Text Size

મૈસુર તથા શ્રીરંગપટ્ટનમ્

ઉટીથી મૈસુરનો મોટા ભાગનો માર્ગ પર્વતીય હોવાથી ઘટાદાર વૃક્ષોથી વીંટળાયેલો છે. એ માર્ગ ધાર્યા કરતાં વધારે લાંબો લાગે છે. એનું કુદરતી સૌન્દર્ય જોવા જેવું છે. એનો આસ્વાદ લેતાં અને એ માર્ગને જેમતેમ કરીને પૂરો કરતાં અમે રાતના અંધકારમાં મૈસુર પહોંચી ગયાં.

મૈસુર શહેર સુંદર અને ઐતિહાસિક છે. શહેરમાં મહિષાસુરની મોટી મૂર્તિ છે અને એની આગળ જતાં મહિષાસુરમર્દિની મા ભગવતીનું સુંદર વિશાળ મંદિર આવેલું છે. મહિષાસુરની મૂર્તિ શાંત રીતે સૂચવે છે કે પરમાત્માની પરમશક્તિની અવજ્ઞા કરનારા કુમાર્ગગામી માનવ, માનવ મટીને દાનવ બને છે ત્યારે પોતાનો અને પોતાની સાથે સંકળાયેલાં સૌ કોઈનો નાશ નોતરે છે. માનવની દૃષ્ટિ વરસોથી એ પ્રતિમા પર પડે છે ખરી, પરંતુ માનવે એ પદાર્થપાઠને પોતાના વ્યક્તિગત તથા સમષ્ટિગત જીવનમાં કેટલા અંશે ઉતાર્યો છે એ પ્રશ્ન છે. મહિષાસુર આજે પણ પોતાનો સંદેશો આપતો ઊભો રહ્યો છે.

મા ભગવતીનું મંદિર વિશાળતા તથા શિલ્પકળાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. દક્ષિણનાં કેટલાય મંદિરોમાં એવી પ્રથા પ્રવર્તમાન છે કે એમાં પ્રવેશનારા દર્શનાર્થીએ કેવળ લુંગી કે ધોતિયું પહેરીને પ્રવેશવું પડે છે. સ્ત્રીઓને એ નિયમમાંથી સર્વત્ર મુક્તિ મળી છે. પહેરવેશનો નિયમ કેવળ પુરુષોને જ લાગુ પડે છે.

મા ભગવતીના મંદિરમાંથી બહાર નીકળીને મોટરમાં બેસવાની તૈયારી કરી ત્યારે મોટર પાસે એક સરસ ગાય આવી. એ એની માર્દવભરેલી મધુરી આંખે મારી તરફ જોઈ રહી. એ મા જગદંબાના પ્રતીક જેવી લાગી. એક મા મંદિરમાં મૂર્તિરૂપે વિરાજમાન હતી અને બીજા સ્વરૂપે એ જ જગદંબા જાણે કે આ ગાયના રૂપે હાજર રહેલી. બંનેમાં કશો જ ભેદ ન હતો. અથવા વેદની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે માનું મંદિરની અંદરનું સ્વરૂપ સ્થાવર અને મંદિરની બહારનું સ્વરૂપ જંગમ હતું.

ગાય મારા તરફ કરુણ સ્થિર નેત્રે નિહાળી રહેલી. એ સહેજ પણ હઠતી નહોતી.

આખરે મારા મનમાં એક અવનવો ભાવ કે વિચાર પેદા થયો. એને અનુસરીને મેં એ ગાયના શરીર પર હાથ ફેરવ્યો. એથી પરિતૃપ્તિ પામી હોય એમ એ ગાય પોતાના મુખને ફેરવીને મોટરથી પાછી હઠીને ધીમા પગલે ચાલવા માંડી. દર્શનાર્થી પ્રસન્ન સંતુષ્ટ સ્વરે બોલી ઊઠ્યાં :

જગદંબે માત કી જે ! મા ભગવતી કી જય !

મોટરો થોડેક આગળ વધી. થોડે દૂર ગયા પછી એક વિરાટકાય નંદીની મૂર્તિ આવી. એ મૂર્તિ શ્યામ શિલાખંડમાંથી બનાવવામાં આવેલી. એની શોભા અજબ જેવી હતી.

