Saturday, August 02, 2014
   
Text Size

ગીતાનો સંદેશ

પ્રશ્ન : ગીતાના શ્ર્લોકો - સંદેશ કહી બતાવશો ?

ઉત્તર : આજે આપણે ગીતાના જે શ્લોકો સાંભળ્યા તેમાં એક મહાન સંદેશ રહેલો છે. શ્રીકૃષ્ણ ભગવાન અથવા ગીતાના વ્યાખ્યાતા મહર્ષિ વ્યાસ માનવજાતિને આ શ્લોકો દ્વારા મહાન આશ્વાસન ને આશાનો સંદેશ આપી રહ્યા છે. આ સંદેશ કેટલાય લોકોના જીવનમાં પ્રેરણાનો પ્રદીપ પ્રગટાવી શકે તેમ છે. ગીતા કહે છે કે કોઈ માણસે ગમે તેટલી ભૂલો કરી હોય, ગમે તેવા અપરાધ કે પાપ કર્યા હોય, છતાં પણ જો સાચા દિલથી તે પોતાના દુષ્કૃત્યને માટે પશ્ચાતાપ કરે ને પ્રભુને શરણે જઈને બાકીનું જીવન ઊંચા માર્ગે પસાર કરવા કૃતનિશ્ચય બને, તો તે મહાત્મા કે ધર્માત્મા બની જાય છે ! અપરાધી કે પાપી પ્રત્યેની આવી સહાનુભૂતિજનક વાણી દુનિયાના બીજા ધર્મગ્રંથોમાં દેખાશે નહીં.

બાઈબલમાં ઈશુ કહે છે કે ‘Blessed are the pure in heart for they shall see God’ અર્થાત્ જેમના હૃદય પવિત્ર છે, તેમને ધન્ય છે કેમ કે તેમને પ્રભુનું દર્શન થઈ શકશે. પણ ગીતા તો કહે છે કે "Blessed are the wicked too." દુષ્ટ લોકોએ પણ ડરવાની જરૂર નથી. દુરાચારી, અધર્મી ને અનીતિમાન લોકોએ પણ નિરાશ થવાની જરૂર નથી. તેઓ પણ જો સન્માર્ગે વળીને પ્રભુપરાયણ બનવા ધારે તો તેમને માટે અવકાશ છે. પ્રભુની કૃપા મેળવવાની તક તેમને માટે પણ છે.

એટલે ગીતા મનુષ્ય જાતિને માટે, કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક માણસને માટે એક મંત્ર મૂકે છે કે, ‘ઈશ્વરપ્રાપ્તિ દરેક માનવનો જન્મસિધ્ધ અધિકાર છે. આ મંત્ર આપણા હૃદયમાં ઊતરી જવો જોઈએ. તિલક મહારાજે સ્વતંત્રતાની લડત માટે દેશને એક મંત્ર આપેલો. તે તમને યાદ હશે. એ મંત્ર હતો "स्वराज्य हमारा जन्मसिध्ध हक है ।" આ જ મંત્રની જેમ આપણે ઈશ્વરપ્રાપ્તિ અમારો જન્મજાત અધિકાર છે એવો મંત્ર હવામાં તન, મન ને અંતરમાં ગૂંજતો કરવો જોઈએ. તે મંત્રની સિધ્ધિ માટે પૂરતો પરિશ્રમ કરવો જોઈએ.

આ મંત્રની સિદ્ધિના પ્રયાસ જરૂરી છે. જેમ ભારતને આઝાદ કરવા ગાંધીજીએ રેંટિયો શોધ્યો તેમ આપણે પણ રેંટિયો શોધવાનો છે. એટલે કે તન, મન ને અંતરમાં એક રામની ધૂન - એક પ્રભુનો ધ્વનિ જગાવવાનો છે. ઉપરાંત વાસનાઓ તેમજ ક્રોધને તાબે થવાનું નથી. આ રીતે સત્યાગ્રહ ને અસહકાર કરવાનો છે. આવો પ્રયાસ કરશો એટલે જે દુષ્ટ વૃત્તિઓ તમારી અંદર ઘર કરી બેઠેલી છે તે ખળભળી ઊઠશે, ને તમારો વિરોધ કરશે. જેવી રીતે આઝાદી ઈચ્છતી ભારતીય પ્રજાનો વિરોધ બ્રિટીશ સલ્તનતે કર્યો હતો તેમ. વળી તમારા મનજીભાઈ દેશી રજવાડા જેવા છે. તેમના પર પણ આ સલ્તનતનો અંકુશ છે. તેમને પણ યુક્તિથી સમજાવી પટાવીને વશ કરવા પડશે. ઈન્દ્રિયો ને વાસનાવૃત્તિ છે તે લશ્કર છે. તે પણ માયાની સલ્તનતના પક્ષમાં છે. આ બધાની સાથે તમારે કામ લેવાનું છે. પણ જો અડગ નિરધાર હશે, દ્રઢ શ્રદ્ધા હશે, ને હિંમતથી ન્યાય ને નીતિને પક્ષે ઊભા રહી કામ લેશો તો તમે વિજયી બનશો. આઝાદી મેળવશો ને સાચી લોકશાહીની સ્થાપના કરી શકશો. આમ આપણે ગૃહમોરચે જ લડી લેવાનું છે, ને આઝાદ થવાનું છે. આ કામ અઘરું નથી. ફક્ત તેને માટે આજથી જ દ્રઢ સંકલ્પ કરીને પુરુષાર્થ કરવા કમ્મર કસવી જોઈએ. જે થઈ ગયું છે તેનો ઉપાય નથી. પણ મજબૂત વર્તમાન ને ભાવિ આપણા હાથમાં છે. તેનો ઈચ્છાનુસાર ઉપયોગ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ.

Today's Quote

He is poor who does not feel content.
- Japanese Proverb 
16.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 24 guests online