Text Size

ઈશ્વરદર્શન માટેની તાલાવેલી

પ્રશ્ન : પ્રભુના દર્શન થતાં નથી એટલે કોઈકવાર એમ થાય છે કે ચાલો આપઘાત કરી દઈએ. એમ કરવાથી પ્રભુના દર્શન મળે ?
ઉત્તર : ના. એ વિચાર ભૂલભરેલો છે. પ્રભુના દર્શન તો નિત્યનિરંતર ભજન કરવાથી જ મળશે. આવું નિરંતર ભજન કરવાથી મનના મેલ ધોવાઈ જશે. હૃદય શુદ્ધ થઈ જશે ને પછી તેમાં પ્રભુનો પ્રેમ પ્રકટશે. આવો પ્રેમ જાગશે ત્યારે પ્રભુ દૂર નહિ રહે. આ પ્રેમ જાગ્યો નથી ત્યાં લગી જ બધી ચિંતા છે ને માણસ પ્રભુથી દૂર છે. સંસાર નાશવંત છે, માટે તેમાં પ્રીતિ શું કામની ? એક પ્રભુ જ અમર છે. તેને જ પ્રેમ કરવામાં સાર્થકતા છે. તેને મેળવવાથી જ માણસ અમર બની શકે. એમ સમજી સંસારના વિષયોની મમતા ને રાગવૃત્તિ દૂર કરી દેવી જોઈએ. જ્યાં લગી ઈન્દ્રિયના વિષયોમાં ને સંસારના પદાર્થોમાં રસ છે ત્યાં લગી પ્રભુપ્રેમ ને પ્રભુ ક્યાંથી મળે ?

પતિવ્રતા સ્ત્રીની જેમ તમારું મન કાં તો પ્રભુને કાં તો સંસારને - એ બંનેમાંથી કોઈ એકને જ તમે આપી શકો. એવા પરમ પ્રેમથી જ પ્રભુ મળે છે. તે પ્રેમ જગાવવાનો પ્રયાસ કરો. તે પ્રેમની આડે જે બુરાઈ કે દુષ્ટ વૃત્તિઓ આવે છે, તેમનો ઘાત કરો. તમારા શરીરનો ઘાત કરશો નહિ. શરીરનો નાશ કરશો, તો પ્રભુ તો નહિ મળે. પણ આત્મઘાત કરવાનું કે દુષ્કૃત્ય તમારા હિસાબમાં ઉમેરાશે તે નફામાં. તે કૃત્ય કે પાપની સજા ભોગવવા વળી તમારે ફરી જનમ લેવો પડશે ને પ્રભુ કાંઈ એમ ડરીને દર્શન દઈ દે એમ છે ? તો તો આખી દુનિયા તેને આપઘાતના ધમકી આપીને ડરાવવા મંડી જાય. શ્રદ્ધા રાખો ને પુરૂષાર્થ કરો. તમારો ભજનરૂપી ભાર પ્રભુ માથે નહિ રાખે. તમારા ભજનનું સત્કૃત્ય અફળ નહિ જાય. તેનો પૂરેપૂરો હિસાબ પ્રભુ ચૂકવી દેશે. પણ તે ભજન આ શરીર દ્વારા જ કરવાનું છે. માટે નિરાશ થઈને શરીરને ફગાવી દેવાનો વિચાર સરખો ન કરતાં. જ્યાં લગી પ્રભુપ્રાપ્તિ નહિ થાય ત્યાં લગી જન્મ-મરણનું ચક્ર ચાલુ જ રહેવાનું છે. માટે આ જ શરીરથી પ્રભુને માટે બને તેટલું સાધન કરી લો. તેમાં નિરાશ થયે નહિ ચાલે.

પ્રશ્ન : તો પછી આટલું આટલું ભજન કરીએ છીએ તો પણ પ્રભુ કેમ નથી મળતા ?
ઉત્તર : તમારા મનથી તમે જે ભજનને વધારે માનો છો તે ખરેખર વધારે છે તેની ખાત્રી શું ? પ્રભુના ઘરમાં સાચો હિસાબ છે. જ્યારે એક બુરા કર્મનો પણ હિસાબ થાય છે ને તેનું ફળ જરૂર મળે છે, તો પછી તમે તો ભજન કરો છો. ભજન ભગવાનને પ્રિય છે. એટલે ભગવાનને માનીતું એવું કામ તમે કરો છો. તો તેનું ફળ તમને ના મળે તેમ બને જ નહીં. માટે ઉતાવળા ના થશો.

ભગવાનની ન્યાયકારિતા પર વિશ્વાસ રાખી ભજન કર્યાં જ કરો. પહેલાં તમે કેવાં કર્મ કર્યાં છે તે ખબર છે ? તમારું ભજન તમારા પહેલાનાં બૂરા કર્મને ધોવામાં ખપી જતું નહિ હોય તેની શું ખાત્રી ? તમારાં બધાં જ દુષ્કર્મો ધોવાઈ જશે, ને તે પછી ભજનના પુણ્યનું પલ્લું નીચું નમી રહેશે, ત્યારે તમને પુણ્યના ફલરૂપ પ્રભુનું દર્શન થશે. આજનું તમારું ભજન તો હજી તમારાં પહેલાંનાં ખરાબ કર્મોને ધોવામાં જ વપરાઈ જાય છે, માટે હિંમત ના હારો. હવેના જીવનમાં કોઈ ભૂલ ના કરો, ને ભજન- પ્રભુનું સ્મરણ ને ધ્યાન ખૂબ વધારો. જ્યારે પરિપક્વ સમય આવશે ત્યારે પ્રભુ તમને જરૂર દર્શન દેશે. ત્યાં લગી તમે પ્રભુને માટે યોગ્ય નથી થયા એમ જ માનો ને આગળ વધો. બીજ નાખીએ છીએ, તેનું ફળ કાંઈ એક જ દિવસમાં નથી મળતું. તેનું ખૂબ જતન કરવું પડે છે ને ધીરજથી રાહ જોવી પડે છે. તેવું જ પ્રભુના ભજનનું છે. માટે માનો કે પ્રભુ નથી મળતા તેનું કારણ તમારા ભજનની કમી છે.

