Text Size

મેં તો વિશ્વને પહેર્યું છે

ઈ.સ. ૧૯૫૦ ની વાત છે. ગુજરાતનો પ્રવાસ પૂરો કરીને હું હિમાલયના પવિત્ર તીર્થધામ દેવપ્રયાગમાં આવી પહોંચ્યો. એ વખતે ઉનાળાનો આરંભ થયેલો. 

હિમાલયની ભૂમિ આમ જ સિદ્ધ કોટિના મહાત્મા પુરૂષોની વિહારભૂમિ છે. એ ભૂમિનાં પરમાણુ આજે પણ એમની તપશ્ચર્યાના પ્રભાવથી અલૌકિક અને પાવન લાગે છે.

એ ભૂમિને વંદન કર્યા. મોટરમાંથી ઊતરીને મોટરસ્ટેન્ડની પાસે આવેલી દુકાનમાં જવા માટે હું પગથિયાં ઊતરતો હતો ત્યાં જ મારી નજર બાજુના મકાનની દીવાલ પાસે બેઠેલા એક સાધુપુરૂષ પર પડી. તે ચલમ પીતાં પીતાં કોઈ પડોશીની સાથે વાતચીત કરતા હતા. એમને જોતાંવેંત જ મારા પ્રાણમાં પડઘો પડ્યો કે આ કોઈ અસાધારણ કક્ષાએ પહોંચેલા મહાપુરૂષ છે. ઉપરથી એમનો વેશ સાધારણ લાગે છે, પરંતુ એમની આત્મિક અવસ્થા અત્યંત ઊંચી અને અનેરી છે.

સાધનાની અમુક અવસ્થાએ પહોંચ્યા પછી, કોઈ પણ ઊંચી કોટિની વ્યક્તિને ઓળખવાનું કામ સહેલું બને છે. એમની યોગ્યતા વિશે હૃદય એમને જોતાંવેંત જ બોલી ઊઠે છે. આ વાત સૌના સંબંધમાં સાચી હોય કે નહિ, પરંતુ મારા સંબંધમાં સાચી ઠરી હતી. અને એવી રીતે મેં કેટલાય છૂપા રતન જેવા મહાપુરૂષોને દૃષ્ટિ પડતાંવેંત જ ઓળખી કાઢેલા. આ મહાપુરૂષના સંબંધમાં પણ એવું જ બન્યું.

દેવપ્રયાગના પંડા મારી પાસે આવ્યા એટલે મેં પૂછ્યું : 'આ મહાપુરૂષ અહીં ક્યારથી આવ્યા છે ?’

'લગભગ મહિનાથી આવ્યા છે.’ એમણે કહ્યું, 'અને ગંગા કિનારે સંગમ પરની ગુફામાં પડ્યા રહે છે.’

મેં કહ્યું : 'આ તો સમર્થ મહાપુરૂષ છે. એમને હું પાછો આવું ત્યાં સુધી બેસાડી રાખજો.’

પાછા આવીને મેં જોયું તો એ મહાત્મા પુરૂષ હાથમાં મૃગચર્મ લઈને તથા કામળો ઓઢીને મારા આશ્રમ પર આવવા તૈયાર થઈ ગયા હતા. આશ્રમ ઘોર જંગલમાં, મોટર સ્ટેન્ડથી થોડે દૂર હતો.

ત્યાં આવ્યા પછી એ મહાપુરૂષે મૃગચર્મ નીચે પાથર્યું, ને કામળો બાજુ પર મૂકીને, બહાર ચોકમાં, પદ્માસન વાળીને બેસી ગયા. એમનું સાચું સ્વરૂપ ત્યાં જ જોવા મળ્યું.

શરીર તો એમનું કાળું હતું, પરંતુ આંખમાં એક પ્રકારની અસાધારણ આભા ભરેલી હતી. એમનાં લોચન ચમકતાં’તા એમ કહીએ તો ચાલે. માથા પર જટા, નાની સરખી દાઢી, અને સામે ત્રિશૂળ !

મેં પૂછ્યું : 'આપ કિસ તરફસે આતે હૈ?’

'કેદારનાથ સે’ એમણે ઉત્તર આપ્યો, 'વહાં એક બડા મહાત્મા રહતા હૈ, ઉસે મિલને ગયા થા. લેકિન ઉસકે દિલમેં ધનકી લાલસા ઔર લોકેષણા હૈ. માયાકે ગઢકો તોડના કોઈ સહજ બાત થોડી હૈ ? કોઈ કહાં આકર રૂકતા હૈ, ઔર કોઈ કહાં આકર.’

ફરી પાછી શાંતિ.

એ સમસ્ત સમય દરમ્યાન એ મહાપુરૂષની આંખનું પોપચું પણ નહોતું પડતું. લગભગ કલાક વીતી ગયો. એ પદ્માસનમાં જ રહ્યા. અને એમની આંખનું મટકું પણ ના પડ્યું. ત્રાટક અથવા તો સમાધિની સિદ્ધિવાળા યોગીની આંખ એ ધારે તો અનિમેષ રહે છે એવું મેં યોગ ગ્રંથોમાં વાંચેલું, તે એમને જોઈને સાચું પડ્યું.

ચાલતી વખતે એમની લંગોટી નીકળી પડી. પંડાજી એ લઈને એમની પાછળ ગયા.

હૃષીકેશ જતી મોટરમાં બેઠેલા પેલા મહાપુરૂષની પાસે જઈને એમણે કહ્યું : 'આપકી લંગોટી રહ ગઈ હૈ.

'કિસકી લંગોટી ?’ એમણે કહ્યું : મેરી લંગોટી તો હૈ હી નહિ. તો પડી કૈસે ?’

પંડાએ લંગોટી બતાવી તો એમણે કહ્યું : 'બેટા, તૂ પહેન લેના. મૈં લંગોટી કે બિના નહિ બૈઠા. મૈંને તો સારે વિશ્વકો પહન રક્ખા હૈ. જા, શાંતિકી ઈચ્છા કરતા હૈ ઔર કલ્યાણ ચાહતા હૈ, તો આશ્રમમેં રહનેવાલે યોગીકી સેવા કર. ઉસે તૂ અભી નહિ પહચાનતા.’
અને મોટર ઉપડી.

પંડાજી આશ્રમ પર પાછા આવ્યા ત્યારે એમની વાત સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. આવા મહાપુરૂષો ખરેખર ઈશ્વરની કૃપા હોય તો, અને જવલ્લે જ મળે છે. એવી પ્રતીતિ સાથે અમે છૂટા પડ્યા.

આજે પણ એ મહાપુરૂષની સ્મૃતિ એવી જ તાજી છે. એ જ્યાં હોય ત્યાં એમને મારા પ્રણામ ! પ્રેમપૂર્વક પ્રણામ !

એમના કથન પ્રમાણે એ ફરી નથી મળ્યા.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

We turn to God for help when our foundations are shaking, only to learn that it is God who is shaking them.
- Unknown

prabhu-handwriting