Text Size

ઉટી

કાલડી આદ્ય શંકરાચાર્યના સમયમાં સાધારણ ગામડું હશે પરંતુ વખતના વીતવાની સાથે એનો વિસ્તાર વધી ગયો છે. આજે તો એ આધુનિક સાધનસામગ્રીથી સંપન્ન સરસ શહેર બની ગયું છે. તો પણ આદ્ય શંકરાચાર્યના પ્રાદુર્ભાવસ્થાન તરીકે એની વિશિષ્ટતા એવી જ અખંડ છે. એના પરમાણુઓ પવિત્ર, પ્રાણવાન, પ્રેરક અને અલૌકિક છે. એ પરમાણુઓનો અનુભવ એની અંદર પ્રવેશનાર, વિચરનાર તથા વસનારને પોતપોતાની યોગ્યતા પ્રમાણે થયા વિના નથી રહેતો.

કાલડીનું દર્શન ખૂબ જ પ્રેરક અને આનંદદાયક રહ્યું. ભારતમાં અનેક પ્રજાજનો એવાં પણ મળે છે જેમને એ અદ્દભુત ઐતિહાસિક સ્થાનની માહિતી પણ નથી; જે તીર્થયાત્રાએ નીકળે છે તો પણ પોતાની યાત્રામાં એક અગત્યના તીર્થ તરીકે એની ગણના પણ કરતા નથી. એ એક અત્યંત અગત્યના સ્થાનવિશેષના દર્શનથી વંચિત રહી જાય છે.

કાલડીથી અમે ઉટી તરફ પ્રયાણ કર્યું.

દક્ષિણ ભારતનો સમસ્ત પ્રદેશ ધનધાન્યથી સુંદર સરિતાઓ, જળાશયો અને પર્વતમાળાઓ, વિશાળ વૃક્ષરાજિથી ભરેલાં મેદાનો તેમ જ ઘટાદાર વૃક્ષોથી વીંટળાયેલા સરસ માર્ગોથી મંડિત હોવાથી ખૂબ જ ચિત્તાકર્ષક, હૃદયંગમ, રસમય લાગે છે. એ પ્રદેશના પ્રવાસથી મન કંટાળતું નથી. પદે પદે અવનવાં આનંદદાયક દૃશ્યો આવ્યાં જ કરે છે.

ભારતના બીજા ભાગો કરતા ત્યાં જમવાનું આજે પણ પ્રમાણમાં સસ્તું છે.

જુદાં જુદાં દૃશ્યોને નિહાળતાં અમે વિશાળ પર્વતમાળા પાસે પહોંચી ગયાં. ઉટી પર્વત પર હોવાથી હવે અમારી મોટરો મેદાની પ્રદેશને મૂકીને પર્વત પર ચઢવાની હતી.

પર્વતનું અને એમાંય આકાશને અડવાની હરીફાઈ કરનારા ઉત્તુંગ પર્વતનું દર્શન સદાય આનંદજનક લાગે છે. દક્ષિણના પર્વતોમાં હિમાલયના હિમાચ્છાદિત પ્રચંડ પર્વતો જેવી છટા તથા કથા નથી. એવી અનેકવિધતા અથવા અનેકરૂપતા પણ નથી દેખાતી. તો પણ એમની પોતાની આકર્ષકતા, હૃદયંગમતા, કથા અને આગવી વિશેષતા છે, એનો ઈન્કાર નથી કરી શકાય તેમ. દક્ષિણની પર્વતમાળાઓમાંથી પસાર થતી વખતે કેટલીકવાર તો આપણને હિમાલયના પાવન, કુદરતી સૌન્દર્યથી સભર પ્રદેશમાંથી પસાર થતાં હોઈએ એવું જ લાગે છે. એ પર્વતમાળાઓ પણ છે તો અનોખી. એમનું સૌન્દર્ય અનુપમ છે.

મોટરો વિશાળ ગીચ યુકેલિપ્ટસ વૃક્ષો વચ્ચેથી નીલગિરીની પર્વતમાળાની દિશામાં આગળ વધી. પર્વતમાળા સામે જ દેખાવા માંડી. વચ્ચે થોડોક વરસાદ પડ્યો. મેઘરાજાએ જાણે કે અમારું સ્નેહપૂર્ણ સ્વાગત કર્યું.

ઉટીના માર્ગમાં વચ્ચે કુનૂર આવ્યું. પર્વતની ગોદમાં વસેલું તથા વિસ્તરેલું કુનૂર માતાના ખોળામાં બેઠેલા બાળક જેવું શાંત અને આકર્ષક લાગે છે. ત્યાંથી આગળ વધતી વખતે અમારી મોટર બગડવાથી અમારે કુનૂર નગરમાં દૂર સુધી પ્રવેશ કરવો પડ્યો. એ પ્રવેશ આકસ્મિક અને અંધકારની વચ્ચે પ્રકાશતી લાઈટની હારમાળા સાથે થયો હોવા છતાં અવનવા અનુભવવાળો અને આહલાદક હતો. નગરની સુંદરતા દિવસ કરતાં રાતે ઓછી અનોખી નથી હોતી.

ઉટીનો મોટરમાર્ગ ખૂબ જ રળિયામણો લાગે છે. એ માર્ગે વિશાળ વૃક્ષો તથા લીલીછમ ગગનચુંબી ગિરિમાળાઓ આવે છે. ક્યાંક વળાંક લેતી તો ક્યાંક સીધી ચાલતી મોટરો પર્વતીય પ્રદેશની પરિક્રમા કરતી આગળ વધે છે. ઉટી સમુદ્રસપાટીથી આશરે સાત હજાર ફીટની ઉંચાઈ પર આવેલું છે. પર્વતની નીચેથી પ્રવાસનો પ્રારંભ કરતી મોટરોને એટલે ઉપર ચઢવું પડે છે. એ અનુભવ અનેરો હોય છે.

