Text Size

મુંબઈ આશ્રમમાં

 સાબરમતીના તટ પર વસેલું ક્યાં નાનુંસરખું સરોડા ને ક્યાં મુંબઈ ! એક તદ્દન અવિકસિત, શાંત ને પછાત જેવું ગામડું ને બીજું સારા પ્રમાણમાં વિકસેલું ને વિકસતું જતું, પ્રવૃત્તિ, પ્રવૃત્તિ ને પ્રવૃત્તિથી ભરેલું ભારતનું પ્રથમ પંક્તિનું શહેર. બંનેનું વાતાવરણ પણ કેટલું બધું જુદું ! એટલે દૂર આટલી નાની ઉંમરમાં મારે જવાનું પણ ક્યાંથી હોય ? પરંતુ લલાટના લેખની વાત અનેરી છે. હજારો ગાઉની વચ્ચે પડેલા પડદાને દૂર કરીને પણ તે પોતાનું કામ કરે છે. દૂર વસનારી તદ્દન અજાણી વ્યક્તિની સાથે મેળાપ કરાવે છે. ને તેના પરિણામે રાગ કે દ્વેષની નવી દુનિયા ઊભી કરે છે. એનામાં એવી શક્તિ છે. ગમે તેવા વાતાવરણમાં પણ તે પોતાનું કામ કરે છે ને પોતાને અનુકૂળ માર્ગ નક્કી કરે છે. દરેક માનવીના જીવનમાં તે પોતાનું એકછત્રી શાસન ચલાવ્યા કરે છે. માનવીના જીવનનો ઘાટ એને અનુકૂળ હોય એવી રીતે જ ઘડાતો હોય છે. સમજુ માણસ આ વાતનો સ્વીકાર કરે છે. જક્કી અને અહંકારી માણસ એની અવગણના કરે છે. પરંતુ બંનેનાં જીવન ચાલે છે તો તે પ્રમાણે જ. લલાટના લેખ કોઈ સરમુખત્યાર કે આપખુદ માણસે પોતાની સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે બળજબરીથી લખી કાઢેલી કે લાદેલી વસ્તુ નથી. કોઈ મનસ્વી માણસે વરસાવેલો આશીર્વાદ કે અભિશાપ પણ નથી. તે તો કરેલાં કર્મોનો સંગ્રહ છે. માણસે પુરુષાર્થ કરીને ઊભા કરેલા કર્મસંસ્કારોનું મોટું પરિબળ છે. આ જીવનમાં કે બીજા જીવનમાં કર્મ કરીને જે રકમ તેણે જમા મૂકી તેનું જ વ્યાજ કે ફળ છે. પ્રત્યેકના જીવનમાં તે પોતાનો ભાગ ભજવ્યા જ કરે છે. તેણે જ મારો હાથ પકડ્યો અને નાના ગામડામાંથી ઊંચકીને મુંબઈ જેવા મોટા શહેરમાં મૂકી દીધો.

મુંબઈમાં બાબુલનાથ ને ચોપાટીના માર્ગની વચ્ચે એક નાના રસ્તા પર ધી લેડી નૉર્થકોટ હિન્દુ ઑર્ફનેજનું મકાન હતું. તેમાં મને દાખલ કરવામાં આવ્યો. મકાન ઘણું સુંદર ને વિશાળ હતું. વાતાવરણ પણ શાંતિમય. આશ્રમમાં તે વખતે લગભગ દોઢસો વિદ્યાર્થી હતા. તેમને ભોજન, વસ્ત્ર ને કેળવણી મફત મળતાં. ભણવા જવાનું બહાર હતું. જે વિદ્યાર્થીને ભણવાની રુચિ ન હોય તેમને માટે બીજા શિક્ષણની પણ વ્યવસ્થા હતી. સંગીત, ચિત્રકલા, દરજીકામ, સુથારીકામ, બેન્ડ, વ્યાયામ, હોઝીયરી કામ ને પ્રેસનું કામ આશ્રમની અંદર જ ચાલતું. તેનો લાભ લેવાની કોઈ પણ વિદ્યાર્થીને છૂટ હતી. સંસ્થામાં વિદ્યાર્થીને વીસ વરસની વય પછી રહેવા દેવામાં આવતા નહિ. તેટલી ઉંમર દરમિયાન ગમે તેટલો અભ્યાસ કરવાની છૂટ હતી. તદ્દન નાનાં બાળકોને માટે વ્યવસ્થા અલગ હતી. એટલા બધા વિદ્યાર્થીઓની વ્યવસ્થા માટે સંગીન યોજના ઘડી કાઢવામાં આવી હતી. એ-બી-સી જેવી નવ ટુકડીઓ પાડીને દરેક ટુકડીમાં લગભગ પંદર વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવતી અને દરેકમાં એકેક કેપ્ટનની વ્યવસ્થા હતી. બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો ગૃહપતિ પ્રત્યે રજૂ કરનારો આખી સંસ્થાનો એક મોટો વિદ્યાર્થી પણ રહેતો. એ રીતે વ્યવસ્થા ખૂબ સારી હતી. વિદ્યાર્થીઓને વસ્ત્રો હાથે ધોવાં પડતાં તથા વાસણ પણ હાથે ઉટકવાં પડતાં. પથારીમાં એક શેતરંજી, ઉશીકું ને બે બનૂસ આપવામાં આવતાં.

