Sunday, February 05, 2012
   
Text Size

કર તું તારું કામ, સાધક

કર તું તારું કામ, સાધક, કર તું તારું કામ.

આશાની છો થાય નિરાશા, બંધ બને સઘળાં દરવાજા,
ખંખેરીને તોય હતાશા, પી લે પ્રેરણા જામ ...કર તું

દુઃખ પડે ને દર્દ મળે છો, અંધારા વાદળ ઉમટે છો,
ચપલા યે ચમકે જ નહીં કો, તોપણ રાખી હામ ...કર તું

તૂટે કલ્પનાના સૌ કિલ્લા, મળે ન કોઇ કીર્તિ બિલ્લા,
ધ્યેય તણા ન થાયે જિલ્લા,તોપણ દિન ને યામ ...કર તું

એકલપંથી જાય બની છો, સાથી છોડી જાય બધા છો,
માર્ગ મળે ના જલદીથી તો—તોપણ રાખી હામ ...કર તું

ધીરજ શ્રદ્ધા ખંત સજીને, હિંમત ને ઉત્સાહ ભજીને,
દૈન્ય પ્રમાદ વિવાદ તજીને, બનવા આત્મારામ ...કર તું

ઉત્તમ ભાવ વિચારો સેવી, મદદ બને તો કો'ને દેવી,
વાત બધાને મધુરી કે'વી, બેસે ના કૈં દામ ...કર તું

નિર્બળનું ના કામ અહીં તો, મર્દ મેળવે મિલકત આ કો,
લડે ઝઝૂમે અંત લગી જો, જીવન છે સંગ્રામ ...કર તું

જ્યાંલગ પામે ધ્યેય ન તારું,ત્યાંલગ પામી મુખપર તાળું,
હજમ કરીને સારું નઠારું, બેસ ઠરી ના ઠામ ... કર તું

હર્ષ શોક ને સ્તુતિ નિંદાથી, ચલિત થતો ના જગ ક્રીડાથી,
પ્રજળીને પરની પીડાથી, કર તું કામ તમામ ... કર તું

દુઃખ દર્દ ને ચિંતા ટળશે, પરમાનંદે સ્નાન તું કરશે,
બીજાને પણ મારગ ધરશે, મળતાં શાશ્વત ધામ ... કર તું

પ્રેમ તણો મારગ આ પૂરો, કાપી લેજે બનતાં શૂરો,
જો જે લેશ રહે ન અધૂરો, ઉજ્જવલ કરજે નામ ... કર તું

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The happiest people don't necessarily have the best of everything. They just make the best of everything.
- Anonymous 
03.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 384 guests online

View site in