ઉટીમાં અમે નટરાજ હોટલમાં ઊતર્યા. એ હોટલ શહેરની એક તરફ ઊંચાઈ પર હોવાથી શાંત અને સુંદર હતી. આજુબાજુ સુંદર પર્વતમાળા દેખાતી. શિયાળો હોવાથી પ્રવાસીઓની ભીડ જરા પણ નહોતી દેખાતી. ઠંડી સારા પ્રમાણમાં હતી.

યાત્રા દરમિયાન દરરોજ વહેલી સવારે અને રાતે સમૂહપ્રાર્થના, ધ્યાન તેમજ સત્સંગનો કાર્યક્રમ ચાલતો. એને લીધે સૌને સાધનાત્મક માર્ગમાં મદદ મળતી. સૌને સમજાતું અને યાદ રહેતું કે બહારની સ્થૂલ યાત્રાની જેમ જીવનની પણ એક અગત્યની સૂક્ષ્મ મહાયાત્રા છે. એ યાત્રાની શ્રેયસ્કરતાને સતત રીતે યાદ રાખીને એની સફળતા તથા સંપૂર્ણતાને માટે નિરંતર કાર્ય કરવાનું છે. એ યાત્રાને કોઈ કારણે દોષ ના લાગે અથવા એ યાત્રા અધવચ્ચે અટકી ના પડે કે અટવાઈ ના જાય, એને કોઈ પ્રકારનું અનાવશ્યક લાંછન ના લાગે, એનું ધ્યાન રાખવાનું છે. પરમાત્માના પરમપદ, પૂર્ણતા કે મુક્તિના મહાન ગંતવ્યસ્થાન તરફ ગતિ કરનારી એ યાત્રા સમ્યક્ રીતે સુચારુરૂપે પ્રગતિ કરીને સફળ મનોરથ કરે એને માટે સંપૂર્ણપણે સાવધાન બનવાનું છે.

ઉટીની ઠંડીમાં પણ વહેલી સવારનો ધ્યાનનો કાર્યક્રમ અબાધિત રીતે ચાલુ રહ્યો. એ કાર્યક્રમ સાધકને આત્મોન્નતિમાં સર્વ રીતે શ્રેયસ્કર હોવાથી ઠંડી તથા ગરમીમાં, સુખમાં તથા દુઃખમાં, સંપત્તિમાં ને વિપત્તિમાં તાપમાં તથા છાયામાં, લાભમાં અને હાનિમાં, અને પતન તેમ જ અભ્યુત્થાનમાં અખંડ રીતે એકધારો ચાલુ રહેવો જોઈએ.

ધ્યાનના અને સાધનાના ઈતર કાર્યક્રમમાંથી નિવૃત્ત થઈને અમે ઉટીના અવલોકન માટે બહાર નીકળ્યાં.

ઉટીમાં એની સુંદરતામાં અને સરસતામાં વધારે કરતું એક સુવિશાળ સરોવર છે. એને લીધે એની આકર્ષકતા અને આહલાદકતા અનેકગણી વધી જાય છે. સરોવરમાં સુંદર નાનકડી નૌકાઓ ફરે છે. એમની મદદથી પ્રવાસીઓ સરોવરના વિશુદ્ધ વારિમાં વિહાર કરે છે. સરોવરનું અને એની અંદરના અદ્દભુત નૌકાવિહારનું એ આખુંય દૃશ્ય અવિસ્મરણીય છે.

ઉટીનું ઊંચામાં ઊંચું શિખર ૮૬૪0 ફીટની ઊંચાઈએ આવેલું છે. ત્યાંથી આજુબાજુની અનેકવિધ પર્વતમાળાઓને પેખી શકાય છે, એ આ સ્થળની ઊડીને આંખે વળગે એવી વિશેષતા છે. એ શિખર પરથી ક્ષિતિજમાંથી પ્રકટતા સૂર્યનું અને દૂર-સુદૂર પર્વતપંક્તિઓની પાછળ સરકી પડતા સૂર્યનું અવલોકન અવર્ણનીય આનંદ આપે છે. એ અવલોકનથી પવનની લહરીઓ પણ આનંદમાં આવી જાય છે અને પર્વતપ્રદેશના મોકળા મેદાન પર ડોલવા લાગે છે. એ તો ડોલે છે પરંતુ સાથે સાથે દર્શકોના મનને પણ ડોલતાં કરી દે છે.

ઉટીમાં મૈસુર માર્ગ પર જયપુરનરેશનો સુંદર મનહર મહેલ આવેલો છે. પ્રવાસીઓ એના અવલોકન માટે પણ જતા હોય છે. એના અમુક ભાગને ઉતારા માટે પણ આપવામાં આવે છે. અમે એની મુલાકાત લીધી. એ પછી નાનકડા પર્વતીય બજારને પણ જોઈ લીધું.

એ પર્વતીય સ્થળ અમને એકંદરે સારું, આનંદદાયક અને અનુકૂળ લાગ્યું. એની છાપ અમારા પર ઘણી સારી પડી.

એ સમય શિયાળાનો હોવા છતાં ત્યાંની ઠંડીનું પ્રમાણ અસહ્ય કહી શકાય એવું ન હતું. વહેલી સવારે સૂર્યનાં તાજાં ઉષ્માભરેલા કિરણોનો લાભ લેવાની ઈચ્છા થઈ આવતી અને મધ્યાહન સુધી સૂર્યનાં કિરણો મીઠાં લાગતાં એ સાચું, પરંતુ સૂર્યકિરણો વિના પણ સારી રીતે ચાલી શકતું ને ગમતું.

 

Add comment

Security code
Refresh

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting