Saturday, February 11, 2012
   
Text Size

પ્રાર્થના

પ્રશ્ન: આપણે જે પ્રાર્થના કરીએ છીએ તે સંભળાય છે ખરી ?

ઉત્તર: જરૂર સંભળાય છે. તે બાબતે શંકા કરવાનું કોઈ કારણ નથી. જેમ જેમ વધારે ને ઊંડા ઊતરતા જશો તેમ તેમ, તમને સ્વાનુભવપૂર્વક સમજાશે કે કરેલી પ્રાર્થના સંભળાય છે, ને એના આવશ્યક ઉત્તર પણ એક યા બીજી રીતે મળી રહે છે. આ વિશાળ વિશ્વની પાછળ જે ચૈતન્ય શક્તિ છે, તે તમારી અંદર પણ વાસ કરે છે, તથા તમારી પ્રાર્થના તે જરૂર સાંભળે છે. કોઈ બીજો પાસેમાં પાસે બેઠેલો માણસ સાંભળે તેથી પણ વધારે સહેલાઈથી, સ્પષ્ટતાથી અને સહજતાથી, એ શક્તિ દરેકની દરેક પ્રકારની પ્રાર્થના સાંભળે છે.

પ્રશ્ન: તો પછી એનો ઉત્તર કેમ જલદી નથી મળતો ?

ઉત્તર: એનું કારણ જુદું છે. કેટલીકવાર જે પ્રાર્થના થાય છે, તે વદનમાંથી થાય છે, પરંતુ હૃદયમાંથી નથી થતી. એની પાછળ જે ભાવના, પ્રેમ અથવા તો ઉત્કટતા જોઈએ છે તે નથી હોતી. પ્રાર્થના એક દૈનિક ક્રમના પાલન માટે જ કરવામાં આવે છે, હૈયામાંથી નહિ, પરંતુ હોઠમાંથી કરવામાં આવે છે, અને એમાં આખું હૃદય નથી રેડાતું, એથી પ્રાર્થનાનો ધાર્યો ઉત્તર ના મળે, ને મળે તો પણ બહુ મોડો મળે, એ સહેજે સમજી શકાય તેમ છે. એને બદલે પ્રાર્થના અંતરના અંતરતમમાંથી અથવા પ્રાણના પ્રત્યેક પરમાણુમાંથી કરી જુઓ, ને જુઓ કે જવાબ મળે છે કે નહિ ? આગળ વધ્યા પછી તો તમારી અવસ્થા એવી થઈ જશે કે પ્રાર્થના કરશો ને તરત જ તેનો જવાબ મેળવી શકશો. તેને માટે રાહ નહીં જોવી પડે. વિશ્વની અંદર ને બહાર વ્યાપેલી એ ચૈતન્ય શક્તિ સાથે તમારો એવો સંબંધ થઈ જશે. એક માણસ પ્રશ્ન પૂછે ને બીજો એને ઉત્તર આપે એવી રીતે તમે પ્રાર્થના કરશો ને એ શક્તિ તમને ઉત્તર આપશે એવી અવસ્થા ઘણે લાંબે વખતે આવી શકશે.

પ્રશ્ન: ઈચ્છા પ્રમાણે બધી પ્રાર્થના પૂરી થઈ શકે ખરી ?

ઉત્તર: ઈચ્છા પ્રમાણે બધા પ્રકારની પ્રાર્થના પૂરી થાય એવો કોઈ ચોક્કસ નિયમ નથી. એ વાત એ ચૈતન્ય શક્તિના હાથની વાત છે. તે ઈચ્છે તો કોઈ પ્રાર્થનાને સફળ કરે, ને ના ઈચ્છે તો સફળ ના પણ કરે. જે પ્રાર્થના કરે છે તે અલ્પજ્ઞ હોવાથી તેને માટે શું યોગ્ય છે, ને શું અયોગ્ય, કે શું મંગલકારક છે અને શું અમંગલકારક છે તેની તેને ખબર નથી હોતી.

પ્રશ્ન: તો પછી પ્રાર્થનાનો અર્થ શો ? પ્રાર્થના જો ઈચ્છા પ્રમાણે મંજુર ના થતી હોય તો તેને કરવાથી લાભ શો ? તે ના કરીએ તે જ સારુ છે.

