Text Size

રમણાશ્રમની ગાય

આત્મદર્શી મહાપુરૂષો મનુષ્યો પર તો પ્રીતિ રાખે જ છે, પરંતુ મનુષ્યેતર પ્રાણીઓમાં પણ પરમાત્માનું દર્શન કરી, તેમના પ્રત્યે પ્રેમભાવનો પવિત્ર પ્રવાહ વહેતો કરે છે. એ વાતની પ્રતીતિ આપણને મહાપુરૂષોના જીવન પરથી સહેજે થઈ રહે છે. 

શ્રી રમણ મહર્ષિ એવા જ એક આપ્તકામ, અસાધારણ પ્રેમભાવથી અલંકૃત, મહાપુરૂષ હતા. એમના જીવનથી જે સુપરિચિત છે તેમને તેની ખબર છે.

શ્રી રમણ મહર્ષિના આશ્રમમાં લક્ષ્મી કરીને એક ગાય હતી. મહર્ષિ એ ગાયનું જ દૂધ પીતા. લક્ષ્મી, લક્ષ્મી, એવી બૂમ સાંભળતા એ ગાય, ગમે ત્યાંથી, મહર્ષિની પાસે આવી ને ઊભી રહેતી. મહર્ષિ એના પર વિશેષ પ્રેમ રાખતા. કોઈ એકનિષ્ઠ ભગવદ્પરાયણ ભક્તની જેમ, લક્ષ્મી રોજ નિયમિત રીતે આશ્રમના હોલના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભી રહેતી અને જ્યાં સુધી મહર્ષિ એને શરીરે હાથ ના ફેરવતા ત્યાં સુધી હઠતી જ નહિ. ગમે તેટલો વખત થાય તો પણ તે પ્રવેશદ્વારની પાસે જ ઊભી રહેતી. મહર્ષિ ગમે તેવું કામ મૂકીને પણ હાથ ફેરવતા એટલે કૃતકૃત્ય બની હોય એવી રીતે, આભારસૂચક આંખે એ આગળ વધતી. આશ્રમમાં કોઈ એને બાંધતું નહિ. મહર્ષિ પોતાને હાથે તૈયાર કરેલાં ફળ તથા બીજી વસ્તુઓ એને ખવડાવતા. એટલે એને અપાર સંતોષ થતો.

ભક્તો અને આશ્રમવાસીઓ એ બધું જોઈને નવાઈ પામતા. લક્ષ્મીના ભાગ્યની પ્રશંસા કરતા.

એકવાર એક ભક્તે, મહર્ષિ લક્ષ્મી પર આટલો બધો ભાવ શા માટે રાખે છે એવો ખુલાસો માગ્યો. ત્યારે મહર્ષિએ કહ્યું : 'લક્ષ્મી કોઈ સાધારણ ગાય નથી. પૂર્વજન્મમાં એ મારી ભક્ત હતી. એનું નામ લક્ષ્મીબાઈ હતું. હું જ્યારે આશ્રમની સ્થાપના પહેલાં, અરૂણાચલ પર્વત પર આવેલી વિરૂપાક્ષી ગુફામાં તપશ્ચર્યા કરતો’તો ત્યારે એ મારે માટે અત્યંત પ્રેમપૂર્વક ભોજન લાવતી ને મને ખવડાવતી. એની સ્થિતિ સામાન્ય હોવા છતાં, એનો ભાવ અત્યંત અસાધારણ હતો. મૃત્યુ પછી તે ગાય બની છે. એ આશ્રમમાં આવી ત્યારથી જ મેં એને ઓળખી કાઢી છે. અને હું એને લક્ષ્મી કહીને બોલાવું છું.’

લક્ષ્મીનું સૌભાગ્ય ઘણું મોટું હતું. મહર્ષિએ એની સેવાને યાદ રાખીને તેને કૃતાર્થ કરી હતી.

એ વાર્તાલાપ પરથી મહર્ષિની દૈવી શક્તિ કે દૃષ્ટિનો સૌને પરિચય થયો.

પરંતુ...કાળ દરેકને માથે ભમે છે તેમ, એક દિવસ લક્ષ્મીનો કાળ પણ આવી પહોંચ્યો. લક્ષ્મીનું મૃત્યુ થયું.

