Saturday, February 11, 2012
   
Text Size

યજ્ઞોપવિત

પ્રશ્ન : યજ્ઞોપવિતની મહત્તા જો આટલી બધી હોય, તો સંન્યાસીએ યજ્ઞોપવિતનો ત્યાગ કરવો એવું વિધાન શા માટે કરવામાં આવ્યું છે ? યજ્ઞોપવિત જો ઉપયોગી જ હોય, તો સંન્યાસીને માટે પણ તે ઉપયોગી નથી ? એને શા માટે એમાંથી બાકાત રાખવામાં આવે છે ? અને શું એની જરૂર નથી ? કે પછી યજ્ઞોપવિતનો ત્યાગ કરવાનું વિધાન એને માટે ભૂલથી કરવામાં આવ્યું છે ?
ઉત્તર : ભૂલથી કરવામાં નથી આવ્યું, પરંતુ એ વિધાન એને માટે સહેતુક જ કહેવામાં આવ્યું છે. તમે જાણો છો કે માણસ સંન્યાસ ધારણ કરે છે ત્યારે તેના વર્તમાન જીવનના બધા જ સંબંધોનો વિચ્છેદ કરી નાખે છે. એ સંબંધોથી તે કાયમી છૂટાછોડા લઈ લે છે. પોતે પોતાનું નામ બદલે છે, સ્થાન બદલે છે, કુટુંબકબીલાનો ત્યાગ કરે છે, અને બહારના વેશને પણ બદલી નાખે છે. એ સંજોગોમાં વર્ણથી પણ એ અતીત બની જાય છે, એટલે કે વર્ણનાં ચિહ્ન કે બંધનથી પણ મુક્તિ મેળવે છે. એટલા માટે દ્વિજના વિશેષ ચિહ્ન જેવાં ગણતાં શિખાસૂત્રનો પરિત્યાગ કરી દેવાનો એને માટે આવશ્યક માન્યો છે, તે ઠીક જ છે. એ એના નવજીવન પ્રવેશની નિશાની છે.

પ્રશ્ન : પરંતુ એને લીધે, યજ્ઞોપવિતથી જે લાભ થાય છે તે લાભ તો એ વંચિત રહી જાય છે ને ?
ઉત્તર : એ લાભથી વંચિત નથી રહી જતો, કારણ કે યજ્ઞોપવિતથી જે લાભ થાય છે તેથી પણ વિશેષ લાભ એને સંન્યાસના જીવન દ્વારા, જો એ જીવનને એ સારી રીતે અથવા તો સમજપૂર્વક જીવતો હોય તો મળી રહે છે. જે ભગવું વસ્ત્ર એણે ધારણ કરેલું છે તે ભગવું જ એ વાતનું સૂચક છે કે એણે સર્વ પ્રકારની લૌકિક લાલસા કે કામના પર પાણી ફેરવી વાળીને, એક માત્ર આત્મજ્ઞાન અથવા તો પરમાત્માની પ્રાપ્તિને માટે જ સંન્યાસના આ અભિનવ જીવનનો આધાર લીધો છે, એ માટે એનું વ્રત છે. બીજી બધી જ લૌકિક મમત્વવૃત્તિ આસક્તિ તેમ જ અહંતાને એણે જ્ઞાનમય અગ્નિમાં બાળીને દગ્ધ કરી દીધી છે. એનું સમસ્ત જીવન જ પરમાત્માની પ્રાપ્તિને માટે છે. એટલે યજ્ઞોપવિત દ્વારા જે પરમાત્માની પ્રાપ્તિની દીક્ષા અત્યાર સુધી આપવામાં આવતી હતી. તે દીક્ષા સંન્યાસનો સ્વીકાર કરી એ સહેજે મેળવી લે છે. વધુમાં નવા ત્યાગમય જીવનની દ્રષ્ટિ મળે છે. એટલે યજ્ઞોપવિતના ત્યાગનું નુકસાન એને નથી થતું. જરા પણ નહિ.

પ્રશ્ન : પરંતુ બધાં સંન્યાસીઓ ત્યાગના મર્મને સમજીને એવું સમજપૂર્વકનું જીવન ક્યાં જીવે છે ?
ઉત્તર : નથી જીવતા એ જુદી વાત છે પરંતુ એવું જીવન જીવવું જોઈએ એવી એમની પાસેથી આશા રાખવામાં આવે છે. એમ તો યજ્ઞોપવિતને ધારણ કરનારા તેમજ ધારણ કરાવનારા પણ તેનો મર્મ સમજી- સમજાવીને તેનો ઉચિત ઉપયોગ ક્યાં કરે છે ? એથી એની ઉપેક્ષા થોડી જ કરી શકાય છે ?

પ્રશ્ન : યજ્ઞોપવિતનો રિવાજ આજના જમાનામાં યોગ્ય છે ?
ઉત્તર : જ્યાં સુધી તમે કોઈ બીજી વધારે સારી સંસ્કારક્રિયાને તેને ઠેકાણે ન લાવી શકો ત્યાં સુધી તે યોગ્ય જ છે. નહિ તો પછી પ્રજાની પાસે ધર્મસંસ્કારની પ્રવૃત્તિ જેવું રહેશે શું ?

Today's Quote

Constant dripping hollows out a stone.
- Lucretius 
06.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 17 guests online

View site in