Text Size

ગોદાવરી માતાનો મેળાપ

શિરડી જનારા યાત્રી સાકોરીની મુલાકાત પણ લે જ છે એવું નથી હોતું. તો પણ અધિકાંશ યાત્રીઓ સાકોરીના દર્શનનો લાભ લેતા હોય છે. શિરડી તથા સાકોરી વચ્ચે ભૌગોલિક અથવા ભૌતિક અંતર અતિશય અલ્પ છે તેવી રીતે અધ્યાત્મિક અંતર પણ અધિક નથી. સાકોરીનું પુણ્યક્ષેત્ર શિરડીના જ અલૌકિક બીજમાંથી અંકુરિત થયેલું છે. સાકોરી આશ્રમના મૂળ સ્થાપક સંતશિરોમણિ ઉપાસની મહારાજ સાંઈબાબાની પ્રેરણાશક્તિથી જ આધ્યાત્મિક અભ્યુત્થાનના ક્ષેત્રે આગળ વધી શકેલા એ નિર્વિવાદ છે. એમની દ્વારા સાંઈબાબાની કૃપા જ કામ કરી રહેલી.

કહે છે કે ઉપાસની મહારાજને એમના સાધનાકાળ દરમિયાન એકવાર પ્રાણાયામના અભ્યાસમાં કોઈક ભૂલ થવાથી માનસિક અસ્થિરતા થઈ. એને મટાડવા માટે એમણે કેટલાય પ્રયત્નો કર્યા, ઉપચારોનો આધાર લીધો, પરંતુ સફળતા ના મળી. મગજની અસ્થિરતા ના મટી. સંતોના સમાગમનું પણ ધારેલું પરિણામ ના આવ્યું. એવી પરિસ્થિતિમાં એ પૂર્વસંસ્કારોને વશ થઈને એકવાર અચાનક શિરડી આવી પહોંચ્યા.

સાંઈબાબાએ એમને થોડેક દૂરથી જોયા એટલે એમની અકળ લીલાપદ્ધતિને અનુસરીને તરત જ એક પથ્થરનો ટુકડો લીધો અને એમના માથા પર નાખ્યો. એ ટુકડો એમના માથા પર વાગ્યો કે તરત જ એમનો દીર્ઘકાળનો મગજનો દુઃખાવો અને માનસિક અસ્થિરતા બંનેનો અંત આવ્યો.

એ અભૂતપૂર્વ અલૌકિક ચમત્કારથી ઉપાસની મહારાજ અત્યંત આશ્ચર્યચકિત બની ગયા, સાંઈબાબાનાં ચરણોમાં પડ્યા, અને એમના શિષ્ય થયા.

સાંઈબાબાની સૂચના પ્રમાણે થોડાક સમય સુધી શિરડીમાં રહીને એકાંતિક સાધના કર્યા પછી એ અસાધારણ અનુગ્રહપ્રાપ્ત મહાપુરુષે સાકોરીમાં વાસ કર્યો.

સાકોરીના આધુનિક આશ્રમનું બીજારોપણ ત્યારથી થયું એવું કહીએ તો એમાં કશી અતિશયોક્તિ નહિ થાય.

ઉપાસની મહારાજના લોહચુંબકીય અસાધારણ વ્યક્તિત્વને લીધે વખતના વીતવાની સાથે એમની આજુબાજુ પ્રશંસકો, જિજ્ઞાસુઓ અને ભક્તોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં. એમની સુવાસ સર્વત્ર ફેલાવા લાગી. આશ્રમનો વિસ્તાર દિનપ્રતિદિન મંદ છતાં પણ મક્કમ ગતિએ વધવા લાગ્યો.

ઉપાસની મહારાજની સેવામાં ગોદાવરીમાતા છેક જ નાની ઉંમરથી જોડાયાં અને એમની અસાધારણ યોગ્યતાને લીધે એમનાં પટ્ટશિષ્યા બની રહ્યાં. એમના પૂર્વસંસ્કારો એટલા બધા પ્રબળ હતા કે એ ઉપાસની મહારાજનાં પરમપ્રેમાસ્પદ અને કૃપાપાત્ર બની ગયાં.

ઉપાસની મહારાજના લીલાસંવરણ પછી એ આશ્રમનાં મુખ્ય સંચાલિકા અથવા અધ્યક્ષ બન્યાં. એમના અનેક ભક્તો તથા શિષ્યો થયા. ઉપાસની મહારાજના નામને ને કામને એમણે યોગ્ય રીતે જ રોશન કર્યું. ભારતની મહાન સાધ્વીઓમાં એમની ગણના થવા લાગી. નારીએ જીવનને ઉજ્જવળ કરી, નારીત્વને દીપાવીને, નારાયણી રૂપ ધારણ કર્યું એવું કહીએ તો ચાલે. એવી સન્નારીઓ ઘણી ઓછી, અત્યંત વિરલ હોય છે.

અમે સાકોરી પહોચ્યાં ત્યારે ગોદાવરી માતા ત્યાં જ હતાં. એમના કોઈક ભક્ત દ્વારા અમારા આગમનના સમાચાર સાંભળીને એમણે પ્રસન્નતા પ્રદર્શિત કરી.

થોડીવારમાં એ એમના આવાસમાંથી બહાર આવ્યાં. એમનું સ્વરૂપ શાંત, નિર્વિકાર અને પ્રસન્ન દેખાયું. એમનું શરીર ભરાવદાર હતું. એની આરપારથી આત્માની આભા પ્રગટતી. એમણે પીળા રંગની સાડી પહેરેલી. એમનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું.

એમણે એમના શિષ્યા મારફત જણાવ્યું કે તમને મળીને મને આનંદ થયો.