ઉત્તર: એવો વિચાર ના કરતા. તમારી બધી જ ઈચ્છાઓ કે માગણીઓ પ્રાર્થનાની મદદથી મંજૂર ના થાય એટલે પ્રાર્થના જ નકામી છે એવું ના માની લેતા. તમારી કયી ઈચ્છા કે માંગણી તમારા હિતમાં છે, ને મંજૂર કરવા જેવી છે, તે તમારા કરતાં ઈશ્વર વધારે સારી રીતે જાણે છે. માટે તમારી બધી જ ઈચ્છાઓનો સ્વીકાર થવો જ જોઈએ એવો દુરાગ્રહ ના રાખતા. તમે પ્રાર્થના કરો તે બરાબર છે. પરંતુ તેની સફળતાના પ્રશ્નને ઈશ્વર પર છોડી દો, ને વિશ્વાસ રાખો કે તે જે કરશે તે સારું જ કરશે. એટલું જ નહિ પણ તે જે ચુકાદો આપે તેને મંગલમય માનીને મસ્તક પર ચઢાવો. તેની સામે કોઈપણ પ્રકારનો બબડાટ ના કરો. પરંતુ તેને માટે ભારે મજબૂત મનોબળ તથા ઈશ્વરપરાયણતા જોઈશે, ને તે કાંઈ એક-બે દિવસમાં નહીં કેળવાય. તેને કેળવવા માટે ભારે પરિશ્રમ કરવો પડશે. પ્રાર્થનાની ટેવ તેમાં બહુ મોટો ભાગ ભજવશે કે ફાળો આપશે.

પ્રશ્ન: પ્રાર્થનાનો બીજો લાભ શું ? એ સિવાય પણ કોઈ લાભ છે ખરો ?

ઉત્તર: પ્રાર્થના મુખ્યત્વે એક અંતરંગ સાધના છે અને એની મદદથી ઈશ્વરની સાથે સંબંધ બાંધી ને વધારી શકાય છે. જીવનને ઈશ્વરપરાયણ કરવામાં પ્રાર્થના બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાર્થનાની મદદથી માણસ ધીરે ધીરે ઈશ્વરની વધારે ને વધારે પાસે પહોંચી શકે છે, ને છેવટે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લે છે. પ્રાર્થના એ રીતે એક મહાન સાધના છે, એમ કહીએ તો ચાલે. ફક્ત તેનો ઉપયોગ સાંસારિક હેતુઓ કે દુન્વયી લાભને માટે ના થવો જોઈએ, પરંતુ આત્મવિકાસને માટે કરવો જોઈએ. મીરાં, તુકારામ ને તુલસીદાસ જેવા ભક્તોનાં જીવન તરફ દૃષ્ટિપાત કરો તો જણાશે કે તેમણે વધારે ભાગે પ્રેમથી નીતરતી ઉત્કટ પ્રાર્થના દ્વારા જ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હતો. પ્રાર્થના તેમને માટે કોઈ પ્રથા, પરિપાટી, કે શોખરૂપ નહોતી રહી, પરંતુ જીવનના ઉત્કર્ષના સ્વાભાવિક સાધનરૂપ બની ગઈ હતી.

પ્રશ્ન: સાધારણ માણસને પ્રાર્થનાથી શી મદદ મળે ?

ઉત્તર: સાધારણ માણસને એથી ઉત્તરોત્તર શાંતિ મળે. એથી ધીમે ધીમે એની હૃદયશુદ્ધિ થાય. એનામાં ઈશ્વરને માટેનો પ્રેમ ને વિશ્વાસ વધે. એનું મનોબળ પણ મજબૂત બને. એવા મનોબળને લીધે એ જીવનના સારા ને નરસા સંજોગોમાં અથવા તો જીવનની અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્વસ્થ, સ્થિર, શાંત કે પ્રસન્ન રહી શકે છે. એના અંતરમાં વિવેકની જ્યોત અખંડપણે જલ્યા કરે છે. પ્રાર્થના એ માટે એક રસાયન બની જાય છે.

Today's Quote

The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.
-Marcel Proust 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 11 guests online

View site in