મહર્ષિએ લક્ષ્મીના મૃત્યુને સામાન્ય મૃત્યુ ના માન્યું. બીજા આશ્રમવાસીઓની પેઠે, લક્ષ્મી પણ આશ્રમની સદસ્યા હતી. ઉપરાંત, મહર્ષિની વિશેષ કૃપાપાત્ર હતી. એટલે મહર્ષિની સૂચનાનુસાર, એની પાછળ વિધિપૂર્વક મરણોત્તર ક્રિયા કરવામાં આવી. બ્રહ્મભોજન વગેરે પણ કરાવવામાં આવ્યું.

મહર્ષિનો સામાન્ય જેવા દેખાતા જીવો માટેનો એવો અગાધ પ્રેમ જોઈને આશ્રમવાસીઓ અને દર્શનાર્થીઓ દિગ્મૂઢ બની ગયા.

કેટલો બધો પ્રેમભાવ ! સૌના મુખમાંથી ઉદ્ ગાર નીકળ્યા.

પછી તો લક્ષ્મીની સ્મૃતિમાં એક નાની સરખી છતાં સુંદર સમાધિ બનાવવામાં આવી. એ સમાધિમાં લક્ષ્મીના પ્રતીકરૂપે એક ગાયને ઘડીને બેસાડવામાં આવી. અને એના ઉપર તામિલમાં યથોચિત્ અંજલિના અક્ષરો લખવામાં આવ્યા. તારીખ ૧૮-૬-૧૯૪૮ને દિવસે લક્ષ્મીએ દેહત્યાગ કર્યો એ હકીકત પણ પથ્થર પર કોતરી લેવામાં આવી. હકીકતમાં ખાસ નોંધવામાં આવ્યું કે લક્ષ્મી નામની આ ગાય રમણ ભગવાનને ઘણી પ્રિય હતી.

અને લક્ષ્મીની સમાધિની રચના પણ ક્યાં કરવામાં આવી તે જાણો છો ? રમણ મહર્ષિ જે હોલ કે વિશાળખંડમાં રહેતા તે હોલની બરાબર પાછળના ભાગમાં, ભોજનશાળાની બહારના ભાગમાં. એક બાજુ અરૂણાચલ પહાડ, બીજી બાજુ રમણ મહર્ષિની બેઠક, ને વચ્ચે લક્ષ્મીની સમાધિ. મહર્ષિની નજર એ સમાધિ પર ઈચ્છાનુસાર પડી શકે એવી રીતે. જીવો પ્રત્યેના મહાપુરૂષોના પ્રેમ અને સદભાવનું મૂંગુ છતાં પણ કેટલું બધું સજીવ સ્મારક ?

આજે પણ એ સ્મારકનું દર્શન કરીને આપણને આનંદ થાય છે, અને આપણું હૃદય ભાવવિભોર ને ગદ્ ગદ્ બની જાય છે. સ્મારક આપણને શીખવે છે, કે જેમને આપણે મૂંગા જીવો કહીએ છીએ તે પણ આપણા સ્નેહ, આપણી સહાનુભૂતિ, સુશ્રુષા, અને સહૃદયતાપૂર્વકનાં વ્યવહારનાં અધિકારી છે. એ જીવોનું બાહ્ય સ્વરૂપ ગમે તેવું દેખાતું હોય તો પણ આત્માનો પ્રકાશ તો એમની અંદર પણ પથરાયેલો છે. શરીરો બદલાય છે પરંતુ આત્મા નથી બદલાતો. સંસ્કારોના સમુચ્ચયને સાથે લઈને ભવાટવીમાં એ ભમ્યા જ કરે છે. એ આત્માના અસ્તિત્વનો અનુભવ કરીને, સૌની સાથે સમભાવથી વર્તવાનો આપણો સ્વભાવ થઈ જવો જોઈએ. કોણ જાણે કયો જીવ આપણી સાથે કેવી રીતે સંકળાયેલો હશે, અને કયા સંસ્કારથી આપણા સમાગમમાં આવતો હશે ! આપણને એની ખબર નથી. પરંતુ એની પ્રત્યે સ્નેહભાવ રાખીને, આપણે એની સેવા તો કરી શકીએ જ. કુસેવા તો ન જ કરીએ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Inspiration is a guest who does not like to visit lazy people.
- Tchaikowsky

prabhu-handwriting