Text Size

યોગની સાધનામાં હતાશ અભિનેત્રી

અમેરિકાના સિનેમાજગતની એક જાણીતી લોકપ્રિય અભિનેત્રી.

એનું નામ જાણવાની તમને સૌને જિજ્ઞાસા થશે તે જાણું છું. જિજ્ઞાસા થાય એ બરાબર છે. છતાં પણ એ જિજ્ઞાસા ના સંતોષુ અથવા એનું નામ ના આપું એ જ બરાબર છે. તમારે નામ સાથે નહિ પરંતુ એની કથા સાથે જ કામ છે ને ?

ઈ.સ. ૧૯૬૦ ની આસપાસ એ સુપ્રસિદ્ધ અમેરિકન અભિનેત્રી ભારતમાં આવી પહોંચી. શા માટે ખબર છે ?

યોગસાધના કરવાની ઈચ્છાથી અને એ સાધનાનું અનુષ્ઠાન કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરીને પરમશાંતિની પ્રાપ્તિ કરવાની ભાવનાથી.

ભાવના ઘણી ઉત્તમ હતી પરંતુ એની પૂર્તિ કેવી રીતે થાય ?

એ ભાવનાથી પ્રેરાઈને ભારતમાં એ ઠેકઠેકાણે ફરી, કેટલાય સંત પુરૂષોના સંપર્કમાં આવી, અને કેટલાક યોગગ્રંથોનો પરિચય કરી ચૂકી. છતાં પણ એને ચોક્કસ દિશા ના મળી. ફરતી ફરતી એ હિમાલયની ઋષિમુનિસેવિત પુરાણપ્રસિદ્ધ ભૂમિમાં આવી પહોંચી. અને થયું કે હિમાલયની ભૂમિ તો તપસ્વીઓ, યોગીઓ અને જ્ઞાની મહાત્માઓની વિહાર ભૂમિ છે. ત્યાં તો મારી યાતના પૂરી થશે જ. કોઈ ઈશ્વરદર્શી મહાપુરૂષની છત્રછાયામાં બેસીને મારા જીવનનું સાર્થક્ય હું જરૂર કરી શકીશ.

ઋષિકેશમાં સ્વર્ગાશ્રમના સુંદર શાંત પ્રદેશમાં ત્યારે એક સંતપુરૂષ નિવાસ કરતા. એ હિમાલયનાં અંદરનાં સ્થળોમાં સાધના કરીને થોડા જ વખતથી ઋષિકેશ આવેલા. યોગની રહસ્યમયી ગૂઢ સાધનામાં એ નિષ્ણાત મનાતા. અમેરિકન અભિનેત્રી એમને જોઈને પ્રભાવિત થઈ અને એમના સહવાસમાં અવારનવાર રહેવા લાગી.

એક ધન્ય દિવસે એણે સંતપુરૂષને યોગસાધનાની દીક્ષા આપવા માટે પ્રાર્થના કરી તો સંતપુરૂષે તરત જ ઉત્તર આપ્યો કે દીક્ષા લેતાં પહેલાં તારે કેટલીક વિશેષ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. તું અમેરિકન છે અને સિનેમાલાઈનમાં કામ કરી ચૂકી છે માટે સૌથી પહેલાં તો તારા સંસ્કારોની શુદ્ધિને માટે મારે અનુષ્ઠાન તથા હવન કરવો પડશે. અનુષ્ઠાન કરતાં બે મહિના લાગશે અને આઠથી દસ હજારનો ખર્ચ થશે.

સંતપુરૂષને થયું કે પૈસા કઢાવવાનો આવો અનુકૂળ અવસર ફરી ફરી આવવાનો નથી, અને પેલી અભિનેત્રીને થયું કે આટલો સ્થૂલ ભોગ આપીને પણ હું યોગસાધના માટે લાયક થઈ શકું તો સારું એટલે એણે દસેક હજારની રકમ પેલા સંતને અર્પણ કરી તથા અનુષ્ઠાન કરવાની સંમતિ આપી.

બે મહિના પૂરા થયા એટલે દીક્ષા આપવાને બદલે સંતપુરૂષે કહ્યું કે, 'મારા ઈષ્ટદેવ તું પરદેશી હોવાથી તને દીક્ષા આપવાની અનુજ્ઞા નથી આપતાં. છતાં પણ તું થોડો વધારે ખર્ચ કરે તો મારા ઈષ્ટદેવને પ્રસન્ન કરવાની કોશિશ કરી શકું.’

પેલી સ્ત્રી હતાશ થઈ. વધારે ખરચવાનું એને નિરર્થક લાગ્યું.

સંતપુરૂષ એને બૌદ્ધિક રીતે સંતોષવાના કામમાં પણ નિષ્ફળ ગયા.

ભારતના યોગીઓ વિશેની એની કલ્પનામાં ઘણો ફેર પડી ગયો.

એના એક અમેરિકન મિત્રે મારી આગળ એ બધી વાતનું વર્ણન કરીને કહ્યું 'એ સ્ત્રીને જો તમારો મેળાપ થયો હોત તો એને ઘણો લાભ થાત. પરંતુ તમે અહીં આવ્યા છો અને એ ઋષિકેશની આ ભૂમિ છોડીને બર્મા તરફ વિદાય થઈ છે.’

પરદેશથી આવતાં આવાં સ્ત્રી-પુરૂષો સાથે વ્યવહાર કરતી વખતે આપણા સંતપુરૂષો વ્યાપારી બુદ્ધિ રાખવાને બદલે માનવતા ભરેલો ને પોતાના દેશની શાન વધારનારો નિઃસ્વાર્થ વ્યવહાર રાખે એ ઈચ્છવા યોગ્ય છે. સંતપુરૂષોને એના સાચા વર્તાવને માટે ભલામણ કરવી પડે છે એ પણ સમયની બલિહારી છે !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous

prabhu-handwriting