Text Size

વર્તમાનકાળમાં કેવા ધર્મની જરૂર છે ?

વર્તમાન કાળ ચિંતનનો ને મંથનનો કાળ છે. કોઈ એને વૈજ્ઞાનિક ઉત્કર્ષનો કાળ કહે છે તો કોઈ બુદ્ધિવાદનો. એ કાળને સંક્રાતિ કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે, અસ્થિરતાનો કાળ પણ કહેવામાં આવે છે, અથવા તો લોકશાહીના ઉદયકાળ તરીકે પણ એનો ઉલ્લેખ કરવામાં આવે છે. નીતિ, ધર્મ કે આધ્યાત્મિકતાનાં મૂલ્યોના નાશના કાળ તરીકે પણ એનો નિર્દેશ નથી થતો એમ નહીં. ઘણાયે વાસ્તવવાદી વિચારકોનું માનવું છે કે વર્તમાન પ્રજામાંથી ધર્મની રસવૃત્તિ, રુચિ કે શ્રદ્ધા ઓસરતી જાય છે. ખાસ કરીને સુશિક્ષિત કહેવાતી નવી પેઢીની અંદર ધર્મની ભાવના ડગમગતી જાય છે. એને ધર્મના અનુષ્ઠાનમાં એટલી બધી આસ્થા નથી રહી.

એ પરિસ્થિતિથી ધર્મોપાસકોમાંના કેટલાય સ્વભાવિક રીતે જ સચિંત બન્યા છે. તેમને થાય છે કે શાસ્ત્રોમાં જે ઘોર કલિકાળનું વર્ણન કરવામાં આવ્યું છે તે કલિકાળ એની પરિસીમાએ પહોંચ્યો કે શું ? અથવા તો ધરતી હવે રસાતાળ જવા બેઠી ? એંમની ચિંતા તદ્દન અસ્થાને છે એવું નહિ કહી શકાય. તેમની વ્યગ્રતામાં વર્તમાન પરિસ્થતિનો પડઘો પડે છે એ સાચું છે. પરંતુ એ પણ સાચું છે કે કેવળ વ્યગ્ર બનવાથી કાંઈ જ નહિ વળે અથવા તો વિશેષ હેતુ નહિ સરે. પરિસ્થિતિ જેવી છે તેવી છે, અને કંઈક અંશે ગંભીર છે એ પણ સાચું. પરંતુ એમાંથી માર્ગ કાઢ્યા વિના અને એના પર ઊંડો વિચાર કર્યા વિના નથી ચાલે તેમ. એટલે જ કહું છું કે પ્રજાની અંદર ધર્મની શ્રદ્ધા નથી અથવા તો ઓસરતી જાય છે એવી ફરિયાદ કે ચિંતા કર્યા કરવાને બદલે પ્રજાને કેવા ધર્મની જરૂર છે અને પ્રજાએ કેવા ધર્મમાં રુચિ રાખવી જોઈએ, તેનો વિચાર કરવાની અથવા તો તેની રૂપરેખા દોરી બતાવવાની જરૂર છે. સંભવ છે કે એ પ્રવૃત્તિ લાભકારક થઈ શકે.

વર્તમાનકાળમાં કેવા ધર્મની આવશ્યકતા છે ? મને લાગે છે કે બાહ્ય રૂપરંગ ને  ક્રિયાકાંડ પર બહુ ભાર મુકવાને બદલે ધર્મને જો જીવનોપયોગી, લોકપ્રિય ને વર્તમાનકાળ સાથે બંધબેસતો બનાવવો હશે, તો તેની જીવનશુદ્ધિની શક્યતા ને શક્તિ પર આપણે વધારે ભાર મૂકવો જોઈએ. એ શક્તિ ને શક્યતાનું વિસ્મરણ થાય અથવા તો એની ઉપેક્ષા કરવામાં આવે તે કોઈનાય હિતમાં નથી. છતાં પણ આજે એના તરફ દુર્લક્ષ થઈ રહ્યું છે - એ વાત સાચી છે.

કોઈ પણ ધર્મ માણસને કેટલે અંશે માણસ બનાવી શકે છે અને માનવતાના ઉચ્ચ ગુણધર્મોથી યુક્ત કરે તેના પરથી એની કિંમત નક્કી કરી શકાય છે. એની મહત્તા પણ એના પરથી જ આંકી શકાય છે. નાના કે મોટા, સાધારણ કે અસાધારણ દરેક ધર્મમાં ઓછાવત્તા પ્રમાણમાં એવી શક્તિ હોય છે જ. એમાં માનનાર અને એને આચનાર એનો લાભ કેટલા પ્રમાણમાં લે છે અને એની મદદથી કેટલા પ્રમાણમાં આગળ વધે છે એના પર બધો આધાર રહેતો હોય છે. ધર્મના જીવનશુદ્ધિના અગત્યના અંગ તરફ જેટલું પણ ધ્યાન આપવામાં આવે  એટલું ઓછું છે. પ્રજાનું લક્ષ એના તરફ જેટલું પણ વધારે પ્રમાણમાં ખેંચવામાં આવે એટલું લાભકારક છે. વર્તમાન પ્રજાને નીતિનાં મૂળ તત્વોની અનિવાર્ય આવશ્યકતા છે. સત્ય, દયા, સંયમ, સંપ, સહકાર ને શુદ્ધિનું બળ એમાંથી ઓછું થતું જાય છે. એને લીધે વ્યક્તિ તથા સમષ્ટિનું જીવન કથળી ગયું છે. જીવનને સુદૃઢ બનાવવા માટે ધર્મના હૃદય જેવા નીતિનાં મૂળ તત્વો એની આગળ રજૂ કરવાં પડશે અને એને એમાં રસ લેતો કરવો રહેશે. માણસ કયો ધર્મ પાળે છે કે કયા ધર્મમાં માને છે તે મહત્વનું નથી, પરંતુ એ આ મૂળભૂત વાતનો, ધર્મના હૃદયનો સ્વીકાર કરે છે કે નહીં એ જ મહત્વનું છે. કેમ કે એના જીવનવિકાસની સાથે એનો સંબંધ વિશેષ છે. એ વધારે ઉપયોગી છે.