સંસ્થાના દૈનિક કાર્યક્રમનો ઉડતો ઉલ્લેખ કરી જઇએ તો તે અસ્થાને નહી ગણાય. દરેક ઋતુમાં સવારે પાંચ વાગે ઊઠવુ પડતું. તે પછી શૌચ, દાતણ ને સ્નાનથી પરવારવાનું રહેતું. સ્નાન દરેક ઋતુમાં ઠંડા પાણીથી જ કરવાનો નિયમ હતો. લગભગ સાડા છ વાગ્યે દૂધ મળતું. પાછળથી તેને બદલે વધારે પુષ્ટિકારક પદાર્થ તરીકે રાબનો સ્વીકાર ને પ્રચાર થયેલો. સાતથી સાડા સાત સંધ્યા કરાવવા ને ગીતા શીખવવા માટે શાસ્ત્રીજી આવતા. બ્રાહ્મણના બાળકોને સંધ્યા ખાસ શીખવવામાં આવતી. સાડા સાતથી સવા આઠ વ્યાયામનો વખત હતો. તે વખતે વિદ્યાર્થીઓને વ્યાયામ કરાવવા એક વ્યાયામ શિક્ષક આવતા. સવા આઠથી સાડા આઠનો સમય ગૃહપતિને પહેરેલાં કપડાં બતાવવાનો હતો. તે વખતે નખ તથા માથા પરના વાળ ને દાંતની સ્વચ્છતા પણ જોવામાં આવતી. તે પછી સવા નવ સુધી વાંચન ચાલતું. સવા નવ વાગ્યે જમવાનો ઘંટ વાગતો. બ્રાહ્મણ વિદ્યાર્થીઓને અબોટિયાં આપવામાં આવતા. તે પહેરીને જમવા બેસવાની પ્રથા હતી. બીજા વિદ્યાર્થીઓ વસ્ત્રો પહેરીને બેસી શકતાં. રસોડાની બહાર મોટો ચોક હતો. તેમાં મોટા મોટા પાટલા મૂકીને તે પર વિદ્યાર્થીઓ બેસતા. રસોઇ બનાવનારા રસોઇયા હતા, પરંતુ પીરસવાની જવાબદારી વિદ્યાર્થીઓની હતી. બ્રાહ્મણ વિદ્યાર્થીઓના દરેક મહિને પીરસવા માટે વારા નિકળતાં. રસોઇની વ્યવસ્થા ઘણી સારી હતી. તે પ્રમાણે જુદી જુદી જાતની વાનગીઓ વિદ્યાર્થીઓને મળી રહેતી. ભોજન પછી નિશાળનો કાર્યક્રમ રહેતો. સાંજે પાંચ વાગ્યે નિશાળમાંથી છુટ્યા પછી કોઇ ખાસ ક્રમ ન હતો. કેટલીક વાર મોટા વિદ્યાર્થીઓ ક્રિકેટ જેવી રમત રમતાં. સાંજે સવા છ વાગ્યે જમવાનું થતું. તે પછી સાડા સાતે સમુહ પ્રાર્થના થતી. તેમાં બે-ત્રણ વિદ્યાર્થીઓ રોજ જુદાં જુદાં ગીતો ગવડાવતાં ને બીજા ઝીલતાં. તે કાર્યક્રમ લગભગ અડધો કલાક ચાલતો. રાત્રે નવ વાગ્યે બધાને ફરજિયાત સૂવું જ પડતું. રાતે કોઇને વાંચવાની, બેસવાની કે વાતો કરવાની છૂટ ન હતી. ફકત પરીક્ષાના દિવસોમાં રાતે વાંચી શકાતું. વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે એ નિયમ ઘણો સારો હતો.

 

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting