Saturday, February 11, 2012
   
Text Size

ભક્તિ વિશે અભિગમ

પ્રશ્ન : જ્ઞાનીઓ ભક્તિને માનતા નથી-બલ્કે ભક્તિ તરફ કેટલીકવાર અણગમો પણ બતાવે છે. એ વિશે આપનો શો અભિપ્રાય છે ?
ઉત્તર : જે નિરાકાર તત્વને માને છે તેને સાકાર ભક્તિની જરૂર નથી. આત્મજ્ઞાનને દ્રઢ કરીને સતત ધ્યાન દ્વારા તે પરમાત્માને મેળવે છે. આ માર્ગનું વિસ્તૃત વર્ણન ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કરેલું છે. પરંતુ આવા પરમાત્મા દર્શન માટે પણ તેનામાં પરમાત્મા દર્શન માટેનો તલસાટ, પરમ પુરૂષાર્થ તેમ જ નિરધાર તો જોઈશે જ. પરમાત્મ તત્વનું જ તેણે રાતદિવસ મનન, ચિંતન ને નિદિધ્યાસન કરવું પડશે. નારદે પરમાત્મામાં સ્વરૂપના આવા અનુસંધાનને-સ્મરણ, મનન કે નિદિધ્યાસન ભક્તિ કહી છે. ફેર માત્ર સ્વરૂપનો છે. એક સાકારનો ભક્ત છે તો બીજો નિરાકારનો. પણ બંને એક જ પરમાત્માના ભિન્નભિન્ન ઉપાસકો છે. એટલે સાચો જ્ઞાની પણ ભક્ત હોય જ છે એ વાત સમજવાની જરૂર છે. પછી તે ભક્તિને ના માને તે તો કેમ જ બને ?

બીજી રીતે વિચાર કરો કે જ્ઞાની કોને કહેવાય ? જ્ઞાનીમાં અનેક લક્ષણ છે. પણ એક મોટું લક્ષણ તેના સમદર્શીપણાનું છે. જ્ઞાની સમદર્શી હોય છે. બધે જ પોતાના આત્મા કે પરમાત્માને જુએ છે. એટલે તે કોઈનોય તિરસ્કાર કરી શકતો નથી. એક મૂર્ખ કે દુષ્ટ માણસની પ્રત્યે પણ તે તિરસ્કારથી જોતો નથી પરંતુ અનુકંપાથી જુએ છે, તો ભક્તિ જેવા પ્રભુ પ્રાપ્તિના મહાન સાધન તરફ તો તે અણગમો કે તિરસ્કાર કેવી રીતે રાખે ? તે તો જાણે છે કે પોતપોતાની રૂચિ પ્રમાણે માણસ ભિન્નભિન્ન રીતે પ્રભુ પ્રાપ્તિ કરવા મથે છે. બધા જ માર્ગ ઈશ્વર પાસે લઈ જાય છે. તો મારે શા માટે એવો દુરાગ્રહ કરવો કે બધા પોતાનો માર્ગ છોડી મારો જ માર્ગ ગ્રહણ કરે ? એવો દુરાગ્રહ તો જ્ઞાન નહિ પણ અજ્ઞાન ગણાય છે, જેને ગીતાએ તામસી જ્ઞાન કહ્યું છે. ખરો જ્ઞાની તો બધા પર પ્રેમ રાખે છે, તે ગમા-અણગમા કે રાગ અથવા તિરસ્કાર જેવા સાધારણ માણસને જકડી બેઠેલા બંધનથી મુક્ત હોય છે.

જ્ઞાની વિશે કાંઈ પ્રમાણિત નિર્ણય કરવો હોય તો પહેલાં થયેલા મહાન જ્ઞાની પુરૂષોના જીવનનો વિચાર કરવો વધારે સારો છે. શંકરાચાર્ય મહાન ભક્ત હતા. ને તેમણે શંકર, શક્તિ ને કૃષ્ણની અનેક જ્ઞાનમિશ્રિત કથા કહી છે, ને સાકાર ભક્તિનું પ્રતિપાદન કર્યું છે. વ્યાસ ને નારદને ભક્તિ દ્વારા જ શાંતિ મળી છે. તો પછી તેમની આગળ આજના કહેવાતા પૂર્વગ્રહ યુક્ત જ્ઞાનીઓનો શો હિસાબ ? ખરી રીતે તો એમ છે કે જ્ઞાન વિના ભક્તિ નથી (કેમ કે સંસારની અસારતા ને ઈશ્વરની સત્યતાના જ્ઞાનથી જ ભક્તિ જાગે છે) ને ભક્તિ વિના જ્ઞાન નથી, (કેમ કે પરમાત્માની સતત ભક્તિથી જ પરમ જ્ઞાન મળે છે.)

પ્રશ્ન : તત્વજ્ઞાનની ભાષા કઠણ એટલે અર્થઘન હોવી જોઈએ એમ કેટલાક ચિંતકોનું માનવું છે. તે વિશે આપનો અભિપ્રાય શો છે ?
ઉત્તર : તત્વજ્ઞાનની ભાષા અર્થઘન હોવી જોઈએ એ માન્યતા ખોટી છે. તત્વજ્ઞાન કાંઈ થોડાક વિદ્વાનોની ચર્ચાનો જ વિષય નથી. તેમ જ સાક્ષરોનો પણ તે કાંઈ ઈજારો નથી. તે તો પ્રત્યેક માનવનો જન્મસિદ્ધ અધિકાર છે. હરેક માણસને તેના ગૂઢ રહસ્ય ને તેના સિદ્ધાંત સમજાવવાની જરૂર છે. આ માટે જે ભાષામાં તમે ધર્મ કે તત્વજ્ઞાન સમજાવો તે ભાષા ખૂબ જ સરલ, સ્પષ્ટ છતાં સુમધુર જોઈએ. તમે જે કહેવા માંગો છો તે તમને સહેલી ભાષામાં સુવાચ્ય રીતે વ્યક્ત કરતાં પણ આવડવું જોઈએ. જાણવું અઘરૂં છે, પણ જે જાણતા હોઈએ તે સમજાવવું એથીયે અઘરૂં છે. આ બંને કલાઓમાં તમારે પ્રવીણ થવું જોઈએ.

મારી આ વાતમાં સંદેહ કરવા જેવું કાંઈ જ નથી. વિશ્વનો મહાન ધર્મગ્રંથ ગીતા આની સાબિતી છે. આ ગ્રંથ ધર્મ કે તત્વજ્ઞાનનો ઉત્તમોઉત્તમ ગ્રંથ હોવા છતાં તેની ભાષા ખૂબ જ સહેલી, સમજાઈ જાય તેવી ને છતાં સુંદર છે. બુદ્ધના ઉપદેશો જુઓ. શિક્ષિત ને અશિક્ષિત કિસાન, મજૂર, ફેરિયા, બધા જ એને સહેલાઈથી સમજી શકે. એવી રીતે તત્વજ્ઞાનને તમારે સહેલામાં સહેલી ભાષા દ્વારા વ્યક્ત કરવું જોઈએ. તત્વજ્ઞાન કાંઈ ઈન્દ્રજાળ નથી કે તેની આસપાસ ભારેખમ ને રહસ્યમય શબ્દોની જાળ ઊભી કરવી પડે. તે તો માનવમન સહેજે સમજી શકે તેવા સિદ્ધાંતોનો સમુચ્ચય છે. આટલું સમજીએ તો તત્વજ્ઞાનને આપણે સરળમાં સરળ બનાવીએ.

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato 
06.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 17 guests online

View site in