Text Size

જલારામનો સમર્પણભાવ

સમર્પણભાવનો મહિમા શાસ્ત્રોમાં ઠેરઠેર ગાવામાં આવ્યો છે. સંતોએ પણ એનાં ઓછાં  વખાણ નથી કર્યાં. તન, મન, ધન, પ્રભુને સમર્પણ, એવું લોકોકિતમાં પણ કહેવામાં આવ્યું છે. કથાકારો એના રહસ્યને કહી બતાવે છે. પરંતુ કહી બતાવવું એ એક વાત છે અને કરી બતાવવું એ જૂદી જ. કોઈપણ શાસ્ત્રવિધાન, સંદેશ કે ઉપદેશના રહસ્યને જ્યારે જીવનમાં ચરિતાર્થ કરવાનો આવે છે, ત્યારે જ માણસની સાચી કિંમત સમજી શકાય છે, અને તે નિર્બળ છે કે સબળ અને વાકપટુ છે કે વ્યવહારપટુ, તે પણ ત્યારે જ જણાય છે. મહાપુરૂષોની મહાનતા એમાં રહેલી છે કે તેમની વાણી તથા તેમના વ્યવહારની વચ્ચે એક પ્રકારની અનેરી એકવાક્યતા હોય છે. જીવનમાં જે ચમક આવે છે, શાંતિ મળે છે કે સિદ્ધિ સાંપડે છે તેનું કારણ પણ એવી એકવાક્યતા જ હોય છે. સૌરાષ્ટ્રમાં એવા મહાપુરૂષો અનેક થયાં છે. ખરી રીતે જોતાં આ વીરો ને ભક્તોની ભૂમિ છે. એમની જીવનસુવાસ અહીં સારી રીતે ફેલાયેલી છે. એ સુવાસની થોડીક સામગ્રીનો સ્વાદ લેવા માટે, ઘડી બે ઘડીને માટે કલ્પનાની પાંખ પર ઊડીને, આપણે વીરપુરની વીર ભૂમિ પર પહોંચી જઈએ.

આજે તો વીરપુર વિખ્યાત બની ગયું છે, અને ત્યાંના જલા સો અલા’ કહેવાતા સંતશિરોમણી જલારામના નામથી પણ બધા પરિચિત છે. પરંતુ જલારામની મહાનતાની મહેક જ્યારે આટલા બધા વિશાળ પ્રમાણમાં નહોતી ફેલાઈ, તે વખતની એક કથા છે. જલારામ ત્યારે રામનામના અખંડ જાપ કરતા. ને ભૂખ્યાને ભગવાનના પ્રતિનિધિ માનીને ભોજન આપતા. એને લીધે એમની પાસે કેટલાય ભક્તો ને સંતો ખેંચાઈ આવતા. જલારામ એમને સર્વપ્રકારે સંતુષ્ટ કરીને પાછા વાળતા. વીરપુરની અંદર આવેલું જલારામનું સ્થાન એ રીતે યાત્રાનું ધામ બની ગયેલું. જલારામ ત્યારે સૌની સેવા કરતા અને કોઈને કોઈ પ્રકારે નિરાશ ન થવા દેતા.

એ ધામમાં એક વાર એક વૃદ્ધ સાધુ આવી પહોંચ્યાં. સાધુની અવસ્થા ઘણી મોટી અને શરીરે નિર્બળ, એટલે લાકડીને ટેકે ચાલતા ચાલતા આગળ આવ્યા ને બોલ્યા : 'વીરપુરનો જલિયો ક્યાં છે ?’

જલારામે એમનું અભિવાદન કરીને એમનું સ્વાગત કર્યુ ને પછી ભોજન કરવા માટે આગ્રહ કર્યો.

પરંતુ સાધુએ એ આગ્રહને પાછો ઠેલ્યો. એટલે જલારામે કોઈ બીજી જાતની સેવા બતાવવાનો આગ્રહ કર્યો.

સાધુપુરૂષે કહ્યું, તારાથી મારી સેવા નહિ થઈ શકે. માટે ભલો થઈને આગ્રહ કરવાનો રહેવા દે. હું હવે વિદાય થઉં છું. તને મળ્યો એટલે બસ.
પરંતુ જલારામ એમ શેના માને ? માને તો તે સંતોના સેવક જલારામ કહેવાય જ નહિ. સંતોમાં પરમાત્મા છે, એમ માનીને તેમને સંપૂર્ણપણે સંતોષ આપવો એ તો તેમનું વ્રત હતું સાધુને એમણે અવારનવાર વિનવણી કરી ને કહ્યું કે મારે ત્યાંથી તમે ખાલી હાથે પાછા ફરો તે સારું નહિ. માટે ભોજન ન કરવું હોય તો બીજી ગમે તે વસ્તુ માગો, પણ કાંઈપણ માગ્યા વિના એમ ને એમ તો નહિ જ જવા દઉં.

