Tuesday, May 22, 2012
   
Text Size

પ્રતિમાપૂજન, સંતો અને વર્તમાનપત્રો

પ્રશ્ન : પ્રતિમા પૂજનની જરૂર ખરી ?

ઉત્તર : પ્રતિમા પૂજા જગતમાં બધે જ સ્થળે જુદાજુદા સ્વરૂપમાં ચાલી રહી છે. જે કૃષ્ણ કે રામને નથી પૂજતા, તે શંકરને પૂજે છે, ને જે તેમને પણ નથી પૂજતા, તે ઈશુ કે બુધ્ધની મૂર્તિને પૂજે છે. મુસલમાનો મહમ્મદને પૂજે છે, કાબા તરફ મોં રાખી નમાજ પઢી મૂર્તિપૂજા કરે છે, ને જૈનો તીર્થંકરોને પૂજે છે. કોઈક અગ્નિપૂજા કરે છે, તો કોઈક ગ્રંથસાહેબને પૂજે છે. પણ પ્રતિમાપૂજન તો એક યા બીજા સ્વરૂપમાં જ્યાં જ્યાં માનવ છે ત્યાં ત્યાં સર્વત્ર રહ્યું છે. જે કેવળ વેદાંતી છે તે પણ ૐકારનું ચિંતન-મનન ને ધ્યાન  કરે છે, આત્માને માટે નિદિધ્યાસન કરે છે. ને આમ તે પણ પ્રતિમાપૂજનથી પર નથી. જ્યાં લગી માનવ રહેશે ત્યાં લગી આ વસ્તુ રહેવાની જ છે ને તે રહે તેમાં કાંઈ ખોટું પણ નથી. તેની સાથે લડવાનું કે તેનો વિરોધ કરવાનું કંઈ જ કારણ નથી. હા, તેમાં જે બદી હોય તે સામે લડવું જોઈએ.

ઉપાસનાની રીતિમાં જેને રસ નથી, તેવા સંસારી માનવમાં પણ આ પ્રતિમાપૂજનનું સ્વરૂપ એક યા બીજી રીતે રહેલું જ છે. જુઓ, પિતા પુત્રને જોઈને આનંદ માને છે, તેને મોટો કરે છે; પુત્ર માતાપિતાની સેવા કરે છે, સ્ત્રીને જોઈને માનવ ઉલ્લાસ અનુભવે છે ને તેની આમન્યા પાળવા માટે ગમે તેવા ભોગ આપવા તૈયાર થાય છે. આ બધી પ્રતિમાપૂજા જ છે કે બીજું કાંઈ ? પ્રતિમા કાંઈ પથ્થરની જ નથી હોતી. સંસારમાં જડચેતન જે કાંઈ છે તે ઈશ્વરની પ્રતિમા જ છે ને તેની પૂજા બધે જ થઈ રહી છે. નદી, પર્વતને માણસ સુંદર કે પવિત્ર માની સેવે છે, જળ, વાયુ ને આકાશના સૌંદર્યને પ્રિય-અપ્રિય ગણે છે. આ બધી ઈશ્વરના વિશ્વરૂપની પૂજા જ છે - ચાહે તમે જાણો કે ના જાણો. ને માનવ પોતે પોતાના જ શરીરની સંભાળ રાખે છે, તેને શણગારે છે, સુંદર ભોગસામગ્રી ધરાવે છે, એ તેની પોતાની જ પ્રતિમાની પૂજા નહિ તો બીજું શું છે ?

---

પ્રશ્ન : સંત કે મહાત્મા અથવા આધ્યાત્મિક માર્ગના પ્રવાસીએ વર્તમાનપત્રો વાંચવા કે નહીં ? ઘણા મહાત્માઓ તેમ કરવાની ના કહે છે. તે વિશે આપ શું કહો છો ?

