Text Size

બ્રહ્મમયી દૃષ્ટિવાળા મહાપુરૂષ

ઈષ્ટદેવતા અને ઉપાસકની વચ્ચેનો સંબંધ કેવો હોય છે ?
 
ઉપાસક જ્યારે પોતાના ઈષ્ટદેવતાની ઉપાસનામાં ડૂબી જાય છે અથવા તો પોતાના પ્રેમાસ્પદના પ્રેમરંગથી સંપૂર્ણપણે રંગાઈ જાય છે ત્યારે ભક્તિમાર્ગમાં આચાર્યોના કહેવા પ્રમાણે એની દશા અનેરી થઈ જાય છે. એનું આંતરિક સ્વરૂપ તો બદલાઈ જાય છે જ, પરંતુ એના બાહ્ય રૂપરંગમાં પણ ફેરફાર થાય છે. એના તન, મન અને અંતર તથા એની દૃષ્ટિ, વાણી અને એના વ્યવહારમાં એક પ્રકારનું અસાધારણ પરિવર્તન જોઈ શકાય છે. પોતાના આરાધ્યદેવની સાથે એ જ્ઞાત અથવા તો અજ્ઞાત અવસ્થામાં એકરૂપતા અનુભવે છે. પોતાના આરાધ્યદેવની એ એક નાની સરખી, સુધારાવધારા સાથેની આવૃત્તિ બની જાય છે એમ કહીએ તો ચાલે. બદરીનાથના પુણ્યધામમાં એ સંતપુરૂષના દર્શનનો લાભ મળવાથી મને એ વાતની પ્રતીતિ થઈ. એ વાતની પ્રતીતિ માટે જ એ સંતપુરૂષ જાણે કે મળી ગયા.

એ સંતપુરૂષ હનુમાનજીના ઉપાસક હતા કે સાક્ષાત હનુમાનજી હતા તે આજે પણ હું નક્કી નથી કરી શક્યો. બદરીનાથની પુણ્યભૂમિમાં અનેક પ્રકારના તપસ્વી યોગી, સંત, ને સિદ્ધ પુરૂષો આવતા હોય છે. એવી રીતે દેવતાઓ પણ આવતા હોય તો નવાઈ નહિ. એ અદ્ ભૂત સંતપુરૂષને જોઈને એમ જ લાગ્યું કે સાક્ષાત હનુમાનજી જ આ પૃથ્વી પટ પર પ્રકટ થયા છે. હનુમાનજીના જેવી જ એમની ચાલ હતી. એમના જેવી જ મુખાકૃતિ. એવા જ રૂપરંગ અને એવું જ એમનું ગૌરવ હતું. કોઈ એમને જોઈને હનુમાનજી માનીને જ વંદન કરે, પૂજે, અને હનુમાન ચાલીસા જેવા સ્તોત્રો બોલીને એમની સ્તુતિ કરવા માંડે એવું એમનું સ્વરૂપ હતું. એમનું આખુંયે શરીર કેશરી રંગવાળુ હતું. તેમનાં વસ્ત્રો પણ લાલ હતા. કમરમાંથી સહેજ વાંકા વળેલા એ સંતપુરૂષ ધીમી ગતિએ ડોલતા હોય એવી રીતે આવતા, ત્યારે અંતર એમના માટેના આદરભાવથી ઉભરાઈ જતું અને એમના શ્રીચરણમાં નમી પડતું. હનુમાનજીના દર્શન કરવાથી જેટલો આનંદ થાય તેટલો જ આનંદ અને સંતોષ એમને જોવાથી થઈ રહેતો.

સૌથી પહેલાં મને એમના દર્શનનો લાભ મળ્યો ત્યારે બદરીનાથના મંદિરની બાજુના મકાનમાં હું પ્રસિદ્ધ સંત શ્રી પ્રભુદત્ત બ્રહ્મચારીની પાસે બેઠો હતો. એ સંતપુરૂષે અમારા ખંડમાં એકાએક પ્રવેશ કર્યો ત્યારે પ્રભુદત્તજી એમને જોઈને બે હાથ જોડીને નમસ્કાર કર્યા વિના રહી શક્યા નહિ. ઉત્તરમાં એ સંતપુરૂષે હઠયોગમાં વર્ણવેલાં વિવિધ આસનો કરતાં હોય તેમ વિવિધ રીતે અભિનય કરીને પ્રણામ  કર્યાં, ત્યારે પ્રભુદત્તજી હનુમાન સ્તુતિનો પેલો પ્રસિદ્ધ શ્લોક બોલવાં માંડ્યાં.
 
मनोजवं मारूत तुल्यवेगं । जीतेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् ॥
वातात्मजं वानरयुथ मुख्यं । श्रीरामदूतं शरणं प्रपद्ये  ॥
 
એ શ્લોક સાંભળીને પ્રસન્ન થતા હોય તેમ એ સંતપુરૂષ વધારે ને વધારે ડોલવા લાગ્યા. વજ્રાસનમાં નીચે બેસીને એમણે પ્રભુદત્તને આશીર્વાદ આપ્યો, અને પછી એમની તરફ મીઠી નજરે જોવા લાગ્યાં. લાંબા વખત લગી એવી રીતે બેસીને જ્યારે એ વિદાય થયા ત્યારે પણ પ્રભુદત્તજીએ એ જ શ્લોક બોલીને એમને વિદાય આપી.

બદરીનાથમાં એ મહાપુરૂષના દર્શનનો લાભ એવી રીતે મને અવારનવર મળતો રહ્યો. પરંતુ એમની સાથે કોઈ પ્રકારનો વાર્તાલાપ ના થઈ શક્યો કારણ કે તે મૌનવ્રત રાખતા હતા. છતાં પણ એમની મધુમયી મંગલ મૂર્તિ મારા મનમાં કોરાઈ તો રહી જ. મને થયું કે તેઓ કોઈ અસાધારણ ભૂમિકાની પ્રાપ્તિ કરી ચૂકેલા મહાત્મા પુરૂષ છે.

એ વાતને બે વરસ વહી ગયા ત્યારે એક દિવસ બપોરે હું દેવપ્રયાગના મારા આશ્રમ તરફ આવી રહ્યો હતો. રસ્તામાં મોટર સ્ટેન્ડ આવતું હતું. ત્યાં મારી દૃષ્ટિ પડી તો મને આનંદ અને આશ્ચર્ય બંને થયા. હનુમાનજી જેવા સ્વરૂપવાળા પેલા સંતપુરૂષ મોટરમાંથી ઊતરીને મારી તરફ આવી રહ્યા હતા ! મેં એમને જોઈને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા એટલે એમણે રસ્તાની વચ્ચે યોગનાં વિવિધ આસનો કરતા હોય તેવી રીતે મને પ્રણામ કરવા માંડ્યા. પછી મારો હાથ પકડીને મને એ મોટરમાં લઈ ગયા. અને મને પોતાની પાસે બેસાડ્યો. એ દિવસોમાં મારે પણ મૌન વ્રત હતું એટલે બોલવાની શક્યતા તો હતી નહિ. એ મહાપુરૂષે મારી દશાને સમજી લઈને સ્લેટ કાઢી.

મેં એના પર લખ્યું, આપકે દર્શનસે મુઝે બડા હી આનંદ હુઆ.’
એમણે લખ્યું. 'મુઝે ભી અભૂતપૂર્વ આનંદ હુઆ’
'કહાં જાતે હૈં ?’ મેં લખ્યું.
'બદરીનાથ.’ એમણે ઉત્તર આપ્યો,
આપ તો સાક્ષાત હનુમાનજી હૈં.’ મેં લખ્યું.
'આપ કોન હૈં, જાનતે હો ? સાક્ષાત રામચંદ્રજી. આપ મેરે રામચંદ્રજી હૈં, એમણે લખ્યું.
' મેં રામચંદ્રજી કૈસે હો સકતા હું ? મેં ફરી લખ્યું.
'અપનેકો છિપાઓ મત.’ એમણે લખ્યું, આપ મેરે ઈષ્ટદેવ રામ હી હૈ,’

વધારે લખવાનું બંધ રાખીને હું એ મહાપુરૂષ તરફ ભાવપૂર્વક જોઈ રહ્યો બ્રહ્મમયી વૃત્તિ ને દૃષ્ટિ તે આ જ ને ? ભક્ત પોતાના ઈષ્ટદેવની સાથે એવો તો એકરૂપ થઈ જાય છે કે બધે એને જ જુએ છે. એના વિના કાંઈ જોતા જ નથી. એ મહાપુરૂષની અવસ્થા એવી ઊંચી હતી. મોટર ઉપડી ને એમણે મને નમસ્કાર કર્યા ત્યારે મારું હૃદય ગદ્ ગદ્ બની ગયું. હું પણ એમને પ્રણામ કેમ ના કરું ? આજે પણ કરું છું.

 - શ્રી યોગેશ્વરજી

Comments  

0 #2 Shankarlal Bhanushal 2013-05-10 18:22
Thanks for such articles in Gujarati. I like to read Gujarati articles.
+2 #1 Yogesh Pandya 2013-04-30 18:23
ઉત્તમ પ્રસંગ શ્રીહરિએ રજૂ કર્યો છે. આ રીતે શ્રી યોગેશ્વરજીએ પોતે કોણ છે તે વિશે જનસમાજને સાચી ઓળખ આપી છે. બહુ સરસ ... શ્રી રામચંદ્રાય રૂપાય યોગેશ્વરાય નમઃ।

Today's Quote

There are no accidents, there is only some purpose that we haven't yet understood.
- Deepak Chopra

prabhu-handwriting