Text Size

વાતોનું વેદાંત શા કામનું ?

એ વખતે સ્વામી વિવેકાનંદ એટલા બધા પ્રખ્યાત ન હતા. એ વેદાંતકેસરી તો હતા જ, પરંતુ વેદાંતકેસરી તરીકે વખણાયા ન હતા.

હજુ તો એ અમેરિકાના ચિકાગો શહેરમાં ભરાયેલી સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સર્વધર્મ પરિષદમાં ભાગ લેવા માટે નહોતા ગયા.

એ દિવસોમાં એ ભારતવર્ષનું પરિભ્રમણ કરતા હતા.

હા, એમના ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ પછી એ દેશમાં વિચરણ કરવા નીકળી પડેલા.

એ વિચરણ, પ્રવાસ કે પર્યટનની પાછળ કોઈ જુદા જુદા પ્રદેશોને નિહાળવાની લાલસા, પરંપરાગત ભાવના કે શાસ્ત્રોની આમન્યા કામ નહોતી કરતી, કોઈ જડ રૂઢિનું પાલન પણ નહોતું થઈ રહ્યું. એની પાછળ તો દેશના પ્રત્યક્ષ દર્શનની ભાવના કામ કરી રહી હતી. વિવેકાનંદને પોતાના દેવદુર્લભ વિશાળ દેશની સંસ્કૃતિનું દર્શન કરવું હતું. દેશને ખૂણેખૂણે ફરીને દેશમાં વસતી પ્રજાનો પરિચય મેળવવો હતો. એમનાં સુખ, સ્મિત, એમને નજરે જોવાં હતાં. માનવસંસ્કૃતિની સર્વોચ્ચ સીમાએ પહોંચેલી સંસ્કૃતિના સૂત્રધારસમી એ પ્રજાની પરિસ્થિતિ આજે કેવી છે, એનું એમને અધ્યયન કરવું હતું. એવું અધ્યયન કરીને દેશના અભ્યુદય માટેનાં સમુચિત સાધનો શોધવાની એમની આકાંક્ષા હતી. એટલા માટે જ એ દેશનો પુણ્યપ્રવાસ કરી રહ્યા હતા.

એ પુણ્યપ્રવાસ એક નહિ, બે નહિ, ત્રણ નહિ, પરંતુ છ વરસ જેટલા લાંબા ગાળા લગી ચાલ્યો અને વિવેકાનંદને એમાંથી ઘણું જાણવાનું મળ્યું. એમની દૃષ્ટિ વધારે વિશદ બની.

એ માનતા કે જેને દેશની સેવા કરવી હોય તેણે દેશનું દર્શન પણ કરવું જોઈએ. દેશના પ્રત્યક્ષ દર્શન દ્વારા દેશની પ્રજાની નાડને ઓળખી શકાય અને એને સુધારવાના માર્ગો પણ શોધી શકાય.

એ દિવસો દરમિયાન એક વાર સ્વામી વિવેકાનંદ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. એમની પાસે બે ચાર જિજ્ઞાસુ જેવા યુવાનો બેઠા હતા. સ્વામીજીને જોઈને તે હિમાલયના સંતો વિશે વાતો કરવા લાગ્યા. જ્ઞાન, વિજ્ઞાન તથા તત્વજ્ઞાનની ભાતભાતની ચર્ચાઓ કરતાં કરતાં એ યુવાનોએ સ્વામીજીને પૂછ્યું કે, 'હિમાલયમાં હજારો વરસની ઉંમરના સાધુ સંતો નિવાસ કરે છે ખરા ?’

સ્વામીજીએ ઉત્તર આપ્યો કે, 'નિવાસ કરે છે.’

'એમનામાં અનેક પ્રકારની સિદ્ધિઓ હોય છે એ સાચું છે ?’ યુવાનોએ ફરી પ્રશ્ન કર્યો.

'એ પણ સાચું છે.’

ચર્ચા ખૂબ લાંબી ચાલી.

એ દરમિયાન વચ્ચે વચ્ચે સ્ટેશનો આવતાં પેલા યુવાનોએ ભોજન કર્યું ને કેટલીય વાર પાણી પીધું, પંરતુ વિવેકાનંદને ખાવા પીવાનો ભાવ ના પૂછ્યો.

લાંબા વખત સુધી તો વિવેકાનંદ એમની પ્રવૃત્તિ જોઈ રહ્યા અને એમના પ્રશ્નોના ઉત્તર પણ સંપૂર્ણ શાંતિપૂર્વક આપતા રહ્યા. પરંતુ પાછળથી ના રહેવાતા એમને બોધપાઠ આપવાના ઉદ્દેશથી કહેવા માંડ્યા : 'તમારા જેવા શિક્ષિત યુવાનો કેવળ વાતોના તડાકા જ માર્યા કરે છે. પરંતુ એ વાતોને જીવનમાં વણી લેવા તરફ કે પોતાની ટેવોને સુધારવા તરફ ધ્યાન નથી આપતા એ ખરેખર દુઃખદ છે.’

યુવાનો શરમિંદા બની ગયા ને બોલ્યા : 'કેમ ?’

'તમે કલાકોથી મારી સાથે એક જ ટ્રેનમાં બેઠા છો ને કેટલીય વાર ખાવ છો ને પાણી પીઓ છો તથા મારી સાથે ધર્મની વાતો કરો છો, પણ એક પડોશી કે સાથી તરીકે તમારો મારા પ્રત્યેનો જે ધર્મ છે તેને નથી સમજતા. તમને એટલો વિચાર પણ નથી આવતો કે તમારી જેમ મને પણ ભૂખ-તરસ લાગતી હશે. તેને તૃપ્ત કરવાની તમારી કશીક ફરજ છે ? છતાં પણ એ વિચારનો અમલ કરીને તમે થોડી ઘણી માણસાઈ પણ નથી બતાવી શકતા. આવું વાતોનું વેદાંત શા કામનું ?’

યુવાનો પોતાની ભૂલ સમજીને વિવેકાનંદની ક્ષમા માગવા માંડ્યા. એ પછી એમણે વિવેકાનંદની સેવા કરી. એમને સમજાયું કે જે ધર્મ કે તત્વજ્ઞાન મનુષ્ય તરીકેના સામાન્ય ધર્મને પણ ના શીખવે ને શક્તિ હોવા છતાં બીજા સેવા ના કરી શકે તે ધર્મ કે તત્વજ્ઞાન જીવનનું પ્રેરક બળ નથી બની શકતું; આશીર્વાદરૂપ પણ નથી થઈ શકતું. એમને નવી દૃષ્ટિ મળી.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.
-Marcel Proust

prabhu-handwriting