if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 સ્મશાનમાં સળગનારી ચિતા શું કોઇ સાધારણ વસ્તુ છે ? ના. બીજાને માટે તે તદ્દન સાધારણ વસ્તુ હશે પણ મારે માટે તો વાત તેથી ઊલટી જ છે. મને તો તે સદાને માટે અસાધારણ લાગી છે અને આજે પણ લાગ્યા કરે છે. કેમકે એમાં અપાર શિક્ષા ને અખૂટ પ્રેરણાની સામગ્રી સમાયેલી છે. વિવેકથી ભ્રષ્ટ થયેલા અથવા તો અવિવેકથી અંધ થયેલા માણસને તે જાણે કે પોતાની પ્રજ્જવલિત જ્યોતિથી જાગ્રત કરે છે ને કહે છે કે સંસારના સારા ને નરસા, નાના ને મોટા, બધા પદાર્થોનો અંત આવો છે. સૌનું છેવટનું પરિણામ સરખું છે. વિનાશના અગ્નિમાં આખરે બધા પદાર્થો હોમાઇ જવાના છે. માટે તેમનો મોહ મિથ્યા છે. અરે, આ સુંદર અને આકર્ષક દેખાતું શરીર પણ છેવટે તો આ જ અવસ્થાને પામવાનું છે, સ્મશાનની ચિતામાં સળગી ને ભસ્મિભૂત થઇને છેવટે શાંત થવાનું છે. માટે તેની મમતા ને તેનો અહંકાર છોડ. તેના મોહનો ત્યાગ કર. તેને માટે ન કરવાનાં કામો કરવાનું મુકી દે. બળ, રૂપ, યૌવન કે ધન કશાનું ગુમાન ન કરીશ. ભલભલાં બળવાન, રૂપવાન, ધનવાન ને યુવાન સ્ત્રીપુરુષો મારા જેવી લાખો ચિતામાં સ્વાહા થઇ ગયા છે. તેમનું નામનિશાન પણ રહ્યું નથી. માટે અહંકારનો ત્યાગ કર, ભલાઇને ગ્રહણ કર અને આ દુનિયાની કર્મભૂમિમાં એવાં કર્મ કર કે જેથી મૃત્યુની છાયા પડવા છતાં, મૃત્યુની સોડમાં સૂતાં છતાં પણ અમર બની જાય. મૃત્યુ તારું ન થાય પણ મૃત્યુનું થાય, ને તારે લીધે મૃત્યુ પણ યશસ્વી બની જાય.

સ્મશાનની ચિતાની અંદર પ્રેરણાના આવા જુદા જુદા કેટલાયે પાઠો સમાયેલા છે. તેથી તે મને સદાને માટે આકર્ષક અને અસાધારણ લાગ્યા કરે છે. ચિતા એક જાતની યુનિવર્સિટી છે એમ કહીએ તો પણ જરાયે અતિશયોક્તિભર્યુ નથી. ફકત માણસમાં જરીક જાગૃતિ જોઇએ. તેની આંખ ઉઘાડી હોવી જોઇએ. આ જગતમાં ઘણા માણસો એવા છે જે ઉઘાડી આંખે પણ અંધ જેવું જીવન જીવી રહ્યા છે. મતલબ કે પોતાની આસપાસની દુનિયામાંથી તે કોઇ નક્કર શિક્ષા મેળવી શકતા નથી. પોતાની આજુબાજુના વાતાવરણ કે પ્રસંગોમાંથી પ્રેરણા મેળવીને પોતાના અનુભવ કે જ્ઞાનના ભંડારને ભરપૂર કે સમૃદ્ધ કરી શકતા નથી. પરિણામે આ વિશાળ સંસાર તેમને માટે વિશેષ સહાયકારક થઇ શકતો નથી. પરંતુ જાગ્રત માણસોની વાત જુદી છે. તે તો પોતાની આસપાસની સામાન્યમાં સામાન્ય ઘટનામાંથી પણ પ્રેરણા મેળવી લે છે ને માનવજીવન તથા કુદરતના નાના-મોટા ક્રમમાંથી કૈં ને કૈં બોધપાઠ ગ્રહણ કરે છે. તેમનું શિક્ષણ સ્કૂલ કે કોલેજની ચાર દિવાલો પૂરતું જ સીમિત રહેતું નથી અથવા તો અમુક ગ્રંથોના ચિંતનમનનમાં જ પુરું થતું નથી. તેમની જેમ સાધારણ માણસો પણ જાગ્રત બને તો ચિતાનું દ્રશ્ય ને તેની સ્મૃતિ તેના જીવનમાં જરૂર ક્રાંતિ કરી દેશે. નવજીવનની પ્રેરણા પૂરી પાડી, વર્તમાન જીવનને અવનવો ઓપ આપવા તૈયાર કરશે. પરિણામે જીવન ઘણી જાતની બદી ને વિકૃતિ તથા કેટલાય પ્રકારના અનર્થોમાંથી મુક્તિ મેળવશે. મારે માટે તો ચિતા દરેક વખતે પ્રેરણાદાયક થઈ પડી છે.

"એક દિન જાના રે ભાઈ !
આખર મિટ્ટીસે મિલ જાના,
એક દિન જાના રે ભાઈ !"

એ સુરાવલિ પ્રત્યેક વખતે તેના દર્શનથી ગૂંજી ઊઠી છે. બાળપણમાં રૂખીબાની ચિતા જોયા પછી પણ ચિતાને જોવાના પ્રસંગો જીવનમાં કેટલીકવાર આવ્યા છે. છતાં એનો સંદેશ હજી એવો જ નવો ને આકર્ષક રહ્યો છે. જે કામ ભલભલા કથાકારો ને ઉપદેશકો પણ સહેલાઇથી ન કરી શકે તે કામ સહેજ વારમાં અને અસરકારક રીતે કરવાની શક્તિનું દર્શન મને તેનામાં દરેક વખતે થયા કર્યું છે. કદાચ બીજા પણ કેટલાકને તેમ થતું હશે. ચિતાની વિલક્ષણતા જ એવી છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.