Tuesday, May 22, 2012
   
Text Size

મુક્તિ વિશે

પ્રશ્ન : મુક્તિ વિશે ઊડતો ખ્યાલ આપવા કૃપા કરશો ?
ઉત્તર : મુક્તિનું સાચું સ્વરૂપ સમજવા તેને ત્રણ વિભાગમાં વહેંચી નાખવાની છે. જેને મુક્તિની ઈચ્છા છે તે બંધનમાં જરૂર હોવો જોઈએ. કેમ કે બંધન ના હોય તો મુક્ત થવાની જરૂર ઊભી થાય નહીં. ત્યારે વિચાર કરવો જોઈએ કે માણસ કોનાથી બંધાયો છે.

(૧) પ્રથમ બંધન તો ખોટી વૃત્તિઓનું છે. આને ગીતાએ આસુરી સંપત્તિ પણ કહી છે. માણસમાં કામ છે, ક્રોધ છે, તે તેને બાંધે છે. મદ, અભિમાન, અજ્ઞાન, કઠોરતા કે નિર્દયતા, દંભ, સ્વાર્થ, એ બધા બંધ માણસને જકડી રહ્યા છે. આમાંથી મુક્ત થઈ નમ્રતા, પ્રેમ, નિવૈર્ર, દયા, ક્ષમા, પરોપકાર, નિઃસ્વાર્થ, સત્ય, અહિંસા, જેવા સદ્ ગુણોમાં પ્રતિષ્ઠત થવું એ પહેલી મુક્તિ છે. આ વસ્તુ વ્યવહારમાં રહીને વધારે સંગીન રીતે સાધી શકાય છે.

(૨) બીજું બંધન મમતા ને અહંતાનું છે. આથી પણ માણસ બંધાયેલો છે. ઘરબહાર, સ્ત્રી-પુત્ર, ધન, પ્રતિષ્ઠા, સંપત્તિ, વિગેરેમાં મમતા હોવાથી માણસ તેમના સંયોગ ને વિયોગથી સુખી ને દુઃખી થાય છે, હર્ષ ને શોક અનુભવે છે, ને માનસિક સ્થિરતા મેળવી શકતો નથી. મનનું સમતોલપણું મેળવવા માટે આ મમતામાંથી છૂટવાનું છે. તેનો અર્થ એમ નથી કે આપણે વ્યવહાર અથવા તો પદાર્થોને છોડી દેવાના છે. પદાર્થોને છોડી દઈએ તે આપણી ઈચ્છાની વાત છે, પરંતુ તેમની વચ્ચે રહી તેમના આઘાતપ્રત્યાઘાતોથી આપણે પર રહેતાં શીખવાનું છે. જે છે તે આપણું નથી, પણ ઈશ્વરનું છે, એ વિચાર દ્રઢ થઈ જાય તો મમત્વ બુદ્ધિ ટળી શકે છે.

આ સાથે અહંતાના બંધનને તોડવાનું છે. અહંતા પોતાની જાત પૂરતી જ મર્યાદિત છે, જ્યારે મમતા બાહ્ય પદાર્થોની આસક્તિ છે. માણસ પોતાના શરીરમાં આસક્ત બની, શરીરને જ પોતાની જાત માની લે છે. આથી તે જડ બને છે, ને શરીરને માટે જ જીવે છે ને મરે છે. વિચાર દ્વારા માણસ જાણે છે કે જે અહંતાનું વાચક છે, તે તો શરીરની અંદર જ છે, ને તે જડ નહિ પણ ચેતન હોઈ તેને માટે જ જીવવું, તેને પ્રાપ્ત કરવું જોઈએ. આ જ પરમ પુરૂષાર્થ છે. આ દ્વારા જ પરમશાંતિ, પરમાનંદ, નિર્વાણ, બધું મળે છે. આ ચેતન આત્મા, બ્રહ્મ વિગેરે નામે કહેવાયું છે. જ્યાં એકવાર નક્કી થયું કે તે શરીરમાં છે, એટલે તેની અનુભૂતિ માટે માણસ તલસે છે ને સૂક્ષ્મ મનથી, સૂક્ષ્મ મનોવૃત્તિથી માણસ તેનું દર્શન કરે છે. જો પ્રેમભાવે તેને મેળવવાની ઈચ્છા હોય તો ભક્તિમાર્ગ છે તે દ્વારા આ જ ચેતન તમારી સામે સાકાર બની પ્રકટે છે, કેમ કે તે સર્વસમર્થ છે. આત્મ સાક્ષાત્કાર પછી સ્થાવર જંગમમાં બધે જ તે આત્મા અનુભવાય છે, ભેદભાવ ટળે છે, ભય નાબૂદ થાય છે, ને પરમ શાંતિ મળે છે. આ વિનાની માણસે માની લીધેલી શાંતિ સાચી શાંતિ નથી. જેમ કોઈ અભણ માણસ કહે કે ભણવામાં શું લાભ છે. ન ભણ્યા છતાં અમારું જીવન બરાબર ચાલે છે, તો તેની વાણી વિશે શું કહેવું ? તે મૂઢ દશાની વાણી છે, ને તેથી ધ્યાન આપવા યોગ્ય નથી. કેમ કે ભણવાના વિશેષ ફાયદા આપણે જાણીએ છીએ. તેવી જ રીતે જે કેવળ સદાચારી જીવન કે સંસારિક સુખોપભોગથી તૃપ્ત છે તે મૂઢ દશામાં છે. જીવનના વાસ્તવિક વિકાસનો કે માનવશરીરના શક્ય પુરૂષાર્થનો તેને ખ્યાલ નથી. તેથી તેની વાણી પ્રત્યે પણ ધ્યાન આપવાની જરૂર નથી. જે જીવનવિકાસની પરિપૂર્ણતાને જાણે છે, તે તો પ્રાથમિક વિકાસ પછી ઈતિકર્તવ્યતા માની નહીં બેસે, તે તો ખોટો સંતોષ છે, પરંતુ જીવનના પરિપૂર્ણ વિકાસને મેળવીને જ અટકશે.

(૩) આ બે પ્રકારની મુક્તિ મળી એટલે ત્રીજી મુક્તિ મળી શકે છે. આ બે વિના તે મળી શકે નહીં. કેમ કે ત્રીજી મુક્તિ આ બંનેનું પરિપક્વ ફળ છે. આપણે જોઈએ છીએ કે માણસ જ્ઞાન, શક્તિ ને અવસ્થાથી બંધાયેલો છે. કાલે શું થવાનું છે તે માનવને ખબર નથી. તેની શક્તિ સ્વલ્પ છે, ધાર્યા પ્રમાણે કામ કરવા તે આજે સમર્થ નથી ને વ્યાધિ, વાર્ધક્ય, મૃત્યુ જેવી અવસ્થા કે વિકાર પાસે તે પરવશ છે. આ પરવશતાથી મુક્ત થઈ માનવ પરમાત્મા જેવો સર્વસમર્થ, સનાતન ને સર્વવ્યાપક બની શકે છે. તે ત્રિકાળજ્ઞ થઈ શકે છે. આ મુક્તિ ખૂબ ઊંચી છે ને તે કોઈકને જ મળી શકે છે. બાકી વધારે ભાગે તો પહેલી બે પ્રકારની મુક્તિથી જ માણસ કૃતકૃત્ય થઈ જાય છે. પરમાનંદને માટે પહેલી બે મુક્તિ પૂરતી છે.

આમ માનવ પહેલાં તો પાશવતાને દૂર કરી સાચો માનવ બને છે. પછી દેવતુલ્ય બને છે, ને છેવટે પરમાત્મા બની રહે છે. માનવજીવનનો આમ ક્રમિક વિકાસ થયા કરે છે. આ વિકાસ શરીર દ્વારા જ ને શરીરમાં રહીને જ કરવાનો છે. શરીર છોડ્યા પછી મુક્તિ મળશે એમ નથી. મુક્તિનો આનંદ શરીર છોડ્યા પહેલાં જ મેળવવાનો છે.

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown 
07.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 135 guests online

View site in