દક્ષિણ ભારતને વિશાળ, અત્યંત વિશાળ, અતિશય આકર્ષક અથવા સુંદર શિલ્પકળાથી સુશોભિત મંદિરો તથા જળાશયો, સઘન વૃક્ષો, સરસ ખેતરોથી ભરપૂર ભૂમિખંડોનો પ્રશાંત પ્રદેશ કહી શકાય. ત્યાંની સંસ્કૃતિ બાહ્ય આક્રમણથી અલિપ્ત રહી છે એવું નથી કહી શકાતું. ખ્રિસ્તી ધર્મની અસર એ પ્રદેશના કેટલાય વિભાગોમાં દેખાઈ આવે છે. એ અસર સ્વૈચ્છિક અને સમજપૂર્વકની ના હોવાથી એનો ઈલાજ કરવો આવશ્યક છે. ભારતીય સંસ્કૃતિના પ્રેમી, સંરક્ષકો તથા સંદેશવાહકોએ એની ઉપર ગંભીરતાથી વિચાર કરવો રહ્યો.

વૃંદાવન ગાર્ડન, શ્રીરંગપટ્ટનમ્

મૈસુરના અમારા નિવાસ દરમિયાન અમે એક દિવસ સાંજે વૃંદાવન ગાર્ડનની મુલાકાત લીધી.

વૃંદાવન ગાર્ડનનું સ્થાન સુપ્રસિદ્ધ છે. એની પ્રથમ મુલાકાતને વરસો વીતી ગયાં હોવાથી એની સ્મૃતિ ઝાંખી થઈ ગયેલી. એ સ્મૃતિ અભિનવ બની.

વૃંદાવન ગાર્ડન રાતે કરવામાં આવતી રંગબેરંગી લાઈટો તથા ફુવારાઓને માટે પ્રખ્યાત છે. એમનો આસ્વાદ લેવા ત્યાં લોકો ઘણી મોટી સંખ્યામાં ઊમટી પડે છે. ફુવારાઓ તથા લાઈટોની વચ્ચેના પાકા પથ પરથી પસાર થતાં છેવટે રાધાકૃષ્ણની સુંદર મનોહરમંગલ મૂર્તિ પાસે પહોંચાય છે. ત્યાંનું દૃશ્ય ખૂબ જ આહલાદક અને અદ્દભુત લાગે છે. એને અવલોકતાં મન ધરાતું નથી.

વૃંદાવન ગાર્ડનના વિશાળ સરોવરમાં નૌકાવિહાર કરી શકાય છે, અને પગરસ્તે ફરવાનો આનંદ લેવો હોય તો તે પણ લઈ શકાય છે. સરોવરની બીજી બાજુએ રંગબેરંગી લાઈટોનું ને ફુવારાઓનું એક જુદું જ જગત જોઈ શકાય છે.

એની અસાધારણ આહલાદકતાનો આસ્વાદ લઈને અમે એની બહાર નીકળીને હળવો નાસ્તો કર્યો. અંધકારના ઓળા આજુબાજુ બધે જ ઊતરી ચૂક્યા હોવાથી એક તરફ એકાંત શાંત વાતાવરણ જોઈને અમે અમારા નિત્યનિયમને અનુસરીને પ્રાર્થના, ધ્યાન, સંકીર્તન, સત્સંગ કરવા બેઠાં. એવી રીતે કુદરતના ખોળે દોઢેક કલાક આત્મનિજ્જન કરીને આખરે ઉતારા પર પાછા ફર્યા.

મૈસુરથી બેંગ્લોર જતાં શ્રીરંગમ્ પટ્ટનમ્ શહેરમાં ટીપુ સુલતાનનો મહેલ આવે છે. તે પણ દર્શનીય છે. એ મહેલ પુરાતન હોવા છતાં એની કમનીય કલાત્મકતાને લીધે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. કાવેરી નદીના શાંત તટપ્રદેશ પરના એ મહેલને નિહાળીને અમને આનંદ થયો. એના ભૂતકાલીન ઈતિહાસની એકમાત્ર સાક્ષીસરખી નદી અને એની આસપાસની ધરતી ખાટાંમીઠાં કેટલાંય સંસ્મરણોને પોતાના અંતરના અંતરતમમાં ભરીને તથા સુરક્ષિત અથવા અક્ષય રાખીને ઊભી રહી છે. એ બોલતી હોય તો એણે જોયેલી કેટલીય ઘટનાઓને કહી બતાવત.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Inspiration is a guest who does not like to visit lazy people.
- Tchaikowsky

prabhu-handwriting