ઉત્તર : હું તો એટલું જ કહું છું કે જો વાંચવાની ઈચ્છા થાય તો વાંચવાં. તેનો કોઈ દોષ નથી. વર્તમાનપત્રો વાંચવામાં ચોરી, જુગાર કે વ્યભિચાર જેવું અનિષ્ટ રહ્યું નથી કે તેનો ઈન્કાર કરી શકાય. વર્તમાનપત્રોમાં દેશ, દુનિયા ને સમાજના બનાવોની માહિતી મળે છે, તેમજ બીજી પણ જાણવા જેવી માહિતી હોય છે. તે માહિતીથી પરિચિત રહેવું સારું છે. આપણે આધ્યાત્મિકતાને પાંગળી કે એકાંગી કરવી નથી. તેમજ તેને જીવનના બીજા અંગોથી દૂર લઈ જઈ આભડછેટ પોષનારી બનાવવી નથી. આધ્યાત્મિકતા એટલે જીવનથી દૂર જવાનો માર્ગ નથી, પરંતુ જીવનની વાસ્તવિકતા ને વિવિધતાને સ્વીકારી તેની વચ્ચે નિર્લેપ રહેવાની સાધના છે. આજની સ્થિતિમાં તમારે લોકોની સેવા કરવાની પણ જરૂર છે ને તે માટે લોકોનાં સુખ:દુખ, સમાજ ને દેશની સમસ્યાઓ ને દુનિયાના પ્રશ્નોથી પરિચિત રહેવાનું છે. તો જ તમે લોકોની નાડ પારખી સાચી ઔષધિ આપી શકશો. જે એકાંતવાસી છે, કેવળ આત્મનિષ્ઠ મહાત્મા છે, તે દુનિયાના પ્રશ્નોથી માહિતગાર ન રહે તો ભલે. જો કે રહે તો સારું છે, પરંતુ આવી લોકહિત કરનારી વસ્તુનો તેને અણગમો કે તિરસ્કાર તો ના જ હોવો જોઈએ.

વર્તમાનપત્રો વાંચવાથી ચંચલતા થાય છે એવું કોઈ કોઈ સાધુપુરુષોનું કહેવું છે. પણ તે દલીલ પણ ઠીક નથી. વર્તમાનપત્રમાં ચંચલતા થાય એવું વધારે ભાગે કાંઈ જ નથી હોતું, જેવું કે સીનેમા નાટકોમાં હોય છે. ને તે છતાં ચંચલતા થાય તેવું લાગે તો તેમાં દોષ કોનો, વર્તમાનપત્રોનો ? મહાત્માઓનો ? નાની સરખી વાતથી ચંચલતા થાય તેને મહાત્મા જેવું મોટું નામ કેમ આપી શકાય ? તેને તો ચંચલાત્મા કહેવો જોઈએ. ને સાધારણ સાધકે પણ એવી માની લીધેલી ખોટી ચંચલતામાંથી મુક્ત થવાનું બળ મેળવવું જ જોઈએ. કેમ કે તેનો અંતિમ આદર્શ તો ગીતાના શબ્દોમાં જુદો જ છે.

ગીતા કહે છે કે ‘જેવી રીતે ભરપૂર સમુદ્રમાં જુદા જુદા ઝરણાં ને નદીનાળાં મળે છે, છતાં સમુદ્ર પોતાની મર્યાદા તોડતો નથી, તેવી રીતે સ્થિતપ્રજ્ઞ મહાત્મા જુદા જુદા પ્રસંગ કે કામનાથી ચલાયમાન કે ચંચલ ચિત્તનો થતો નથી. એટલે શરૂઆતમાં સલામતી તરીકે સાધક વર્તમાનપત્રથી દૂર રહે તે ભલે, પણ હંમેશને માટે તેનું સમર્થન કરવું ને તેને જ પ્રોત્સાહન આપવું ઠીક નથી. આધ્યાત્મિક પુરુષોએ દેશ ને દુનિયાથી પોતાનો સંબંધ કાપી નાખવાનો નથી પણ દેશ ને દુનિયાને કામ આવવાનું છે. તેવી રીતે આધ્યાત્મિક પુરુષો કામ કરશે ત્યારે જ દુનિયા આધ્યાત્મિકતાને સન્માનનીય ને જરૂરી માનશે.

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous 
12.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 115 guests online

View site in