Text Size

શ્રીધર સ્વામીની જીવનક્રાંતિ

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે,
अनन्याश्चितयंतो मां ये जना: पर्युपासते ।
तेषां नित्यभियुक्तानां योगक्षेमं वहाभ्यमं ॥

'એટલે કે જે મનુષ્યો મનને મારી અંદર જોડીને મને અનન્ય ભાવથી ભજે છે, તેવા મન બુદ્ધિને મારામાં જોડનારા મનુષ્યોના યોગક્ષેમને હું વહન કરું છું.’

પરંતુ એવી શ્રદ્ધા માણસમાં રહે છે ક્યાં ? સાધારણ માણસોની વાત જવા દઈએ તો પણ, મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રીઓ, પંડિતો અને ઉપદેશકોની અંદર પણ એ શ્રદ્ધાનો અભાવ દેખાય છે. અથવા તો જોઈએ તેવો ને તેટલો વિકાસ નથી દેખાતો. ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે એ વાતમાં શ્રદ્ધા રાખનારા માણસો એક તો ઓછા મળે છે. ત્યારે ઈશ્વર છે, અને ભક્તોના જીવનના સર્વસત્તાધીશ અથવા તો સૂત્રધાર બનીને એમનું બધી રીતે રક્ષણ કરે છે, અથવા તો એમનો યોગક્ષેત્ર ચલાવે છે, એ વાતમાં વિશ્વાસ રાખનારા અથવા તો એના જીવતા જાગતા પ્રતીક જેવા માણસો તો મળે જ કેટલા ? છતાં પણ એ વાત સાચી છે એવી પ્રતીતિ લાંબા વખતના અનુભવ પરથી થઈ રહે છે.

શ્રીધર સ્વામીને પણ એવી પ્રતીતિ ઘણે લાંબે વખતે થઈ.

શ્રીધર સ્વામી કોઈ સામાન્ય માણસ ન હતા, પરંતુ એક કુશાગ્ર બુદ્ધિવાન મેઘાવી પંડીત હતા, મહાપંડિત. સંસ્કૃત ધર્મશાસ્ત્રો પરનું એમનું પ્રભુત્વ ઘણું મોટું હતું. એ વિધુર થયા ત્યારથી એમનું મન સંસાર પરથી ઊઠી ગયું હતું. સંસારમાં એમને કાંઈ રસ લાગતો નહોતો. સંસારનો ત્યાગ કરીને એકાંતમાં રહીને ઈશ્વરસ્મરણમાં ઓતપ્રોત બની જવાની, અને ઈશ્વરનું દર્શન કરીને ધન્ય થઈ જવાની, એમની ઈચ્છા હતી. જીવનનો બાકી રહેલો બધો જ વખત એ આધ્યાત્મિક સાધના માટેના પ્રખર પુરૂષાર્થમાં વિતાવવા માગતા હતા. જીવનમાં કૃતાર્થતાને માટે બીજું કાંઈ કરવા જેવું એમને લાગતું ન હતું. એક માત્ર આત્મકલ્યાણને માર્ગે આગળ વધવાની તીવ્ર તરસ એમને લાગી ગઈ હતી. એ માટે ઘરનો ત્યાગ કરવાના ઘાટ પણ એ ઘડી રહ્યા હતા પરંતુ...એમના જીવનમાં એક સમસ્યા હતી.

કહો કે મુશ્કેલી હતી. મહામુશ્કેલી. એમને પાંચેક વરસનો એક નાનો પુત્ર હતો. એ પુત્રની ચિંતા એમને કોરી ખાતી હતી. પોતે ઘરનો ત્યાગ કરીને બહાર નીકળી જાય તો પોતાનું આત્મકલ્યાણ થાય એ વાત તો સાચી પરંતુ આ નાના બાળકનું શું ? એની સંભાળ કોણ રાખે ? એનો ઉછેર કોણ કરે ? ઘરમાં બીજું કોઈ તો છે નહિ. સગાંસંબંધી જો કે ઘણાં છે પરંતુ એમની સાથે તો બરાબર સબંધ પણ નથી. એટલે એના તરફથી કોઈપણ પ્રકારની સહાયતાની આશા વ્યર્થ છે. આ દશામાં ઈશ્વર પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને પોતે ઘરત્યાગ કરે તો બાળકની દશા કફોડી બની જાય. બાળકની આજીવિકાનું શું ? એની આજીવિકાનો વિચાર એક પિતા તરીકે પોતે કરવો જ જોઈએ ને ? પોતે ના કરે તો બીજું કોણ કરે ? સંતાનની સંભાળ રાખવી એ માતાપિતાનો ધર્મ છે. ધર્મનો ત્યાગ કેવી રીતે કરી શકાય ? અને એવા ત્યાગમાં બુદ્ધિમાની પણ કેવી રીતે કહી શકાય ?

