શણગારવાના નવા નવા શણગાર લઈને હું તમારી પાસે આવું છું: પરંતુ તમારા મંદિરના પ્રાંગણમાં પહોંચતાં જ મારા પગ થંભી જાય છે, ને તમારી પાસે મંદિરના ગર્ભદ્વારમાં હું ખાલી હાથે આવીને ઊભો રહું છું.
સમર્પણ કરવાની નવી નવી સામગ્રીને ધરાવવાનો નવો નવો ભોગ લઈને હું તમારી પાસે આવું છું: પરંતુ તમારા મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ મારા પગ થંભી જાય છે, ને તમારી પાસે મંદિરના ગર્ભદ્વારમાં હું ખાલી હાથે આવીને ઊભો રહું છું.
ધનના વિશાળ સંગ્રહ ને ઘરેણા સાથે હું તમારી પાસે આવું છું: પરંતુ તમારા મંદિરના પ્રાંગણમાં પહોંચતાં જ મારા પગ થંભી જાય છે, ને તમારી પાસે મંદિરના ગર્ભદ્વારમાં હું ખાલી હાથે આવીને ઊભો રહું છું.
પાર વિનાના વસ્ત્રોથી તમને સજાવવાનો મનોરથ કરીને હું તમારી પાસે આવું છું: પરંતુ તમારા મંદિરના પ્રાંગણમાં પહોંચતાં જ મારા પગ થંભી જાય છે, ને તમારી પાસે મંદિરના ગર્ભદ્વારમાં હું ખાલી હાથે આવીને ઊભો રહું છું.
પહેલાં તમારા પ્રાંગણમાં હારબંધ બેઠેલા આ ભૂખ્યા, અર્ધનગ્ન ને અનિકેત લોકોને દૂર કરો. પહેલાં તેમની દવા કરો. તે પછી જ તમારા ગર્ભદ્વારમાં મારી રહી સહી સંપત્તિ સાથે હું પહોંચી શકીશ. પહેલાં આ માનવદેવોની દવા કરો. તેમને જોઈને મારું દિલ દ્રવી જાય છે, ને તમારે માટે જે લાવું છું, તે તેમને ચરણે ધરવાનું મન થાય છે. ત્યાં લગી હું એમ જ માનું છું, ને માન્યા કરીશ, કે મારી પૂજા તમને જ પહોંચી રહી છે, ને વિવિધ રીતે તમારી જ સેવા થઈ રહી છે: અનેકવિધ રૂપમાં રમનારા તમને ઓળખી લેવામાં મેં ભૂલ નથી કરી: ખરેખર ભૂલ નથી કરી.
- શ્રી યોગેશ્વરજી