ત્રીશક્તિ

કન્યા વિદ્યાલય, ભાદરણ.
તા. ૧૯ જુલાઈ, ૧૯૪૧

વ્હાલા નારાયણ,

પૈસા માટે ચિંતા કરવી નહિ. તમારી શ્રદ્ધા અડગ હશે ને તમારી આતુરતા સાચી હશે તો ઈશ્વર તમને યોગ્ય માર્ગ બતાવ્યા વિના રહેશે નહીં. જીવનના અનુભવ પરથી આ વસ્તુ હું ખુલ્લે દિલે કહી શકું છું. ભણવાની તીવ્ર ઈચ્છા હશે તો પૈસા તમને ગમે ત્યાંથી મળશે એમા શંકા નહિ. તમારી સ્થિતિ મને જણાવતા રહેશો.    

બ્રહ્મચર્યનું ખંડન થયું તે ઠીક છે. પાત્ર ઉભરાયું એટલે તે છલકાવું જ જોઈએ ને ઉભરાયા પછી શાંત પણ થવું જોઈએ. જેના મનમાં અનેક દુષ્ટ તર્કવિતર્કો છે, જે વ્યવહારથી જ પવિત્ર હોવાનો ડોળ કરે છે ને મનમાં વિષયના વિચારો કર્યા કરે છે, તે ખરે જ પાપી છે. તેના કરતાં વધારે સારો તો એ છે કે જે પવિત્ર હોવાનો ડોળ કરતો નથી ને કામની વેદના અસહ્ય થતાં કર્મેન્દ્રિયો વડે અમુક કર્મ કરે છે. તોય બ્રહ્મચર્ય આપણો મંત્ર હોવો જોઈએ.

દેશમાં(ગામમાં) વિલાસમય જીવનમાં પડ્યા તે જરા દુ:ખાવનારું છે. જીવનની આવી અસ્થિરતા દૂર થવી જોઈએ. જ્યાં સુધી સાચી શુદ્ધિને માટે ઝંખના નહિ જાગે ત્યાં સુધી આ અસાધ્ય જ રહેશે. વાતાવરણની અસર આપણા પર શા માટે થવી જોઈએ એ સમજી શકાતું નથી. વાતાવરણ જો આપણને પતનની ગર્તા તરફ ફેંકવા માંડે તો તેમાં આપણી કચાશ વિના બીજું કંઈ જ નથી. આપણામાં એવી શક્તિ આવવી જોઈએ કે વાતાવરણ આપણામય બની જાય; વાતાવરણના આપણે ગુલામ ન થઈએ. જ્યાં જઈએ ત્યાં અમુક વાતાવરણ પ્રસારી શકીએ એ આપણું બળ હોવું જોઈએ. વિલાસી જીવન ખરાબ છે, તેથી ખરાબ વિલાસી જીવનની ઈચ્છા ને તૃષ્ણા છે. વિલાસ શા માટે હોવો જોઈએ ? જેણે હજારો નગ્ન ને ભૂખ્યા ભિખારીઓને બાબુલનાથના મંદિરના પગથિયે પગથિયે જોયા છે, જેણે અનેક આશ્રયહીન બંધુઓને સવારના પહોરમાં ફુટપાથ પર ઘસઘસાટ ઊંઘતા જોયા છે, તે વિલાસનો વિચાર જ કેમ કરી શકશે ? સ્વામી વિવેકાનંદ પાસે એ વિલાસ હતો-ત્યાં અમેરિકાના ધનાઢ્યને ત્યાં-પણ તે વિલાસની વચ્ચે તેમને ભૂખ્યાં ને દુઃખ્યાં દેશજનોની પ્રતિમાઓ ને તેમની અશ્રુભર આંખો દેખાઈ. તે આંખે તેમની આંખે આંસુ આણ્યાં. આવી દેશદાઝ, આ દેશભક્તિ હૃદયને જો એક વાર સ્પર્શ કરે ને વિલાસના વિચારોમાંથી વૈરાગ્યનું નવનીત જન્મે તો ખરે જ નવો અવતાર મળવાનો. એવો માણસ કોઈ પણ સંજોગોમાં વિલાસી નહિ થવાનો. આ સ્થિતિએ આવવું એ આપણો યત્ન હોવો જોઈએ. અત્યારે યુવાનોએ સંયમ, ત્યાગ ને તપસ્યા શીખવાની ખાસ જરૂર છે. હું પોતે અહીં એક શેતરંજી, એક આશીકુ, શાલ, એક ધોતિયું ને બે ખમીસ રાખું છું. આજે ૨૪ દિવસ થયાં મગફળી ને ગોળ પર રહું છું. બોર્ડીંગમાં પ્રાર્થના ચાલે છે. વિદ્યાર્થીઓ આસન શીખે છે. છતાં પવિત્રતા પરનું મારું લક્ષ તેવું જ અગત્યનું છે.

