Text Size

ગાંધીજીનો સંદેશ

મારાં જીવનનાં શરૂઆતનાં કેટલાંક વરસો મેં મુંબઈની એક સંસ્થામાં પસાર કર્યાં હતાં.

સંસ્થા ઘણી સુંદર અને વ્યવસ્થિત હતી. ત્યાં રહેનારાં વિદ્યાર્થીઓને ઘણી સારી તાલીમ અપાતી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ કાંઈ ઓછી નહોતી. એકસો પચીસ જેટલી હતી. રહેવાની, જમવાની તથા બીજી વ્યવસ્થા સંસ્થામાં જ હતી અને ભણવા માટે બહાર જવું પડતું.

અહીં જે વાત કરી રહ્યો છું તે ઈ.સ. ૧૯૩૨ ની છે.

તે વખતે દેશની પરિસ્થિતિ જુદી જ હતી. મહાત્મા ગાંધીજીની અસાધારણ અસરથી આખાયે દેશમાં જાગૃતિની એક જોરદાર નવી લહરી ફરી વળી હતી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણમાં બધે જ દેશને માટે કાંઈક કરી છૂટવાની અને ગુલામીનાં વરસો જૂનાં બંધનોમાંથી દેશને મુક્ત કરવાની ભાવના જોર પકડતી જતી હતી. આખા દેશની કાયાપલટ થઈ રહેલી એમ કહીએ તો ચાલે. નવજાગૃતિની એક ખાસ નોંધપાત્ર વિશેષતા એ હતી કે સ્ત્રીઓ તથા બાળકો પણ એની અસરથી અલિપ્ત નહોતાં રહી શક્યાં. દેશને માટે કાંઈક કરી છૂટવાની કે મરી ફિટવાની તમન્ના નાનાં મોટાં સૌની અંદર પેદા થઈ હતી.

એની પાછળ ગાંધીજીના જાદુઈ વ્યક્તિત્વનો પ્રભાવ હતો.

એ દિવસોમાં ગાંધીજી અમારી સંસ્થામાં સવારની પ્રાર્થના કરવા આવતા.

સંસ્થાનું વિશાળ મેદાન એમને ખૂબ જ પસંદ પડ્યું હોવાથી પ્રાર્થના માટે એ એનો ઉપયોગ કરતા.

એમની પ્રાર્થનામાં માણસો પણ ઘણી સારી સંખ્યામાં ભેગા થતાં. અમારે મન ગાંધીજીનું જીવન આશ્ચર્યમય હતું. એમના વિચારો તથા સિદ્ધાંતોને અમે કિશોરાવસ્થામાં હોવાથી બરાબર સમજી તો ન શક્યા પરંતુ એ દેશવાસીઓનું હિત કરવાની ઈચ્છા રાખે છે એમ માનીને એમના તરફ આદરભાવથી તો જોતાં જ.

એકવાર અમારી સંસ્થાના ગૃહપતિએ એમને સંસ્થામાં બધે ફેરવ્યા, અને પછી સંસ્થાનાં બાળકોને માટે એમની પાસે સંદેશો માગ્યો. ગાંધીજી તો મહાન કર્મયોગી. જીવનને અને જીવનની બધી જ પ્રવૃત્તિઓને કર્મયોગની દૃષ્ટિથી જ જોનારા કે મૂલવનારા. એમણે શાંતિપૂર્વક કલમ ઉપાડીને લખ્યું,

'આ સંસ્થાનાં બાળકો જેઓ લોકમદદથી શિક્ષણ મેળવે છે તે આ વાત યાદ રાખી મોટાં થતાં તે ઉપકારનો બદલો લોકસેવા કરી વાપરશે, એવી મારી ઉમેદ છે.’
- મોહનદાસ ગાંધી (૩-૧-’૩૨)

ગાંધીજીના લખાણ પાછળની ભાવના અત્યંત ઉદાત્ત હતી. બાળકો એ ભાવનાને ભૂલે નહિ અને આગળ જતાં લોકસેવાની દૃષ્ટિને કેળવીને પોતાના જીવનને યજ્ઞમય બનાવે એવી એમની ઈચ્છા હતી. સંસ્થાના સંચાલકોએ એ લખાણને કાચની ફ્રેમમાં મઢી લીધું ને ઓફિસ ખંડમાં લટકાવીને અમર રાખ્યું. સંસ્થાની મુલાકાત લેનારા એ લખાણને વાંચતા તથા પ્રસન્ન થતાં તેવી રીતે આજે પણ પ્રસન્ન થાય છે. પરંતુ એ લખાણના મર્મનો વિચાર કરી એને જીવનમાં ઉતારનારા, આત્મસાત્ કરનારા, કે હજમ કરનારા કેટલા નીકળ્યા ? બાળકોમાંના કેટલાકે તો એ લખાણને વાંચ્યું પણ નહિ હોય. સંસ્થાના સંચાલકોએ એને વંચાવ્યું પણ નહિ હોય. પછી બાળકો એનો જીવનમાં અનુવાદ કરીને એનો અમલ કેવી રીતે કરી શકે ? એવી આશા પણ એમની પાસે કેવી રીતે રાખી શકાય ? મહાન પુરૂષો પાસેથી લેવાતાં આપણા મોટા ભાગના સંદેશાઓ કે હસ્તાક્ષરોનું એવું જ થાય છે. તે લેવાને ખાતર લેવામાં આવે છે, એક સ્મૃતિ તરીકે કે બીજાને બતાવવા માટે સાચવી રાખવામાં આવે છે, પરંતુ જીવન ઘડતર માટે તેમનો ઉપયોગ ભાગ્યે જ થતો હોવાથી, પ્રેરણાપદ નથી બની શકતા. તે ફેશનરૂપ બની જાય છે પણ જરૂરી નથી બનતા. નહિ તો એ સંદેશા કેટલા બધા ઉપયોગી થઈ શકે ?

મહાત્મા ગાંધીએ આપેલો એ સંદેશો સૌને માટે કામનો છે. આ વિશ્વ એક વિશાળ સંસ્થા છે. તેમાં સૌ એકમેકની મદદથી જીવી રહ્યાં છે. તેના બદલામાં એકમેકને મદદરૂપ થવા તત્પર રહેવું એ સૌનું કર્તવ્ય છે. એટલી વાત જો સારી પેઠે સમજાઈ જાય તો ? લોકોને કેટલો લાભ થાય, અને સમાજની સૂરત કેટલી બધી બદલાઈ જાય ? ગાંધીજીના સંદેશને એવી વિશાળ દૃષ્ટિથી વિચારવાની જરૂર છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

God's love elevates us without inflating us, and humbles us without degrading us.
- B.M. Nottage

prabhu-handwriting