Text Size

પરગજુ પુરુષ

ભાવનગરમાં માતા જ્યોતિર્મયીએ પોતાના પાર્થિવ તનુનો પરિત્યાગ કર્યો તે પછી સોળેક દિવસ સુધી અમે ત્યાં જ રહ્યાં. રોજ સાંજે ગીતાના સમૂહપાઠનો, ભજનનો, માતાજીને અપાતી શ્રદ્ધાંજલિનો ને પ્રાર્થનાનો કાર્યક્રમ ચાલતો. એ કાર્યક્રમમાં અનેક ભાઈબહેનો ઉપસ્થિત રહેતાં. સૌને ઊંડો આત્મસંતોષ સાંપડતો.

માતાજીના સ્વર્ગવાસ પછી એમના સ્થૂળ શરીરના અવશેષોનો ભરેલો એક કુંભ સુરક્ષિત રાખવામાં આવેલો. મા સર્વેશ્વરીએ એને તૈયાર કરેલો. એ ઉપરાંત એક દિવસે બજારમાં જઈને માતાજી પ્રત્યેના પ્રખર પ્રેમ ને પૂજ્યભાવથી પ્રેરાઈને એ પાંચ નાનાં તામ્રપત્રોને પણ લઈ આવેલાં. માતાજીના ભસ્માવશેષોને એમણે એમાં પણ સાચવી રાખેલાં.

ભાવનગર છોડતાં પહેલાં માતાજીના દેહત્યાગ પછીના લગભગ તેરમા દિવસે અમે એમના અવશેષોના કુંભનું ઘોઘાના સુવિશેષ સમુદ્રમાં વિસર્જન કરવાનું વિચાર્યું. એને અનુસરીને અમે ઘોઘા બંદરે પહોંચ્યા પણ ખરાં. એ વખતે સાંજ પડી ચૂકેલી. થોડીવાર પછી અંધારુ થવાની સંભાવના હતી. ચંદ્રોદયને ઘણી વાર હતી. સમુદ્રમાં ભરતી આવે એવું નજીકના ભવિષ્યમાં નહોતું લાગતું. સમુદ્રનું પાણી ખૂબ જ દૂર હોવાથી ત્યાં સુધી જવાનું બુદ્ધિસંગત, યુક્તિસંગત કે વ્યવહારું નહોતું લાગતું. સમુદ્રમાં ભરતી આવે એની રાહ જોઈને કલાકો બેસી રહેવાનો જ વિકલ્પ શેષ રહ્યો.

સમુદ્રતટ પરની સીધી લાંબી પાળ પરથી પસાર થતાં અમે વચ્ચેના વખતને નિર્ગમન કરવા માટે હાથમાં અસ્થિકુંભ સાથે આગળ વધ્યાં. પાળ પરથી દૂર સુધી જઈને ત્યાં પણ પાણીને દૂર જોઈને કાંઈક અંશે નિરાશ થઈને અમે પાછાં ફરવા માંડ્યાં. તે જ વખતે દેવના દૂત જેવો એક પુરુષ અમારી પાસે આવી પહોંચ્યો. તે ખલાસી જેવો લાગતો'તો. તેણે અમારી વાતને રસપૂર્વક શાંતિથી સાંભળી.

‘સમુદ્રમાં ભરતી ક્યારે આવશે ?’ અમે પૂછયું.

 ‘ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક લાગશે.’ એણે ઉત્તર આપ્યો, ‘કેમ?’

 ‘અમારે આ કુંભનું વિસર્જન કરવું છે.’

એ સમજી ગયો.

એની પરગજુ વૃત્તિ જાગી ગઈ. બળવાન બની.

‘તો પછી વધારે વખત સુધી રાહ જોવી ના હોય તો મારી પાછળ ચાલો. તમને સહેલાઈથી ઠેઠ સમુદ્રના મોજાં સુધી લઈ જઉં. બોલો આવવું છે ?’

એના પ્રસ્તાવને સ્વીકાર્યા સિવાય છૂટકો ન હતો.

અમે એની પાછળ ચાલ્યાં. પાળ પરથી નીચે ઊતરીને આગળ વધ્યાં. રસ્તો કઠિન ને ખૂબ જ લાંબો હતો.

છેવટે સમુદ્રના મોજાં સુધી પહોંચી ગયાં. કુંભનું વિસર્જન કર્યું.

એ પરગજુ પુરુષ અમને અંધારું થતાં પહેલાં એ જ રસ્તેથી પાછાં લાવ્યો. અમે એનો આભાર માન્યો; એને પુરસ્કાર આપવા માંડ્યો. એણે એનો સહર્ષ સહજ અસ્વીકાર કર્યો.

કહ્યું : ‘કોઈને કામ આવવું, ઉપયોગી થવું, એ મારી ફરજ છે. એના પાલનથી મને સંતોષ મળે છે. તેના બદલામાં કશું લેવાનું ના હોય.’

કેવી ઉદાર ભાવના ! એક સાધારણ દેખાતા માનવીની કેવી ઉચ્ચ માનવતા ! કેવી અદ્દભુત પરહિતપરતા !

એ પરગજુ પુરુષની સ્મૃતિ કાયમ રહેશે. એને જાણે ઈશ્વરે જ મોકલેલો અમને મદદ કરવા માટે.

રણમાં વનસ્થલી જેવા, અંધકારમાં જ્યોતિ જેવા, સંતપ્ત સૂકી સડક પરની પરબસરખા, એવા સત્પુરુષો ભલે ઓછી સંખ્યામાં કિન્તુ આજે પણ છે. એમનું અવલોકન આનંદદાયક, પ્રેરણાજનક બને છે. માનવજાતિના-દેશના ઉજ્જવળ ભાવિની આશા જન્માવે છે. એમને આપણાં અભિનંદન. અભિવાદન.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Inspiration is a guest who does not like to visit lazy people.
- Tchaikowsky

prabhu-handwriting