એક વસ્તુ વિશેષ કહું. બેન પ્રીવિયસ થાય કે બી. એ. થાય; એમ. એ. થાય કે અહીં જ અટકી જાય; એ વસ્તુ મારી દૃષ્ટિએ વિશેષ મહત્વની નથી. એથી બહુ રાજી થવાનું છે નહીં. બેન પોતાનું સ્ત્રીત્વ કેવી રીતે સાચવી ને વિકસાવી શકે છે તે પરથી જ તેમના વિષે મત બાંધી શકાય. હું એમ સાંભળું કે બેન ત્યાં રહીને પણ પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે; હું એમ વાંચું કે કોલેજના અભ્યાસ સાથે પણ બેનનું આત્મ-પરીક્ષણ ચાલુ છે, તો જ મને સાચો આનંદ થાય. બેન એ એક સ્ત્રી છે; તેમનામાં સ્ત્રીત્વ છે, તે કુમારી છે ને તેથી સવિશેષ પવિત્ર છે - એ પવિત્રતાની ફોરમ બેનમાંથી કેટલે અંશે ફેલાય છે એ જ એમના પર રાજી થવાનું કારણ હોઈ શકે. બેન કદાચ બી. એ. થશે પણ ગૃહકાર્ય વિસરી તો નહિ જાય ને ? કદાચ બેન કોલેજનો અભ્યાસ જારી રાખશે પણ તે પોતાના હૃદયના ગુણોને કેળવવાનો પ્રયત્ન તો ચાલુ જ રાખશે ને ? આજે સ્ત્રીનું શરીર-કુમારીનું શરીર-લાકડી જેવું જ રહ્યું છે; અમારી આજુબાજુ કેટલીય કુમારી-દેવીઓ ફરે છે; તેમનાં શરીર સ્વસ્થ નથી; મન જોઈએ તેટલાં મહાન ને સ્થિર નથી-અલબત્ત, તેઓ નિર્મળ ને નિર્દોષ છે. પણ આ વખતમાં શારીરિક શક્તિ એ છેક નાખી દેવા જેવી વાત નથી એ સમજી લેવું જોઈએ. એ શક્તિને વિકસાવવા માટે પ્રયત્ન થવો જોઈએ.

બેનોએ કોઈ વાત ધ્યાનમાં રાખવાની હોય તો તે તેમની જવાબદારીની છે. સ્ત્રીઓ રાષ્ટ્રની માતા છે એ સંપૂર્ણ સત્ય છે. સ્ત્રીઓએ જો આવતીકાલના રાષ્ટ્રને ઉન્નત બનાવવું હોય તો તેમણે પોતે ઉન્નત ને સંસ્કારવાન બન્યા વિના છૂટકો નથી. જેને સેવા કરવી છે તેને પણ આ જ નિયમ લાગુ પડે છે. બહારની ટાપટીપ કદાચ આજની સંસ્કારિતાનો નમૂનો ગણતો હશે પણ એના જેવો સ્વચ્છંદતાનો નમૂનો ભાગ્યે જ મળશે. અત્યારના અનેકવિધ પ્રવૃત્તિશીલ યુગમાં આપણે સીતાને કે સાવિત્રીને, દ્રૌપદીને કે અહલ્યાને જરાય વિસરી શકીશું નહીં. બેનને અપરિણિત રહેવાનો જે અવસર મળ્યો છે તે તેવી પવિત્ર મૂર્તિનું પ્રતીક બનવા માટે જ મળ્યો છે એમ માનવું પડશે ને કોઈ પણ કાળે એનો અંશ પણ બેનમાં ઉતરે તો આપણને જે આનંદ થશે તે તેમના કોલેજના પ્રવેશના કરતાં અનેક ગણો વધારે ને સાચો હશે.

 

Today's Quote

Not everything that can be counted counts, and not everything that counts can be counted.
- Albert Einstein

prabhu-handwriting