એટલે વર્તમાન પ્રજાને આપણે ધર્મના હૃદયને, નીતિનાં મૂળ તત્વોને સમજાવવાની જરૂર છે. એનો આગ્રહ એ કેળવતી થાય એવી પ્રેરણા એને પૂરી પાડવાની છે એ પદ્ધતિ એને માટે આશીર્વાદરૂપ થઈ પડશે ને સર્વસ્વીકૃત જેવી થશે.

ધર્મને નામે ભેદભાવ ઊભા કરનારી, ઘર્ષણો જન્માવનારી, ચડસાચડસીમાં પડનારી તેમજ પક્ષાપક્ષીને પ્રબળ કરનારી પ્રવૃત્તિઓ હવે નહી ચાલે. એવી વૃત્તિ તથા પ્રવૃત્તિઓ અળખામણી થઈ ચૂકી છે, અળખામણી થતી જાય છે અને વિશેષ અળખામણી થઈ પડશે. વર્તમાન પ્રજા એ પદ્ધતિનું સમર્થન, પોષણ નહીં કરી શકે. આજે મનુષ્યનું મન એક વિશ્વના સિદ્ધાંત તરફ વળતું જાય છે ત્યારે ધર્મનું કર્તવ્ય પણ એ જ થઈ પડે છે કે એ આ અવનીમાં દેખાતી સપાટી પરની ભિન્નતાની અંદર જે અભિન્નતા કે એકતાની મંગલમય વીણા વાગી રહી છે તેની તરફ સૌનું લક્ષ ખેંચે અને એ રીતે જગતના જુદાજુદા જીવોમાં ભ્રાતૃભાવના કેળવવામાં સહકાર આપે. અંદર અંદરની સ્પર્ધાઓ, ચડસાચડસી, સંકુચિતતા તથા તિરસ્કારવૃત્તિને એ પોષે નહીં. પરંતુ એનો વિરોધ તથા પ્રતિકાર કરે. એવો ધર્મ જ આજે આવશ્યક છે, અને કલ્યાણકારક પણ એ જ થઈ શકશે. ધર્મની અંદર એની શક્તિ રહેલી છે ને એનો જેટલો પણ લાભ લેવાય એટલો ઓછો છે.

મનુષ્યજીવન તથા મનુષ્યની પાસે જે છે તે બધું એના પોતાના જ સુખપભોગ માટે ના હોઈ શકે, પરંતુ એમાં બીજાનો હિસ્સો પણ હોય, અને બીજાના હિતને માટે પણ એનો ઉપયોગ થવો જોઈએ. એ હકિકત પ્રત્યેક સુસંસ્કૃત ધર્મે સ્વીકારેલી છે. એ હકીકતનું સ્મરણ આજની ને ભવિષ્યની બધી જ પ્રજાને માટે ઉપયોગી છે. વિવેકી અને અવિવેકી મનુષ્યમાં મુખ્ય તફાવત એટલો જ છે કે અવિવેકી મનુષ્ય કેવળ પોતાના સ્વાર્થ સારું શ્વાસ લે છે, જ્યારે વિવેકી મનુષ્ય પોતાના જીવનવિકાસનો વિચાર તો કરતો જ હોય છે, પરંતુ બીજાને માટે પણ જીવતો હોય છે. પોતાની પાસે જે કાંઈ છે તેનો ઉપયોગ બીજાને માટે કરવા તે તત્પર રહે છે. તેની કેટલીક વિશેષતાઓમાંની એક એ પણ હોય છે. આજની અને આવતીકાલની પ્રજા એ વિશેષતાને પોતાના જીવનમાં ધારણ કરે, મૂર્તિમાન બનાવે કે ઉતારે તે જરૂરી છે. એથી હિત જ સધાશે એ નક્કી છે.

આનો અર્થ શું થાય તે જાણો છો ? સેવાભાવ કે સહકાર. 'सहनो भुनक्तु' 'સાથે મળીને ભોગવીએ' ની ઉક્તિમાં ઉપનિષદના પ્રાત:સ્મરણીય ઋષિએ એ ભાવના વણી લીધી છે. એ ધર્મભાવનાને આજની પ્રજા પસંદ કરશે. પસંદ કરશે એટલું જ નહી, પરંતુ તે પ્રમાણે ચાલશે, તેને જીવનમાં ઉતારશે, તો જીવન જ્યોતિર્મય થશે ને ધન્ય બનશે. જ્યાં જ્યાં એ સદભાવના ફરી વળશે ત્યાં ત્યાં પરિણામ મંગલ આવશે એમાં શંકા નથી.

ધર્મના આવા સર્વોપયોગી મૂળ તત્વો પર ભાર મૂકવામાં આવે તો ધર્મની આવશ્યકતા સમજાયા વિના નહિ રહે અને તે લોકપ્રિય થશે. નવી પેઢી તેને જરૂર સ્વીકારશે. આજે એવા જીવનોપયોગી ધર્મની જ જરૂર છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore