Tuesday, February 09, 2010
   
Text Size

God's love elevates us without inflating us,
and humbles us without degrading us.
- B.M. Nottage

 

વાસનાનો ત્યાગ

પ્રશ્ન : સુખ ને દુઃખ કયા બગીચામાં થાય છે ?
ઉત્તર : સુખ ને દુઃખ બંને એક જ ડાળી પર ખીલનારાં બે ફૂલ છે, ને તે મનરૂપી બગીચામાં થાય છે. મનમાં થતાં સંકલ્પ ને વિકલ્પ તેનાં બીજ છે. આ મનના બગીચા વિના દુનિયાના કોઈ બગીચામાં-યુરોપ અમેરિકા કે ક્યાંય આ સુખદુઃખનો બગીચો મળી શકશે નહીં. એટલે જ મહાપુરૂષો કહે છે કે સંકલ્પરૂપી બીજને નષ્ટ કરી દો અથવા તેને શુદ્ધ બનાવો તો શાંતિ કે સમતા રૂપી ફૂલ આવી શકે.

પ્રશ્ન : સંકલ્પ-વિકલ્પને બાળી નાખવાથી તો કાંઈ જ ના રહે ?
ઉત્તર : કાંઈ જ ના રહે એમ માનવાને કારણ નથી. બધું નષ્ટ થઈ જતાં જે રહે છે તે જ વસ્તુ સત્ય છે. તેની જ પ્રાપ્તિ કરીને મનને તેમાં જ સંલગ્ન કરી દેવાની જરૂર છે.

પ્રશ્ન : દુનિયામાં અજ્ઞાન ઘણું વધારે છે તેને માટે શું કરવું ?
ઉત્તર : આ વાત તમને સાલતી હોય તો સારી વાત છે, પણ તેના ઉપાય તરીકે તમારી જાતને વિશુદ્ધ કરો. જ્ઞાનની જ્યોતને તમારા દિલમાં બરાબર જગાવો. તમે પોતે પણ મુક્ત બનો. આટલું કરીને તમે દુનિયાની વ્યક્તિગત રીતે ઘણી મોટી સેવા કરી શકશો, આ પછી બીજાના હિતને માટે શું કરવું તે પ્રભુ તમને સૂઝાડશે. તમારા પોતાના પૂર્ણ વિકાસની ધીરજ ના હોય તો તમારી શક્તિ પ્રમાણે બનતી નિઃસ્વાર્થ રીતે બીજાની સેવા કરો, પણ પૂર્ણતાના ધ્યેયને છોડશો નહીં. તમે પોતે પરમ જ્ઞાન ના મેળવો ત્યાં લગી બીજાને શું આપી શકશો ?

પ્રશ્ન : કામ-ક્રોધને જીતવા માટે શું કરવું ?
ઉત્તર : વિચાર કરવો કે કામ-ક્રોધ શું કામ થાય છે, ને કોના પર થાય છે ? એક ઈશ્વર વિના આ સંસારમાં કંઈ જ નથી એમ જ્ઞાનીઓ કહે છે. આ પ્રમાણે વિચાર કરવાથી સમજાશે કે કામ-ક્રોધ કોના પર કરવાના છે. આ વિચાર થતાં જ ભેદભાવ ટળે છે, ને કામ તથા ક્રોધનું મૂળ કારણ અજ્ઞાન પણ દૂર થાય છે.

લોકોને માટે સહેલામાં સહેલો ઉપાય પ્રભુના ચરણોમાં પ્રીતિ કરવાનો છે. એમ થવાથી હૃદય પ્રેમમય ને પવિત્ર થતું જશે, ને કામ-ક્રોધ આપોઆપ પલાયન થઈ જશે. એકાંતમાં બેસીને માણસે પોતાની નિર્બળતા માટે વ્યાકુળ હૃદયે રડવું જોઈએ, ઈશ્વરને પ્રાર્થવું જોઈએ. આ પ્રમાણે થાય તો ઈશ્વર તેની નિર્બળતાનો નાશ કરી તેને કામ-ક્રોધ જેવા દુર્ગણોથી મુક્ત કરે છે. પ્રભુના ચરણોમાં પ્રીતિ જાગે એટલે વિષયોની આસક્તિ આપોઆપ હટી જાય છે એ ચોક્કસ સમજજો. માટે સૌથી શ્રેષ્ઠ એવો પ્રભુનો પ્રેમ જગાવવાનો પ્રયાસ કરો. જીવનની બધી જ સમસ્યાઓના ઉકેલ માટે પ્રભુ પ્રેમ એ રામબાણ ઉપાય છે. એમાં કોઈ સંદેહ નથી.

પ્રશ્ન : ભોગ ભોગવતાં ભોગવતાં વાસનાનો ત્યાગ ના થઈ શકે ?
ઉત્તર : થઈ શકે પણ એ કામ મહાન મનોબળવાળા પુરૂષોનું છે. સાધારણ રીતે તો માણસ ભોગમાં એવો આસક્ત થઈ જાય છે કે વિવેક ખોઈ બેસે છે. શક્તિ બરબાદ કરી નાખે છે, ને ભોગની રસવૃત્તિને છોડવામાં અશક્ત બની જાય છે. જનકની જેમ રહેવું સહેલું નથી. વળી જનક તો પ્રથમથી જ બ્રહ્મજ્ઞાની હતા. તેમનો વાદ ના લઈ શકાય. વાસનાનો ત્યાગ સહેલાઈથી કરવો હોય તો ભોગથી દૂર રહેવાનો માર્ગ ઉત્તમ છે. વળી આવી રીતે નવરા પડેલા મનને સત્સંગમાં લગાડવું જોઈએ. જે લોકો ભોગ્ય પદાર્થોને છોડી ના શકે તેમણે પણ સત્સંગ કરવાની જરૂર છે. તેથી ભોગ્ય પદાર્થોમાંથી મન ઉપરામ થઈને પ્રભુપરાયણ થવામાં મદદ મળશે.
47.jpg
Bookmark and Share

Who's Online

Now 19 guests online