કથાનું પ્રયોજન
જીવનના વીતી ગયેલા વખતને ફરીથી યાદ કરવાનું કારણ ? ભૂતકાળની ગર્તામાં પડેલી ક્ષણોને બહાર કાઢીને ફરી વાર તાજી કરવાનું કારણ ? જે પ્રસંગો પવનની લહરી અથવા તો પાણીના પ્રવાહની પેઠે કેટલાક કાળ સુધી પીડા કરીને છેવટે પસાર થઇ ચુક્યા છે ને કોટિ પ્રયત્ને પણ ફરી વાર જીવી શકવાના નથી એમને અક્ષરદેહમાં આલેખવાનું પ્રયોજન શું ? એમને શબ્દોની સુમનમાળામાં ગૂંથવાની પાછળ કયો હેતુ કામ કરી રહ્યો છે ? સ્મૃતિપટ પર સંઘરાયેલાએ પ્રસંગોને સજીવન કરીને શબ્દસ્વરૂપે રજૂ કરવાથી કોઈ વિશેષ ને ઉપકારક હેતુની સિદ્ધિ થવાની સંભાવના છે ? વીતી ગયેલા જીવનપ્રવાહની એવી પ્રસિદ્ધિ પાછળ કોઈ સાધારણ લૌકિક હેતુ તો કામ નથી કરી રહ્યો ? કીર્તિની કમાણી કરવાની કામનાથી તો શું આ કામ નથી થઈ રહ્યું ? લક્ષ્મીની લાલસા તો તેના મૂળમાં નથી પડી રહી ? આત્મશ્લાઘા, અહંતા અને આપબડાઇનો અંચળો ઓઢીને લેખનના આ કામમાં પ્રવૃત્ત નથી થવાયુંને ?
એના જવાબમાં આપણે કહીશું કે ના. ખૂબ ખૂબ ભાર દઈને કહીશું કે ના. જીવનના પ્રકાશના પંથના પ્રવાસની આ પ્રસિદ્ધિની પાછળ કોઈ સાધારણ લૌકિક હેતુ કામ નથી કરી રહ્યો. કીર્તિની કામના અને લક્ષ્મીની લાલસા પણ તેના મૂળમાં નથી પડી. કેવલ દિલબહેલાવ કે મનોરંજનને માટે પણ એની અભિવ્યક્તિનો પ્રયાસ નથી થઈ રહ્યો. આત્મશ્લાઘા, અહંતા અને આપબડાઈની ભાવના તો અડકી શકે તેમ પણ નથી, તે તો તેનાથી કોસો દૂર છે, લોકપ્રિયતાની ફોરમ તેની પાસે ફરકી શકતી પણ નથી, ને કેવળ સમય પસાર કરવા માટે પણ જીવનની આ અમૂલ્ય ક્ષણો આવી રીતે એમ ને એમ નથી વહી રહી.
રહ્યા બીજા પ્રશ્નોના પ્રત્યુત્તરો. તે વિશે તો મારે એટલું જ કહેવાનું છે કે ભૂતકાળની સ્મૃતિ લગભગ દરેક માણસને થયા કરે છે. વીતી ગયેલા, સારા સ્વપ્નની જેમ પસાર થઈ ચૂકેલા જીવનના મીઠા પ્રસંગોને માણસ લાંબા વખત લગી ને વારંવાર યાદ કરે છે. તેમાંથી તેને પ્રેરણા, આનંદ, પ્રકાશ ને શાંતિ મળે છે. નવજીવનનું ભાથું પણ તે તેમાંથી ભરી શકે છે. ખવાઈ ગયેલા પશુના ખોરાકની જેમ જીવાઈ ગયેલી એ પળોને વાગોળવાનું ને તેમાંથી સંજીવની મેળવવાનું કામ માણસના જીવનમાં ચાલ્યા જ કરે છે. તેના પરિણામરૂપે બીજાને કોઈ લાભ લાગતો હોય કે ન લાગતો હોય, માણસને પોતાને તો લાભ થાય જ છે. અતીતની સ્મૃતિ તેનો સ્વભાવ થઈ ગયો હોય તેવું દેખાય છે ને તેને માટે કેટલીક વાર તે ભારે સહાયકારક થઈ પડે છે. વીતી ગયેલી ક્ષણોને યાદ કરવાથી મળનારી એ સહાયતા, પ્રેરણાશક્તિ અને સંજીવનીથી વધારે મોટો લાભ બીજો કયો હોઈ શકે ? ભૂતકાળને યાદ કરવાનું એથી વિશેષ ઉપકારક પ્રયોજન બીજું કયું હોઇ શકે ? એને આત્મિક સુખ કહો, પ્રસન્નતા કહો, આત્મસંતોષ કહો કે ગમે તે કહો, વીતી ગયેલી પળોને યાદ કરવાનો તેથી વિશષ ઉપકારક, અસરકારક, પ્રબળ હેતુ પણ બીજો કયો હોઇ શકે ?