ને ભજન ભાવથી થવું જોઈએ. આ ભાવ વિકારશીલ ને ચંચલ ચિત્તમાં ઊઠી શકે નહીં. માટે ભજનની સાથે સાથે ભાવ જગાવવા તરફ પણ ધ્યાન રાખો. આ ભાવ જ્યારે જાગશે ત્યારે તમારો બેડો પાર થઈ જશે. પ્રભુના દર્શન માટે દિલ છટપટાશે. તે વિના તમને ગમશે નહીં, ત્યારે તમારું કામ થઈ જશે. તે વખતે તો પ્રભુનું પ્રેમપૂર્વક લેવાયેલું એક જ નામ, ને તેને પાડેલો ભાવભીનો એક જ પોકાર, તમારું કામ કરી દેશે. તમે ઘણું ભજન કરો, દિનરાત જપની ગણતરી કરીને લાખ કે કરોડની સંખ્યા પર પહોંચી જાવ, તે એટલું કીમતી નથી. પરંતુ થોડું છતાં નક્કર ને સાચા ભાવનું સ્મરણ કરો તેની જ કિંમત છે. દ્રૌપદી અને ગજ આનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માટે ભાવપૂર્વક ભજન કરવા ઉપર ખૂબ ધ્યાન રાખો. ભજન કરતાં કરતાં જો નિરાશા થઈ તો બધી જ બાજી ભાંગી ગઈ એમ માનજો. નિરૂત્સાહ કે નિરાશા સાધકને માટે કલંક છે, શત્રુ છે. તેનાથી દૂર જ રહેવાનું છે.

એક ઠેકાણે બે સાધુ ભજન કરતા હતા. ત્યાંથી નારદજી નીક્ળ્યા. પહેલા સાધુએ નારદજીને જોયા ને તેમનો સત્કાર કર્યો. નારદજીએ કહ્યું, 'હું વિષ્ણુલોકમાંથી આવું છું.’ વિષ્ણુલોકનું નામ સાંભળી સાધુ હરખમાં આવી ગયો. 'તો પછી મને પ્રભુનાં દર્શન ક્યારે થશે તે વિશે કાંઈ પ્રભુએ કહ્યું છે ?’ નારદજી કહે, 'હા, અત્યારે તમારી જ વાત ત્યાં થતી’તી. પ્રભુએ કહ્યું છે કે જે ઝાડ નીચે બેસી તમે ભજન કરો છો તે ઝાડનાં પાંદડા જેટલા વરસો વીતી જશે ત્યારે તમને દર્શન થશે.’ આ સાંભળી સાધુ તો આનંદમાં આવી ગયો. 'વાહ ! મને પ્રભુ દર્શન થશે તો ખરું ને ?’ એમ કહી તે આનંદમાં આવી નાચવા માંડ્યો.

ત્યાંથી નારદજી બીજા સાધુ પાસે ગયા. ત્યાં પણ એવી વાત થઈ. પણ તે સાધુ તો છેક નિરાશ થઈ ગયો. ઝાડના પાંદડા જેટલા વરસ પૂરાં થાય ત્યારે મને પ્રભુદર્શન થશે ? એ તો બહુ લાંબુ થયું ! તેના હોશકોશ ઊડી ગયા ને તેણે ભજન પડતું મૂક્યું.

પહેલો સાધુ તો પ્રેમ-ભજન વધારવા માંડ્યો. ને તેને થોડા જ વખતમાં પ્રભુદર્શન થયું ! સાધુ તો અજાયબી પામ્યો. પ્રભુએ કહ્યું, 'નારદજીએ તને કહેલું તે બરાબર હતું, પરંતુ તે પછી તો તેં ભજન ખૂબ વધારી મુક્યું. પહેલાં તું જે ગતિથી ભજન કરતો’તો, તે પ્રમાણે તો તને દર્શન થવાને ખૂબ વાર હતી પણ પાછળથી ભજન વધારી મૂકવાથી મારા દર્શનનો યોગ જલદી મળ્યો, ને મેં તને દર્શન દીધું ! જ્યારે પેલો સાધુ તો નિરાશ થઈ થોડું ભજન કરે છે. એટલે તેને ખૂબ મોડા દર્શન થશે.’

તેમ પ્રભુને માટે ઉત્સાહ રાખી ભજન કરવા તરફ લક્ષ રાખો તો તમને પણ પ્રભુની કૃપા સત્વરે મળશે.

Today's Quote

That man has reached immortality who is disturbed by nothing material.
- Swami Vivekanand

prabhu-handwriting