Friday, September 03, 2010
   
Text Size

મૂર્તિપૂજા

પ્રશ્ન : મૂર્તિપૂજાની આવશ્યકતા વિશે તમારો શો અભિપ્રાય છે ? શું દરેકને એની આવશ્યકતા છે ?
ઉત્તર : મૂર્તિપૂજાની આવશ્યકતા દરેકને છે એવું તો કેવી રીતે કહી શકાય ? છતાં પણ સંસારમાં ભિન્ન ભિન્ન રૂચિવાળી વ્યક્તિઓ વસે છે. અને એમાંની કેટલીક વ્યક્તિઓને પોતાના વિકાસને માટે મૂર્તિપૂજાની આવશ્યકતા લાગતી હોય અને એ એનો આધાર લે એ સહેજે સમજી શકાય તેવું છે. એમાં આપણને કશી આપત્તિ ન હોઈ શકે.

પ્રશ્ન : મૂર્તિપૂજાનો આધાર લેવાથી સર્વવ્યાપક, સર્વદેશીય પરમાત્માની અનુભૂતિમાં અંતરાય ઊભો નથી થતો ?
ઉત્તર : મને તો એવું નથી લાગતું. પરમાત્માની અનુભૂતિ સરળ બને એટલા માટે જ આરંભમાં મૂર્તિપૂજાને એક પ્રતીતિરેક આધાર લેવામાં આવે છે. મૂર્તિપૂજાની પદ્ધતિ દ્વારા મૂર્તિની અંદર રહેલી પરમાત્માની પરમ સત્તાનો સાક્ષાત્કાર કરી છેવટે સંસારના સઘળા પદાર્થોમાં એનું દર્શન કરવું રહેશે. એટલે મૂર્તિપૂજાનો આધાર લેવાથી સર્વવ્યાપક, સર્વદેશીય પરમાત્માની અનુભૂતિમાં અંતરાય ઊભો નથી થતો, પણ મદદ મળે છે. મૂર્તિપૂજાની પુરાતન પદ્ધતિમાં જે બુરાઈઓ લાગે તેમનો વિરોધ જરૂર કરો, બાકી મૂર્તિ કે મૂર્તિપૂજાનો વિરોધ નથી કરવા જેવો.    

પ્રશ્ન : જીવાત્મા તથા પરમાત્મામાં શો ફેર છે ?
ઉત્તર : જીવાત્મા તથા પરમાત્મામાં મૂળભૂત રીતે કે તાત્વિક રીતે જોતાં કોઈ જ ફેર નથી. બંને વચ્ચે એકતા છે. જેવી રીતે સાગર અને એના તરંગમાં કોઈ ભેદ નથી તેવી રીતે. જે તત્વોનો સાગર બન્યો છે તે જ તત્વોમાંથી તરંગની ઉત્પત્તિ થઈ છે. જે ભેદ છે કે ભાસે છે તે ઉપર ઉપરનો અથવા તો વ્યાવહારિક છે. એ દ્રષ્ટિથી જોઈને જ કહેવામાં આવે છે કે જીવ શિવનો અંશ છે. તે અલ્પજ્ઞ તથા અલ્પશક્તિમાન છે, અજ્ઞાનમાં ડૂબેલો ને કર્મના બંધનમાં બંધાયેલો છે, તેથી સુખદુઃખ, પતન ને ઉત્થાન, તથા બંધન અને મોક્ષનો અનુભવ કરે છે. તે પોતાના મૂળ સ્વરૂપે જાણી લે એટલી જ વાર છે. તો એનામાં ને પરમાત્મામાં કશો જ મૌલિક ભેદ નથી એની એને ખાતરી થશે.

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb 
04.jpg
Bookmark and Share

View site in

Who's Online

Now 24 guests online