માનવજીવન અત્યંત મૂલ્યવાન છે. તે જેમતેમ જીવી કાઢવાનું નથી. તેમાં ભારે શક્તિ ને શક્યતા રહેલી છે. તેનો સદુપયોગ કરીને એક કુશળ કારીગરની જેમ માણસે પોતાના જીવનનું ઘડતર કરવાનું છે. જીવન મિથ્યા નથી, પ્રયોજન વિનાનું પણ નથી. તેની પાછળ અમુક નિશ્ચિત હેતુ છે. તેનું ખાસ પ્રયોજન છે. દેહધારી માનવને એની અલ્પતાનો અંત લાવી અને એને વધારે ને વધારે ઉચ્ચ તથા ઉજ્જવળ બનાવી છેવટે એને પરિપૂર્ણ કરવાની તક મળેલી છે. અંધકારને દૂર કરી, અસત્ય અને મૃત્યુના આવરણને હટાવી દઈ, તેને જ્યોતિર્મય, સત્યમય ને અમૃતમય કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તે માટે તેણે પ્રયાસ કરવાનો છે-કહો કે અનવરત પ્રયાસ કરવાનો છે. પ્રકાશના પંથના એ પ્રવાસનું એણે અવારનવાર અવલોકન પણ કરતા રહેવાનું છે ને ધ્યેયસિદ્ધિ ન થાય ત્યાં સુધી જાગૃત રહીને આગળ ને આગળ ધપવાનું છે. એવું અવલોકન અને એવી જાગૃતિ ખૂબ ખૂબ મદદરૂપ થઈ પડશે. વીતી ગયેલા પ્રસંગોનું સરવૈયું કાઢવાનો એ પણ એક લાભ છે.
પણ તેવું સરવૈયું તો સ્મૃતિ દ્વારા પણ કાઢી શકાય. શાબ્દિક રૂપે એવું સરવૈયું કાઢવાની જરૂર છે જ એવું થોડું છે ? એનો ઉત્તર એટલો જ કે કોઈનામાં શક્તિ હોય, ને તેવું સરવૈયું તે શાબ્દિક રૂપે કાઢે, તો તેમાં ખોટું પણ શું છે ? જેને જે પદ્ધતિ વધારે અનુકૂળ આવે તેનો લાભ તે ભલે લે. એમાં આપણને હરકત પણ શું છે ? દરેક માણસે અમુક પદ્ધતિનો જ આધાર લેવો જોઈએ એવો દુરાગ્રહ આપણે કે કોઈએ શા માટે રાખવો જોઈએ ? જેને જે પદ્ધતિ વધારે પસંદ પડે એનો જ આશ્રય તે ભલે લે. તે માટે તે સ્વતંત્ર છે.
મારા સંબંધમાં તો હું એટલું જ કહી શકું કે આ કામ ઈશ્વરની ઈચ્છાથી થઈ રહ્યું છે. ભૂતકાળને યાદ કર્યા વિના હું સારી પેઠે આગળ વધી શકું તેમ છું. છતાં ઈશ્વરી પ્રેરણા પ્રમાણે મારે તેની યાદ કરવી પડે છે. સ્મૃતિપટ પર તાજા થયેલા ભૂતકાળને શબ્દોમાં સાકાર કરવાનું કામ પણ તેથી જ થઈ રહ્યું છે. એને અક્ષરમાં આલેખ્યા વિના ચાલી શકે તેમ છે. છતાં ઈશ્વરની ઈચ્છા જુદી છે ને મારે તે પ્રમાણે ચાલ્યા વિના છૂટકો નથી. તેની પાછળ ઈશ્વરનું શું પ્રયોજન છે તે તો તે જ જાણે. એક નાના સરખા બાળકને પૂર્ણતા કે પ્રકાશને પંથે પ્રવાસ કરવાની પ્રેરણા થઈ ને તેણે પ્રવાસ શરૂ કર્યો. માર્ગમાં તેને કેવા કેવા અસંખ્ય અવનવા અનુભવો થયા ને છેવટે તેના પ્રવાસનું પરિણામ શું આવ્યું, તેનો સંપૂર્ણ સાચો કે પ્રામાણિક ઈતિહાસ આજના જડવાદ તરફ વધારે ને વધારે ઢળતા જતા જગતને વાંચવા મળે, ને તે તેનામાં શક્તિસંચાર કરવાનું ને મરી પરવારતી આધ્યાત્મિકતા ને ઈશ્વરપરાયણતાને જાગૃત કરવાનું કામ કરે - એવી પણ કદાચ ઈશ્વરની ઈચ્છા આ પ્રેરણાની પાછળ હોઈ શકે. તેની ખરેખરી ઈચ્છા શી છે તે કોણ કહી શકે ? મારી ફરજ તો એનું અનુકરણ કરવાની કે તે ઈચ્છાને અનુવાદિત કરવાની છે. સ્વામીની આજ્ઞાને શિરોધાર્ય કરવા સિવાય સેવકનો બીજો સ્વધર્મ શો હોઇ શકે ? એટલે જ જેમ ઈશ્વરની પ્રેરણા થાય છે તેમ કર્યે જાઉં છું. ખરી રીતે તો મારું જીવન આજે વરસોથી ઈશ્વરી ઈચ્છા કે પ્રેરણાની આવૃતિ જેવું બની ગયું છે. પોતાની પ્રેરણાનો અનુવાદ ઈશ્વર આજે વરસોથી મારા જીવન દ્વારા કરાવ્યે જાય છે. આત્મકથાના પ્રસંગોને વાંચતા જવાથી આગળ પણ એ વાતની યથાર્થતાની ખાતરી થઈ જશે. ઈશ્વરના હાથમાં હું હથિયાર છું. હું વાંસળી છું ને તે તેમાં પ્રાણ પૂરનાર કે તેને વગાડનાર. જીવન જ આખું તેનું છે ને તે મય છે. માટે જ તે લખાવે છે તેમ લખ્યે જાઉં છું ને કરાવે છે તેમ કર્યે જાઉં છું. તેની ઇચ્છા એ જ પ્રયોજન. તેથી વિશેષ કીમતી પ્રયોજન બીજું કયું હોઇ શકે ?