Text Size

ઘી ગંગામાં વહાવી દઈએ છીએ

હિમાલયમાં ઉત્તરાખંડના ચાર ધામ ગણાય છે. બદરીનાથ, કેદારનાથ, જમનોત્રી, ને ગંગોત્રી. ચારે ધામ સુંદર છે, આનંદદાયક છે અને પોતપોતાનું વિશેષ મહત્વ ધરાવે છે. કેટલાક યાત્રીઓ એ ચારે ધામની યાત્રા કરે છે. બદરીનાથમાં અલકનંદા નદી અને નરનારાયણનું મંદિર છે. કેદારનાથમાં મંદાકિની નદી તથા શંકર ભગવાનનું મંદિર છે તથા ભાગીરથી નદી છે અને જમનોત્રીમાં આપણી દૃષ્ટિ સામે જ બરફની ઉત્તુંગ પર્વતમાળામાંથી જમના નદીનો ઉદ્ ગમ થાય છે. તેમ જ જમનાજીનું મંદિર છે. ચારે ધામ કુદરતી સૌંદર્યથી સંપન્ન છે. એમાં ગંગોત્રીનું પોતાનું આગવું સ્થાન છે. ચીડ, દેવદાર ને ચિનાર વૃક્ષોથી તથા તુષારાચ્છાદિત પર્વતમાળાઓથી વીંટળાએલું ગંગોત્રી જોતાંવેંત જ અંતરને આનંદ આપે છે.

એ સૌંદર્ય ભરપૂર તીર્થસ્થાનમાં પહોંચતા વેંત જ અમારું અંતર આનંદથી ઉભરાઈ રહ્યું.

પરંતુ તીર્થનો સાચો આનંદ ત્યાં વસનારા સજીવ દેવતા જેવા સંતપુરૂષોના દર્શન, સમાગમ કે સંગમાં રહેલો છે. અલબત્ત, જો એવા સંતપુરૂષો તીર્થમાં રહેતા હોય તો. તપાસ કરવાથી અમને માહિતી મળી કે ગંગોત્રીથી એકાદ માઈલ જેટલી દૂર, ભાગીરથી ગંગાના તટપ્રદેશ પરની એક પ્રાકૃતિક ગુફામાં, સો વરસ જેટલી ઉમ્મરના એક મહાન સંતપુરૂષ નિવાસ કરે છે. એ પુરૂષ દર્શનીય છે એમ લાગવાથી અમે એમનું દર્શન કરવા ગયા.

ગંગોત્રીથી ગોમુખ તરફનો માર્ગ વિકટ છે. વિકટ હોવા ઉપરાંત સાંકડો પણ છે. એક બાજુ ખીણમાં નદીનાં નિર્મળ નીર વહ્યે જાય છે, અને બીજી બાજુ આકાશને અડવાની હરીફાઈ કરતા પર્વતના પેટાળમાં કોરી કાઢેલી પગદંડી છે. એના પરથી પસાર થતા અમે પેલી પર્વતીય ગુફા પાસે આવી પહોંચ્યા. ગુફાનું સ્થાન પ્રમાણમાં વિશાળ અને એકદમ શાંત હતું. બહાર બેસવા માટે નાનો સરખો ચોક બનાવ્યો હતો. આજુબાજુ વિશાળકાય પર્વતો અને વચ્ચે ગુફા ! દૃશ્ય એટલું બધું હૃદયંગમ અને આનંદદાયક લાગતું હતું કે વાત નહિ.

એ આનંદમાં અભિવૃદ્ધિ, કરતા પેલા પ્રતાપી સંતપુરૂષ થોડીવારમાં જ બહાર આવ્યા. એમનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. ઊંચું પડછંદ શરીર, સફેદ દાઢી, મૂછથી સુશોભિત શાંત મુખાકૃતિ, એવાં જ શાંતિમય તથા તેજસ્વી નેત્રો, કાષાય વસ્ત્રો, હાથમાં માળા અને મુખમાંથી નીકળતા 'જય જગદીશ, જય જગદીશ’ ના મધુમય જપ શબ્દો. દર્શક જનો પર એ તરત જ પ્રભાવ પાડતું હતું. અમારું અંતર એ વયોવૃદ્ધ, સંતપુરૂષને માટેના આદરભાવથી ભરાઈ ગયું. અમે એમને પ્રણામ કર્યા. એ બહાર ચોકમાં અમારી સામે જ બેસી ગયા.

વાત કરવાને ખાતર અમે એમને પૂછ્યું. 'જીવન કે કલ્યાણકા ઔર પરમ શાંતિકો પાનેકા માર્ગ કયા ?’

એમણે સ્મિત સાથે ઉત્તર આપ્યોઃ 'ઈશ્વરકા નામસ્મરણ ઔર સબમેં ઈશ્વર કા દર્શન કરકે સબકી યથાશક્તિ સેવા. કલિયુગમેં યે દો સાધન હી મુખ્ય હૈ.'

આપકો ઈસ જંગલમેં ભય નહિ લગતા ?’

'ભય કિસ બાતકા ?’ એમણે ફરી કહ્યું : 'ઈશ્વર સભી જગહ વ્યાપ્ત હૈ. ઉસકી વ્યાપકતાકા જો અનુભવ કરતે હૈં ઉનકો ભય કૈસા ? વહ તો સદાકે લીયે નિર્ભય હૈ.’

અત્યંત આગ્રહ કરીને એમણે અમારી અનિચ્છા છતાં અમને જમવા બેસાડ્યા. જે આવે તે સૌને જમાડવાનો કે પ્રસાદ આપવાનો એમનો નિયમ રહેતો. એ પોતે ફળાહારી હતા અને દિવસમાં એકવાર અંધારું થયા પછી કોઈ યાત્રીને આવવાની આશા ના રહેતાં જમતા. વરસોથી એમનો એવો નિયમ હતો. એમના ત્રણેક શિષ્યો રોજ સવારથી રસોઈ બનાવવાના અને મુલાકાતીઓને પીરસવાના કામમાં રહેતાં,

અમે એમને થોડી ઘણી ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી તો એમણે ના પાડીને કહ્યું : 'કાલી કમલીકી સંસ્થાવાલેકો જો દેના હો સો દે દેના. વહાંસે મેરી ઔર દૂસરે સાધુસંતોકી સેવા હોતી હૈ. મેં કુછ નહિ લેતા.

સંતપુરૂષનો ખર્ચ દેખીતી રીતે જ ઘણો ભારે હતો. ઘીનો વપરાશ પણ ઘણો હતો. અમે એ વિશે કુતૂહુલ વ્યક્ત કર્યું તો તેમણે સ્પષ્ટીકરણ કર્યું : जगदीश की कृपा से कोई तकलीफ नहीं पडती । काम उसीका है और वही सम्हालते है । जब कभी घी खतम होता है तो गंगाजी से टीनको भर लेते है । वह घी का काम करता है । फिर घी के टिन आ जाते है तो गंगाजी से लिया हुआ घी उसमें बहा देते है । एसा कई बार करना पडता है ।

(જગદીશ કી કૃપા સે કોઈ તકલીફ નહિ પડતી. કામ ઉસીકા હૈ ઔર વહી સમ્હાલતે  હૈ. જબ કભી ઘી ખતમ હોતા હૈ તો ગંગાજી સે ટીન કો ભર લેતે હૈં. વહ ઘી કા કામ કરતા હૈ. ફિર ધી કે ટીન આ જાતે હૈ તો ગંગાજી સે લિયા હુઆ ઘી ઉસમે બહા દેતે હૈ. ઐસા કંઈ બાર કરના પડતા હૈ.)

કેટલી બધી આશ્ચર્યજનક હકીકત ? છતાં પણ સંતપુરૂષ એને સહજ રીતે જ કહી રહ્યા હતા.

અંધારું થવા આવ્યું તે પહેલાં અમે એમની વિદાય લીધી. એમની મૂર્તિ અમારા અંતરમાં અંકિત થઈ ગઈ. આજે પણ એ એવી જ કાયમ છે.

એમનું દર્શન આજે શક્ય નથી કેમ કે થોડા વરસ પહેલાં એમણે શરીર છોડી દીધું છે. પરંતુ ઈશ્વર સ્મરણ ને સેવાનો એમનો સંદેશ એવો જ તાજો છે. એ સંદેશના સાકાર સ્વરૂપ હોવાને લીધે જ એ મહાન હતા, શાંતિદાયક થતા હતા અને એમાં જ એમનું મૂલ્ય સમાયેલું હતું. એ સંદેશને સૌ કોઈ આજે પણ ઝીલી શકે છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The easiest thing to find is fault.
- Anonymous

prabhu-handwriting