આખરે થોડીક રકઝક પછી સાધુએ કહ્યું કે, જો જલા, મારી ઉંમર હવે મોટી થઈ. મારું શરીર હવે કામ નથી કરતું અને રહે છે પણ નબળું. એટલે મારી સેવા માટે મારે કોઈની જરૂર છે. તું મોટો ભગત છે, અને આટલો બધો આગ્રહ કરે છે, તો તારી સ્ત્રીને મારી સેવામાં સોંપી દે. ભગવાન તારૂં ભલું કરશે.

સાંભળનારાને માથે જાણે વીજળી પડી- પરંતુ જલારામ તો જરાય ના હલ્યા. એવા જ અડગ રહ્યા ને બોલ્યા : 'તમારી આજ્ઞા હું માથે ચઢાવું છું. તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ.’

વીરબાઈને બોલાવીને જલારામે બધી વાત કહી સંભળાવી. વીરબાઈ પતિને બધી રીતે મદદરૂપ થતાં કે અનુસરતાં. સાધુ સાથે જવા એ તૈયાર થયાં. વિદાય વેળાએ લોકોએ ભગતને ભોળો, વેદિયો કે વિવેક વગરનો કહી ગણગણાટ કર્યો. પણ ભગત એવા જ અચળ ને પ્રસન્ન રહ્યાં. વીરબાઈને ઉદ્દેશીને એમણે કહ્યું કે સાધુને પિતાતુલ્ય માની એમની સેવા કરજે.

ત્યાગના ઈતિહાસમાં સમર્પણનું આવું જ્વાજ્વલ્યમાન તેજસ્વી ઉદાહરણ જગતે બીજું નથી જોયું. જોયું હોય તો આપણને ખબર નથી. જે લોકો સંત-સેવાની વાતો કરે છે, તે પણ જરૂર પડ્યે આવો મોટો ભોગ આપી શકે કે કેમ એ શંકા છે. એ આવા ભોગને અતિમાં ખપાવે તો નવાઈ નહિ.

વીરબાઈ અને જલારામે એ ભોગને ચરિતાર્થ કરી દેખાડ્યો. ચાલતાં ચાલતાં વીરબાઈને વૃદ્ધ સાધુ ગામથી થોડો દૂર નીકળી ગયાં એટલે પાણીનું સ્થળ જોઈને સાધુએ કહ્યું : તું અહીં બેસ ! હું શૌચ જઈ આવું અને તુંબડીમાં પાણી લઈને એ ચાલી નીકળ્યા.

પરંતુ સાધુપુરૂષ પાછા આવ્યા જ નહિ. અંધારું થયું એટલે વીરબાઈ મુંઝાયાં ને રડવા લાગ્યાં. સાધુને જોવા માટે એ અધીર બની ગયાં. ત્યારે આકાશવાણી થઈ કે વીરબાઈ તમે તમારો ધર્મ સાચવ્યો છે હવે તમારી પરીક્ષા થઈ ચૂકી. તમે ઘેર જાવ ને જેમ કરો છો તેમ રામ મંત્રમાં મન લગાડીને સાધુ-સેવા કરો-કરતા રહો. મારા આશીર્વાદ છે. મારી ઝોળી ને લાકડી પ્રસાદ તરીકે લઈ જજો.

વીરબાઈ ઝોળી ને લાકડી લઈને પાછાં ફર્યાં. ગામલોકોએ આ અજબ ઘટના જાણી ત્યારે આશ્ચર્ય અને આનંદમાં ડૂબી ગયાં.

વીરપુરની સંત જલારામની જગ્યામાં સાધુપુરૂષની એ ઝોળી ને લાકડી આજે પણ એ અલૌકિક ઘટનાની સોનેરી સ્મૃતિરૂપે વિદ્યમાન છે. ભાવિકો એના દર્શન દ્વારા ધન્યતા અનુભવે છે, કૃતાર્થ થાય છે. કોઈ વાર વીરપુર જવાનું થાય તો એ સ્મૃતિ-ચિહ્નોનું દર્શન કરજો. એ ભક્ત શિરોમણી જલારામ ને વીર નારી વીરબાઈના સંત સમર્પણનાં સાક્ષી છે, પ્રભુપ્રેમના પરિણામે ને તેને કારણે પ્રાપ્ત થયેલી પ્રભુ-પ્રસાદીનાં પ્રતીક છે. એ પ્રતીક યાત્રીને આજે પણ કહી રહ્યાં છે કે ભાઈ પ્રવાસી, દર્શનાર્થી ! જીવનના કલ્યાણની કામના હોય તો સંતસેવા કર. કેમ કે સંતસેવા કરતાં કરતાં જ કોઈ વાર સંતકૃપા અને સંતોના સ્વામી ઈશ્વરની કૃપા થવાથી જીવન કૃતાર્થ બની જાય છે. કહ્યું છે ને કે 'ના જાને કીસ રૂપ મેં નારાયણ મિલ જાય !’ એ જ માર્ગ છે અને તે અકસીર માર્ગ છે. સંતોને નારાયણ માનીને અને વધારે વિશાળતાથી કહીએ તો, જીવમાત્રને નારાયણ માનીને, એમની સેવા.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.
- Rabindranath Tagore

prabhu-handwriting