મેં પણ એમને એ જ પ્રમાણે જણાવ્યું : તમારા દર્શનથી અમને પણ અતિશય સંતોષ અને આનંદ થયો છે. આ સ્થાન ખૂબ જ સાત્વિક, શાંત, સુખમય છે. તમારું વ્યક્તિત્વ પણ એટલું જ આકર્ષક અને આહલાદક છે.

એ સહેજ પણ વિચલિત થયા સિવાય સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક ઊભા રહ્યાં.

એમની આજુબાજુ દર્શનાર્થીઓ એકઠા થઈ ગયાં. એ અદ્દભુત પ્રેરણાત્મક દૃશ્યને જોઈને એ સૌ સ્વાભાવિક રીતે જ પ્રભાવિત તથા ભાવવિભોર બની ગયા. એવું દૃશ્ય કોઈક ધન્ય ક્ષણે ધન્ય સ્થળે જ જોવા મળે છે.

ગોદાવરી માતાએ એમની શિષ્યાને કહીને મને પોતાના સ્નેહ ને સદભાવના પ્રતીકરૂપે પુષ્પહાર પહેરાવ્યો.

એમની નમ્રતા, નિખાલસતા, નિર્દોષતા અસાધારણ હતી.

એમણે અમને પ્રસાદ લઈને જવાનું કહ્યું. એને માટે મેં એમને સપ્રેમ સાદર આભાર માનીને જણાવ્યું કે પ્રસાદ તો શિરડીમાં જ પાછા જઈને લેવાનો છે. એને માટેની તૈયારી કરીને જ અહીં આવ્યાં છીએ.

એમણે અકારણ અનાવશ્યક આગ્રહ ના કર્યો.

હું ઊભો રહ્યો ત્યાં સુધી એ પણ ઊભા રહ્યા અને દર્શનાર્થીઓની ભીડ વધતી જ ગઈ એટલે આખરે અમે એમની અનુમતિ લઈને ચાલવા માંડ્યું.

એમની આજ્ઞાનુસાર એમના એક શિષ્યે અમને આશ્રમ બતાવ્યો.

ગોદાવરી માતાની નિરભિમાનિતા તથા સરળતા અમારા સ્મૃતિપટ પર કાયમને માટે અંકાઈ ગઈ.

એમના વિશદ વ્યવહારની સામે અમને શિરડીના સાંઈબાબાના સ્થાનના રિસીવરના વ્યવહારને સરખાવવાનું મન થયું.

શિરડીમાં અમારી સાથેના ભાઈઓને જગ્યા શોધવાની મુશ્કેલી પડી ત્યારે એમણે ઑફિસમાં જઈને રિસીવરને માટે માગણી કરતાં જણાવ્યું કે અમારી સાથે હિમાલયના મહાત્મા આવ્યા છે. તે મહાન તપસ્વી છે.

એમણે ઉત્તર આપ્યો કે સાંઈબાબાથી ઉત્તમ બીજો કોઈ મહાત્મા જ નથી.

એમના એ શબ્દો અહંતા અને અવિદ્યાના સૂચક તેમ જ એકદમ અસ્થાને હતા. એમનામાં સેવાભાવના, ભલમનસાઈ, માનવસહજ વિચારશક્તિ તથા વિવેકનો અભાવ વરતાયો.

શિરડી અને સાકોરીમાં એ દૃષ્ટિએ આકાશપાતાળનું અંતર દેખાયું.

શિરડીમાં અમને જે ઉતારાનું સ્થાન મળેલું તે સાંઈબાબાના અનુગ્રહથી જ મળેલું.

સાંઈબાબા સર્વ પ્રકારના ભેદભાવોથી મુક્ત હતા.

એમના સ્થાનના પ્રબંધકો એ મહામાનવના આદર્શોને અનુસરે એ આવશ્યક છે. એથી સ્થાનની શોભા વધશે.

ઈશ્વરની કૃપાથી અમારી યાત્રાનો આરંભ આહલાદક રહ્યો. ઈશ્વરની કૃપાથી શું નથી થતું ? એ આપણને પળેપળે મદદ કરે છે અને આપણા જીવનપથને સરળ તથા કંટકરહિત બનાવે છે. પરંતુ આપણામાં એટલી શ્રદ્ધાભક્તિ છે ખરી ? આપણે એમના અનુગ્રહને માટે મનોરથ કરીએ કે પ્રાર્થીએ છીએ ? એમના પ્રત્યે અભિમુખ બનતાં શીખીએ તો કેટલો બધો લાભ થાય, કેટલી બધી કલ્પનાતીત સરળતા ને સફળતા થઈ જાય ? આપણામાં એવી સદ્દબુદ્ધિ પ્રગટે ને પ્રગટેલી સદ્દબુદ્ધિ સદ્ધર બને એ આવશ્યક છે.

ઉપાસની બાબાની અભિનવ આવૃત્તિ જેવાં ગોદાવરી માતાને નિહાળીને અસાધારણ આનંદ થયો. એમના ગુરુદેવ શ્રી ઉપાસની બાબાના અલૌકિક અમોઘ અનુગ્રહથી એમનું જીવન જ્યોતિર્મય ને ધન્ય બન્યું છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં થયેલી દિવ્ય સર્વોત્તમ સાધ્વીઓમાં એમનું સ્થાન અગ્રગણ્ય છે.

એમનો મંગલ મધુમય મેળાપ ૧૪ જાન્યુઆરી ૧૯૭૮ના દિવસે થયેલો. એ દિવસ સાચે જ ચિરસ્મરણીય બની રહ્યો.

 

Add comment

Security code
Refresh

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar

prabhu-handwriting