Saturday, February 11, 2012
   
Text Size

જપ અને જપના પ્રકાર

પ્રશ્ન: જપ કેટલી જાતના કહેવાય છે ?

ઉત્તર: જપના મુખ્ય પ્રકાર ત્રણ કહેવાય છે : વાચિક જપ, ઉપાંશુ જપ, ને માનસિક જપ.

પ્રશ્ન: એ ત્રણે વિશે ઊડતો ખ્યાલ આપી શકશો ?

ઉત્તર: જરૂર. જ્યારે જપ હોઠથી બોલાય છે ને બીજા સાંભળી શકે એવી રીતે બોલાય છે, ત્યારે તે જપ વાચિક કહેવાય છે. જ્યારે હોઠથી બોલાય છે, પરંતુ કોઈ બીજું સાંભળી શકે નહીં એ રીતે બોલાય છે. અથવા તો શાંતિપૂર્વક બોલાય છે, ત્યારે તે જપ ઉપાંશું જપ કહેવાય છે. ને જ્યારે હોઠ પણ હાલતા નથી, અને જપ કેવળ મનોમન કરવામાં આવે છે, ત્યારે તે જપને માનસિક જપ કહેવામાં આવે છે.

પ્રશ્ન: એ ત્રણે જાતના જપમાં શ્રેષ્ઠ જપ કયા ?

ઉત્તર: ત્રણે જાતના જપ શ્રેષ્ઠ તથા ઉપયોગી ને ધારેલું ફળ આપનારા છે. એથી એમનામાં કયા જપ શ્રેષ્ઠ છે ને કયા કનિષ્ઠ છે, એ પ્રશ્ન જ નકામો છે. આ ત્રણે જાતના જપ, સાચા અર્થમાં જો વિચારીએ તો, વિકાસને માટે મદદરૂપ એવા ત્રણ ક્રમ માત્ર છે. એટલે કે ત્રણે એકમેકના પૂરક છે.

પ્રશ્ન: તે કેવી રીતે ?

ઉત્તર: સાધારણ રીતે શરૂઆતમાં સાધક વાચિક જપનો આધાર લે છે. એટલે કે તે હોઠથી બોલીને જપ કરે છે. કેમ કે મન સ્વાભાવિક રીતે જ ચંચલ હોવાથી આંખ બંધ કરીને, તેને સીધું જ માનસિક જપમાં લગાડવાનું કામ મુશ્કેલ થઈ પડે છે. મનને ધીમે ધીમે તાલીમ આપીને જપમાં જોડવું પડે છે. એટલા માટે, શરૂઆત કરનાર સાધક હોઠે બોલીને જો જપ કરે તો બીજા વિચારો ઓછા આવે છે, મનની ચંચળતા આપોઆપ ઓછી થાય છે, અને એકાગ્રતા સહેલાઈથી સાધી શકાય છે. એવી રીતે કેટલાક વખત લગી અભ્યાસ કર્યા પછી, વાચિકને બદલે ઉપાંશુ જપ કરવા, અને છેવટે માનસિક જપનો આધાર લેવો. એમ કરવાથી મનને સ્થિર કરવાનું કામ ઘણું સહેલું થઈ પડશે. સાધક આવી રીતે ક્રમે ક્રમે કે પદ્ધતિસર જપ કરવાને બદલે, શરૂઆતથી જ માનસિક જપ કરવા માંડે છે, ને પછી ફરિયાદ કરે છે કે મન સ્થિર થતું નથી. તેમાં જપનો દોષ નથી પણ તેમની પદ્ધતિનો જ દોષ છે. જે છેવટે કરવાના છે તે જાતના જપ પહેલા કરવામાં આવે તો મન એ અવસ્થાથી ટેવાયેલું ના હોવાથી, મુશ્કેલી ઊભી થાય જ. સાંકળના ત્રણ આંકડોની જેમ, આ ત્રણે જપ એકમેકને મદદરૂપ છે. એમ સમજીને વારાફરતી એમનો આધાર લેવાય તો કામ સહેલું થઈ જાય.

પ્રશ્ન: જપ અથવા મંત્ર કોઈ ગુરુ પાસેથી જ લેવો જોઈએ, બરાબર છે ?

ઉત્તર: દરેક વખતે બરાબર નથી. જેને કોઈ ગુરુની મદદ મળે છે, તે ગુરુ પાસેથી લઈ શકે છે. પરંતુ જેને ગુરુની પ્રાપ્તિ કોઈ કારણથી નથી થઈ, તેણે શું બગાસા ખાતાં બેસી રહેવું ? ને પોતાના કલ્યાણ માટે કાંઈ જ ના કરવું ? જીવન મહામૂલ્યવાન છે. તેની પળેપળ કીમતી છે. તેને વેડફી દેવી બરાબર નથી એટલે જે ઠીક લાગે તે મંત્રને પસંદ કરીને જપ કરવાનું શરૂ કરવું જોઈએ. જેને કોઈ બહારના ગુરુ નથી મળ્યા, તેના હૃદયમાં પણ પરમાત્મારૂપી ગુરુ તો રહેલો જ છે. તેના પર વિશ્વાસ રાખીને જે આગળ વધશે, તેને તે જરૂરી મદદ જરૂર કરશે, ને પ્રકાશ બતાવશે. માટે ગુરુની રાહ જોઈને બેસી ના રહેવું. આવી રીતે બેસી રહીને વખત બગાડવાનો કોઈ જ અર્થ નથી.

પ્રશ્ન: જે મંત્ર ગુરુની પાસેથી ના લીધો હોય તે ફળે ખરો ?

ઉત્તર: એવી શંકા જ ના કરો. તમારો મંત્ર ગુરુના ગુરુ ઈશ્વર પાસેથી મળેલો છે એમ માનીને વિશ્વાસ તથા પ્રેમપૂર્વક તેનું રટણ ચાલુ રાખો. યાદ રાખો કે પ્રેમ ને વિશ્વાસ ફળે છે, ને તેથી ઈશ્વરની કૃપા સહેજે થઈ રહે છે. માટે મનને ડગાવનારી આશંકાને વિવેકની મદદથી કાયમને માટે હાંકી કાઢો.

Today's Quote

To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.
- Mahatma Gandhi 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 9 guests online

View site in