તો પછી કરવું શું ? ઈશ્વરના દર્શનને માટેની જે ઉત્કટ ઈચ્છા મારા દિલમાં પ્રજ્વલિત બનીને પ્રકટી ઊઠી છે તે ઈશ્વરની પૂર્તિ કરવાનું સૌભાગ્ય શું નહીં મળે ? એ ઈચ્છાનો અમલ શું નહીં થઈ શકે ? જીવનનો મોટા ભાગનો વખત તો વીતી ગયો છે અને જે શેષ છે તે વીતી રહ્યો છે. એમ કરતાં સમસ્ત જીવન સમાપ્ત થશે. અને મનની મનમાં જ રહી જશે કે શું ?

શ્રીધર સ્વામીના દિવસો એવા એવા વિચારોમાં પસાર થઈ રહ્યા હતા ત્યાં તો એક દિવસ સવારે એક યાદગાર બનાવ બન્યો.

શ્રીધર સ્વામી રોજના નિયમ પ્રમાણે ઘરના આંગણામાં દાંતણ કરવા બેઠેલા. એમને થતું હતું કે ઘર છોડી દઉં તો પછી આ બાળકનું પોષણ કોણ કરે ? બરાબર એ જ વખતે ઘરના છાપરા પરથી એક ગરોળીનું બચ્ચું તાજું ઈંડું ફાટવાથી નીચે પડ્યું. ઈંડાની સાથે જમીન પર પડેલા એ ગરોળીના બચ્ચાંને શ્રીધર સ્વામી એકીટસે જોઈ રહ્યા. એમને થયું કે આ બચ્ચાંનું પોષણ કોણ કરશે ! જરા જોઈએ તો ખરા !

ગરોળીનું બચ્ચું કોઈ ભક્ષ્યની ઈચ્છાથી મોઢું ફાડી રહ્યું હતું. ત્યાં જ એની પાસે એક માખી આવી પહોંચી. ઈંડાનાં રસ પર એ માખી આવીને બેઠી કે તરત જ ચોંટી ગઈ. એ ત્યાંથી હઠી જ ના શકી. પછી તો ગરોળીના બચ્ચાંએ એ માખીને પકડી લીધી.

આંખને મીંચીને ઉઘાડીએ એટલી વારમાં આ બનાવ બની ગયો. પરંતુ એને પરિણામે શ્રીધર સ્વામીને નવો પ્રકાશ મળ્યો. નવીન પ્રેરણા ને અભિનવ શ્રદ્ધાથી એમનું અંતર ઉભરાઈ રહ્યું. એમને થયું કે ઈશ્વરે આ ગરોળીના બચ્ચાંની જરૂરત પૂરી પાડી તો પછી મારા પુત્રની જરૂરત પૂરી નહીં કરે ? મારા પુત્રની સંભાળ શું એ નહીં રાખે ? કીડીને કણ ને હાથીને મણ. ઈશ્વર સૌના જીવનને નભાવે છે, એટલે મારે નકામી ચિંતા કરવાની જરૂર નથી. ભક્તોના યોગક્ષેમનું વહન કરવાનું ઈશ્વરનું વ્રત છે. એ વ્રતને એ પાળશે જ.

પછી તો દૃઢ નિશ્ચય કરીને એમણે ઘરનો ત્યાગ કર્યો. આશ્ચર્યની વાત તો એ બની કે જે સગાં એમની સાથે સારો સંબંધ નહોતા રાખતા તે એમના ઘરત્યાગ પછી બાળકને પોતાને ત્યાં લઈ ગયાં, અને એને મોટો કરવા લાગ્યાં. બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડી.

એક સાધારણ જેવી દેખાતી ઘટનાએ આ રીતે શ્રીધર સ્વામીના જીવન પ્રવાહને પલટાવી દીધો. એમના જીવનમાં ક્રાંતિ કરી દીધી.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous

prabhu-handwriting