સિંધુમાં આજે હોડી દો સ્નેહના સમીર
અંતરની મારી અરજી લો લક્ષમાં લગીર.
વહેલી સવારથી મેં સફર શરૂ કરી છે,
તન-મન-અંતરને અર્પી પ્રાણની પૂજા ધરી છે;
કાળના કપાતા જાય નીર ... અરજી લો લક્ષમાં
નદીના પ્રવાહો આવે, ભેખડોને ના સતાવે,
આનંદી અંતર મારું વિઘ્નો હઠાવે ભાવે;
નાવિક પણ થાય ના અધીર .. અરજી લો લક્ષમાં
તમારે ભરોસે હું તો પ્રવાસી બન્યો છું મોટો,
સાથ હો તમારો તો ના જીવનમાં સુખનો જોટો;
ટળી જાય તાપ તેમ પીર ... અરજી લો લક્ષમાં
કરી દો કૃપા તમે તો સફળ બને આ ફેરો,
વિષમાં અમૃત ને ચરણે મળે સ્વાદ જીવનકેરો;
'પાગલ' નાવડી પહોંચે તીર ... અરજી લો લક્ષમાં
- શ્રી યોગેશ્વરજી